સાધલી ગ્રામ પંચાયતની કડક કાર્યવાહી — બાકી વેરા ભરવા તાકીદ, બંધ લારીઓ હટાવવા અલ્ટીમેટમ

સાધલી ગ્રામ પંચાયતની કડક કાર્યવાહી — બાકી વેરા ભરવા તાકીદ, બંધ લારીઓ હટાવવા અલ્ટીમેટમ
ટ્રેક્ટર પર માઇક દ્વારા જાહેરાત; નડતરરૂપ ફરતી લારીઓ સામે પણ ચેતવણી, મહાશિવરાત્રીની માહિતી પણ અપાઈ

સાધલી:સાધલી ગ્રામ પંચાયત દ્વારા આજરોજ ટ્રેક્ટર ઉપર માઇક બાંધીને ગામમાં જાહેર જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પંચાયતના તમામ બાકી વેરા ભરવા તથા ગેરકાયદેસર રીતે ઉભી રહેલી બંધ લારીઓ હટાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. પંચાયત દ્વારા જાહેર કરાયેલી આ જાહેરાત ગામમાં ચર્ચાનો વિષય બની છે.
આ જાહેરાત અનુસાર, તારીખ 12 ફેબ્રુઆરી 2026ના રોજ નંબર વગરના અને તૂટેલા એંગલો વાળા ટ્રેક્ટર પર માઇક લગાવીને ગામમાં ફેરવી કડક ભાષામાં લોકોને સૂચના આપવામાં આવી હતી કે ગ્રામ પંચાયતના તમામ બાકી વેરા પાંચ દિવસની અંદર ઓફિસમાં જઈને ભરવા. જો નિર્ધારિત સમયમર્યાદામાં વેરા નહીં ભરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.
સાથે સાથે વર્ષોથી ધંધો કર્યા વગર ઉભી રહેલી બંધ લારીઓ અંગે પણ મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી હતી. પંચાયતના જણાવ્યા મુજબ ઘણી લારીઓ પંચાયતનું ભાડું ચૂકવ્યા વગર જાહેર જગ્યાનું દબાણ કરીને ઉભી રાખવામાં આવી છે. આવા લારી માલિકોએ તાત્કાલિક પોતાની લારીઓ હટાવી લેવી, નહીં તો ત્રણ દિવસ બાદ પંચાયત દ્વારા લારીઓ હટાવી લેવામાં આવશે અને દંડ તેમજ બાકી ભાડું વસૂલ કરવામાં આવશે.
ફરતી લારીઓ માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ આડેધડ રીતે લારીઓ ઉભી રાખીને જાહેર જનતાને નડતરરૂપ ન બને. ટ્રાફિક તથા લોકોની અવરજવર સુગમ રહે તે માટે નિયમોનું પાલન કરવા પંચાયતે અપીલ કરી છે.
આ જાહેર જાહેરાત દરમિયાન આગામી 15 ફેબ્રુઆરી 2026ના રોજ ઉજવાનારી મહાશિવરાત્રીના તહેવાર અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
સાધલી ગ્રામ પંચાયત દ્વારા અગાઉ ઠરાવ કરીને સ્થાયી લારીઓ માટે રૂ.50 અને ફરતી લારીઓ માટે રૂ.20 ભાડું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી આશરે સો કરતાં વધુ લારીઓ પાસેથી ભાડું વસૂલ ન થતાં પંચાયતને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સક્ષમ અધિકારીઓ દ્વારા તપાસ કરીને યોગ્ય વસુલાત કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
મહિલા સરપંચ હોદ્દા પરથી દૂર થયા બાદ પંચાયત દ્વારા વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. જૂના દબાણો દૂર કરવા અને ગામમાં શિસ્ત જાળવવા માટે હાથ ધરાયેલી કાર્યવાહીથી સામાન્ય જનતામાં આનંદ અને આશાની લાગણી જોવા મળી રહી છે.



