ધર્મ દર્શન

શ્રી સોમનાથ જ્યોતિલિંગની કથા

શ્રી સોમનાથ જ્યોતિલિંગની કથા

સોમ એટલે ચંદ્ર અને ચંદ્રે જે જગ્યાએ નાથ કહીને ભગવાન શિવનું તપ કર્યું અને ભગવાન શિવ પ્રગટ થયા તે સોમનાથ.

શિવનો અર્થ છે કલ્યાણ.તમામનું કલ્યાણ થાય એવો ભાવ આત્મસાત કરવો.તમામનું મંગલ થાય તેવી કામના કરે તો જીવ શિવમય બની જાય.પોતાના આત્મામાં એવા શિવત્વને પ્રગટ કરવાની સાધનાને શિવપૂજા કે શિવદર્શન કહેવાય છે.શિવાલયના નિજ મંદિરમાં જે શિવલિંગ હોય છે તેને આત્મલિંગ કે બ્રહ્મલિંગ કહે છે.અહી વિશ્વકલ્યાણ નિમગ્ન બ્રહ્માકાર વિશ્વાકાર ૫રમ આત્મા જ સ્થિત હોય છે.હિમાલય જેવું શાંત મહાન સ્મશાન જેવું સુમસામ શિવરૂ૫ આત્મા જ ભયંકર શત્રુઓની વચ્ચે રહી શકે છે અને તે જ કાલાતીત મહાકાલ કહેવાય છે અને તે જ સંતોષી તપસ્વી અપરિગ્રહી જીવન સાધનાનાં પ્રતિક છે.

સોમનાથ મહાદેવનું મંદિર ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું છે.ભગવાન શિવના બાર પવિત્ર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિગ છે.મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.

 

 

 

આ જગ્યાનો ઇતિહાસ જોઇએ તો એકવાર અત્રિઋષિ અને અનસૂયા શાંતિથી બેસીને જીવ-શિવની લીલા વિશે ચર્ચા કરતા હતા.ઘણા લોકો ભૌતિક સુખ,પુણ્ય,જીવન વિકાસ અને મોક્ષ માટે તપ કરતા હોય છે.અત્રિઋષિ અને અનસૂયા માનવજાતિના વિકાસ માટે,જગતમાં સુખ-શાંતિ અને સમાધાન માટે પૂત્રની ઇચ્છા હતી અને તેના માટે તેઓ તપશ્ચર્યા કરે છે.ભગવાન શિવની કૃપાથી તેમને પૂત્ર થાય છે જેનું ચંદ્ર નામ રાખવામાં આવે છે.માતાપિતાના ગુણો ચંદ્રમાં આવે છે.

 

 

 

ચંદ્ર મોટો થતાં માતા અનસૂયા તેને સુશિલ અને સુસંસ્કૃત કન્યા સાથે લગ્ન કરી લેવા આગ્રહ કરે છે.ચંદ્રના મનમાં કોઇ સ્ત્રી શરીર સાથે નહી પણ જે તેની બુદ્ધિ પ્રતિભાને સમજી શકે,પોતાના વ્યક્તિત્વથી ધર્મકાર્યમાં સહકાર આપે તેવી સર્વગુણ સંપન્ન પત્ની જોઇતી હતી.એકવાર ચંદ્ર જંગલમાં ફરતો હતો ત્યારે તેના કરતાં પણ સુંદર કન્યા મળે છે.એકબીજા સાથે વાતચીત થાય છે.ચંદ્ર પુછે છે કે શું તમે પરણેલા છો? ત્યારે કન્યા કહે છે કે “પરણવું એટલે શું? અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ જોડાણ થાય તેને લગ્ન કહેવાય? પરણવું એટલે એકબીજામાં સમાઇ જવું.પ્રેમની ચરમસીમા વિલિનીકરણમાં છે.બે શરીરના લગ્ન એ લગ્ન નથી.પુરૂષ પાસે વૈભવ હોય,શૂરવીર હોય,સૌદર્યવાન અને સર્વગુણસંપન્ન હોવો જોઇએ.”

કન્યા કહે છે કે આવો સર્વગુણસંપન્ન અત્રિઋષિનો પૂત્ર ચંદ્ર છે તેવું મે મહાપુરૂષોના મુખેથી સાંભળ્યું છે,તેની સાથે મારે લગ્ન કરવા છે.કન્યા કહે છે કે મારૂં નામ રોહિણી છે.હું દક્ષપ્રજાપતીની પૂત્રી છું.ચંદ્ર કહે છે કે વર્ષોથી તું જેનું ચિંતન કરે છે તે ચંદ્ર હું જ છું.ત્યારે રોહિણી કહે છે કે અમે સત્તાવીશ બહેનો દિલથી એક વિચારની,એકબીજા ઉપર પ્રેમ અને આત્મિયતાના કારણે અમે નક્કી કર્યું છે કે અમે એક જ પતિ સાથે પરણીશું.ત્યારે ચંદ્ર કહે છે કે તમારા જેવી સર્વગુણ સંપન્ન આદર્શ નારી મળતી હોય તો બાકીની છવ્વીસને પણ હું સ્વીકારીશ.

રોહિણી ચંદ્રને પોતાના પિતા દક્ષ પાસે લઇ જાય છે અને બંન્નેના માતાપિતાની સંમત્તિથી ખુબ જ ઠાઠમાઠથી દક્ષરાજાની સત્તાવીશ કન્યાઓ સાથે ચંદ્રનાં લગ્ન કરવામાં આવે છે.ચંદ્ર પોતાની પત્નીઓને લઇને પોતાના ઘેર આવે છે.લગ્ન પછી સત્કૃત્યોની શરૂઆત થાય છે.રોહિણી તેના કામમાં ખભેખભો મિલાવીને સાથ આપે છે,ચંદ્રની કદર કરે છે.બાકીની છવ્વીસ પત્નીઓ ચંદ્રને પ્રેમ કરે છે પરંતુ ચંદ્રના કાર્યને સમજી શકતી નથી તેથી તેમનામાં મત્સર (પારકાની ચડતી સહન ન થતાં આવતી અદેખાઇ) ઉભો થયો અને તેમને લાગ્યું કે પતિનું ખેંચાણ આપણી તરફ નથી.

એકવાર દક્ષપ્રજાપતિ ચંદ્રના ઘેર આવે છે ત્યારે રોહિણી સિવાઇની ૨૬ દિકરીઓ પિતાજીને ફરીયાદ કરે છે કે પિતાજી..અહી સુખ છે,આનંદ છે,લીલાલહેર છે પરંતુ અમારા પતિનું અમારી તરફ ખેંચાણ નથી, અમારી ઉપેક્ષા થાય છે.દક્ષે ચંદ્રને બોલાવીને ઠપકો આપ્યો કે તમારા વિશે જે ફરીયાદ મળી છે તેવું ફરીથી ભવિષ્યમાં ના બને તેની કાળજી રાખજો.ચંદ્ર કહે છે કે હું સમજી વિચારીને આવું કરતો નથી પરંતુ મારા કાર્ય અને બુદ્ધિને ફક્ત રોહિણી જ સમજી શકે છે તેથી તેના પ્રત્યે ખેંચાણ વધુ રહે છે.

એકવાર ચંદ્રના જીવનમાં એક ઘટના બને છે.દેવતાઓના ગુરૂ બૃહસ્પતિની પત્ની તારાની તરફ ચંદ્રનું મન ખેંચાય છે ત્યારે રોહિણી સિવાઇની બાકીની પત્નીઓ ગુસ્સે થાય છે અને ચંદ્રનો તિરસ્કાર કરે છે તેથી ચંદ્રનું અન્ય પત્નીઓ તરફ ખેંચાણ ઓછું થાય છે. આખું જગત તિરસ્કાર કરે તો ચાલે પણ પત્ની આપણો તિરસ્કાર કરે તો તે અસહ્ય બને છે.

રોહિણી ઘણી સમજદાર હતી તેને ખબર હતી કે ચંદ્રમાં જગતને સુધારવાની શક્તિ છે.પ્રભુની કૃપા પ્રસાદીથી તે જગતમાં આવ્યો છે તેની કદાચ ભૂલ થઇ હશે.તે ચંદ્ર પાસે જઇને સમજાવે છે કે ગુરૂ બૃહસ્પતિની પત્ની તારા જેવી સ્ત્રી તમારા જેવા લોકોત્તર પુરૂષ પાછળ ગાંડી થાય તેમાં નવાઇ નથી પણ જગતમાં સૌદર્ય અને શિતળતા લાવવા પ્રયાસ કરનાર તમે વિચાર કરો કે તમોને આ શોભે છે? અમે ૨૭ છીએ ૨૮મી લાવશો તો અમોને વાંધો નથી પરંતુ “પરસ્ત્રી તરફ ખરાબ નજરે જોવું એ સારૂં ના કહેવાય.” તમારા આ કાર્યથી કૌટુંબિક સૌદર્ય,સ્વાસ્થ્ય,સમાધાન,શાંતિ અને શિતળતા તમે ગુમાવી દેશો.ચંદ્રે પોતાની ભૂલની કબૂલાત કરી પાપ પ્રક્ષાલન કર્યું અને ફરીથી આવી ભૂલ ન કરવાની ખાત્રી આપી પરંતુ બાકીની ૨૬ પત્નીઓના તિરસ્કારથી તેમના વચ્ચેનું અંતર વધતું ગયું અને તેથી તેમને પિતા દક્ષને ફરીયાદ કરી.

દક્ષ ગુસ્સે થયા અને ચંદ્રને કહ્યું કે તમે વચન આપ્યા પછી પણ મારી તમામ દિકરીઓને એક સરખી રીતે રાખતા નથી.ચંદ્રે દલીલ કરી કે એમાં મારા એકલાનો દોષ નથી.હું દિવસ રાત જે કાર્ય કરૂં છું તેમાં રોહિણી સિવાઇ બીજી કોઇને રત્તીભર રસ નથી.આવી ફક્ત હાડમાંસના પિંજરા જેવી પત્નીઓ ઉપર મને પ્રેમ કેવી રીતે થાય..!

દક્ષરાજા કહે છે કે લગ્ન વખતે તમે જે સોગંદ ખાધા હતા કે “ધર્મે ચ અર્થે ચ કામે ચ નાતિચરામિ” તે પાળી શક્યા નથી અને દક્ષે ગુસ્સામાં શ્રાપ આપ્યો કે તને કર્તૃત્વનો,બુદ્ધિમત્તાનો અને સૌદર્યનો અહંકાર હોય તો જા..તે બધાને ક્ષય લાગશે,તૂં ક્ષયરોગી થશે.દક્ષના ગયા પછી ચંદ્રને લાગ્યું કે સૌદર્ય,કર્તૃત્વશક્તિ જતી રહેશે તો મારાથી જગકલ્યાણના કામ થશે નહી તેથી તે દક્ષ પાસે ગૂનેગાર તરીકે જાય છે.પગે લાગીને કહે છે કે મારી ભૂલ થઇ છે.ચંદ્ર નિસ્તેજ બની જતાં તમામ પત્નીઓને પોતાની ભૂલ સમજાય છે કે શું કરવા ગઇ અને શું થઇ ગયું? તેઓ પણ પિતાજીને શ્રાપ પાછો ખેંચી લેવા વિનંતી કરે છે.

દક્ષે કહ્યું કે શ્રાપ પાછો ખેંચવાની શક્તિ મારામાં નથી.હવે શું કરવું? રોહિણી ચંદ્રને કહે છે કે તમારી શક્તિ અને પ્રભાને ક્ષય લાગ્યો છે.અત્રિ અને અનસુયાએ મહાન તપ કરીને જગતની સિકલ બદલવા શિવજી પાસેથી તમને મેળવ્યા હતા તે કાર્ય હવે થવાનું નથી.ચંદ્ર કહે છે કે આપણે બ્રહ્માજી પાસે જઇએ તે કોઇક રસ્તો બતાવશે.

ચંદ્ર અને રોહિણી બ્રહ્મા પાસે જાય છે.બ્રહ્માજી તેમને નિગ્રહાનુગ્રહ સમર્થ ભગવાન શિવજીની આરાધના કરવાનું કહે છે.રોહિણી અને ચંદ્રે પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન શિવની આરાધના કરી.વર્ષોના તપ પછી શિવજી પ્રગટ થાય છે અને ચંદ્ર પર અનુગ્રહ કરી ચંદ્રની શક્તિમાં પંદર દિવસ વૃદ્ધિ અને પંદર દિવસ ક્ષય થશે એવા આર્શિવાદ આપ્યા.જે જગ્યાએ બ્રહ્માજીએ ભગવાન શિવની પ્રાણપ્રતિષ્ઠા કરવાનું કહ્યું તે સોમનાથ.ચંદ્રે જગતમાં અનેક સત્કાર્યો કર્યા,જગતમાં શિતળતા અને ભાવ વધારવા જીવન પસાર કર્યું અને જ્યારે તેને જગત છોડ્યું ત્યારે લોકોએ ચંદ્રની કદર કરી એક મહાન શિતળ ગોળો જે આકાશમાં ફરે છે તેને નામ આપ્યું ચંદ્ર..અને ચંદ્ર જોડે જેણે સંસારનો સબંધ બાંધ્યો હતો તે ગમે તેવી પણ મહાન છે તે ચંદ્રની આસપાસ રહેતી નક્ષત્રમાલિકા. સત્તાવીસ માલિકાને પણ તેમનાં નામ આપ્યાં તે છે અશ્વિની ભરણી કૃત્તિકા રોહિણી મૃગ આર્દ્રા પુનર્વસુ પુષ્ય આશ્ર્લેષા મઘા પૂર્વા ઉત્તરા હસ્ત ચિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા જ્યેષ્ઠા મૂળ પૂર્વાષાઢા ઉત્તરષાઢા શ્રવણ ધનિષ્ઠા શતતારકા પૂવાભા ઉત્તરાભા અને રેવતી..

સોમ એટલે ચંદ્ર અને ચંદ્રે જે જગ્યાએ નાથ કહીને ભગવાન શિવનું તપ કર્યું અને ભગવાન શિવ પ્રગટ થયા તે સોમનાથ.જે જગ્યાએ પ્રભુકાર્ય કરવાવાળા ચંદ્રની ગુમાવેલ પ્રભા પરત મળી તે સ્થાન પ્રભાસ.પ્રાચીન માન્યતાઓ અનુસાર સત્યયુગમાં સોમરાજે સુવર્ણનું મંદિર બંધાવ્યું હતું.ત્રેતાયુગમાં રાવણે ચાંદીનું મંદિર બંધાવ્યું હતું અને દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનના લાકડાથી મંદિરનું નવ નિર્માણ કર્યું હતું.સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધ્રૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલો છે અને કોઈ જમીન નથી. અહીં જ બાજુમાં ભાલકાતીર્થ આવેલું છે જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણ તેમના નિજધામ ગયા હતા.અહીં તેમને પારધી દ્વારા તેના પગમાં રહેલા પદ્મને વીંધીને તેમને ઘાયલ કર્યા હતા.આ જ જગ્યાથી ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઇ શ્રી બલરામ પણ અહીંથી પાતાળ લોક ગયા હતા.

સોમનાથ મંદિરમાં પૂજા કરવા માટે એક હજાર બ્રાહ્મણો અને સોમનાથની યાત્રાએ આવતા યાત્રાળુઓના ક્ષોરકર્મ-હજામત કરવા માટે ત્રણસો હજામો રાખ્યા હતા.સોમનાથનો કેટલો વૈભવ હશે અને કેટલું મહાન પવિત્ર સ્થાન હશે તેની કલ્પના કરો.ત્યારપછી સમય જતાં ચંદ્રે ઉભો કરેલ ભાવ ઓછો થયો,શક્તિ ગઇ, વૈભવ ગયો.સંસ્કૃતિની શક્તિ નબળી પડતાં મહંમદ ગઝનીએ મંદિરને તોડીને વૈભવ લૂંટ્યો.

આ બધી કથાનો અર્થ પણ સમજવો જોઇએ.ચંદ્રે ચાર પાપ કર્યા.વૃદ્ધનો અનાદર કર્યો,અનુભવવૃદ્ધ અને જ્ઞાન વૃદ્ધનો અનાદર ના કરવો જોઇએ..પ્રતિજ્ઞાનું પાલન ના કર્યું.પોતાના માનેલા સબંધીઓની સાથે પક્ષપાત કર્યો અને સ્ત્રીઓની ઉપર ભોગની નજર કરી..સ્ત્રી તરફ જોવાની નજર અતિ પવિત્ર હોવી જોઇએ. ધર્મ અને સંસ્કૃતિના કામ કરનાર લોકોમાં ઉપર બતાવેલ પાપ થાય છે ત્યારે તેમને ક્ષય લાગે છે એટલે કે તે ખલાસ થાય છે.

સરદાર વલ્લભભાઈ પટેલે ૧૩ નવેમ્બર,૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી હતી.આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું.૧૧ મે,૧૯૫૧ના દિવસે મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઇ ત્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા વિધી કરતાં કહ્યું હતું કે “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે.” સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે.સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં હાલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આ ટ્રસ્ટના ચેરમેન છે. આપણે યાત્રા કરીએ છીએ ૫ણ સાથે સાથે યાત્રા કરવા પાછળનો ભાવ હ્રદયમાં હોવો જોઇએ.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button