ગુજરાત

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી 

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી 
દર્દીને સ્વસ્થ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે રૂા.૧.૨૮ કરોડના ઈન્જેકશનો વિનામૂલ્યે અપાયા
કોઈએ હાથ ન ઝાલ્યો પરંતુ નવી સિવિલના ડોકટરો દેવદૂત બન્યા: દર્દી લાલુભાઈ લોહ

સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સફળ સર્જરી કરવામાં આવી છે. ૪૧ વર્ષીય જન્મથી હિમોફિલિયાના પીડિત લાલુભાઈ નાનજીભાઈ લોહનું સફળ ઓપરેશન કરીને સ્વસ્થ કર્યા છે. ઓપરેશન પહેલા, દરમિયાન અને બાદમાં રૂા.૧.૨૮ કરોડના ઈન્જેકશનો વિનામૂલ્યે આપીને દર્દીને સ્વસ્થ કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ભૂતેડી ગામના વતની લાલુભાઈએ નવી સિવિલના ડોકટરો દેવદૂત બનીને નવું જીવન આપ્યું હોવાની લાગણી વ્યકત કરી હતી.
લાલુભાઈએ જણાવ્યું કે, એક વર્ષ પહેલા મને ડાબા પગમાં હિમોફિલીયાની ગાંઠ થઈ હતી. નજીકમાં મહેસાણા, અમદાવાદની સરકારી તથા પ્રાઈવેટ હોસ્પિટલોમાં બતાવ્યું. પરંતુ આ પ્રકારના ઓપરેશનમાં એક કરોડથી વધુનો માતબર ખર્ચ થતો હોવાનું તબીબોએ જણાવ્યું. મારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે કોઈએ મારો હાથ ન ઝાલ્યો. સુરતની હિમોફિલીયા સોસાયટી દ્વારા જાણવા મળ્યું કે, સુરતની સિવિલમાં આ ઓપરેશન શક્ય બનશે. જેથી હું એકાદ મહિના પહેલા નવી સિવિલમાં આવીને બતાવ્યું. અહીના ડોકટરોએ ઓપરેશન કરવાની તત્પરતા બતાવી. કોઈ પણ ચાર્જ વિના મારૂ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું એમ જણાવી નવી સિવિલના તમામ ડોકટરો અને રાજય સરકારનો આભાર માન્યો હતો.
નવી સિવિલના ઓર્થોપેડીક વિભાગના એસો.પ્રોફેસર ડો.નિતિન ચૌધરીએ જણાવ્યું કે, જ્યારે લાલુભાઈ અમારી પાસે આવ્યા ત્યારે ચેક કરતા ઘૂંટણના પાછળના ભાગે હિમોફિલીયાની ગાંઠ થઈ હતી. અમે ઓપરેશન કરવાની તત્પરતા દર્શાવી. ગત તા.૨૬મી ડિસેમ્બરે ઓર્થોપેડિક વિભાગના વડા ડો.હરિ મેનનના માર્ગદર્શન હેઠળ અમારી ટીમના ડો.દીક્ષિત, ડો.નિમેષ તથા એનેસ્થેસીયાના ડો.બંસરી કંથારીયા સાથે મળીને ઓપરેશન કર્યું. ત્રણ થી ચાર કલાકની જટિલ શસ્ત્રક્રિયા કરીને ગાંઠને દૂર કરી. ગાંઠમાંથી ત્રણ લીટર દૂષિત રક્ત દૂર કર્યું. આમ નર્સિગ સ્ટાફ, એનેસ્થેસીયાની ટીમ, રેસીડેન્ટ ડોકટરો તથા વર્ગ-૪ના કર્મયોગીઓના સહિયારા પ્રયાસોથી ઓપરેશન સફળ થયું હતું.
ટીમના સાથી ઓર્થોપેડિક (ઓન્કોલોજી) ડો.રાહુલ પરમારે વધુ વિગતો આપતા કહ્યું કે, લાલુભાઈને બ્લડની ગાંઠ (ટ્યુમર) હતી. લોહીની નળી ટ્યુમર સાથે ચોંટેલી હતી. ઓપરેશન દરમિયાન ખાસ તકેદારી રાખીને લોહીની નળીને અલગ કરીને ટ્યુમર(ગાંઠ)ને કાઢવામાં આવી હતી.
નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રી ડો. ધારિત્રી પરમારે જણાવ્યું કે, હિમોફિલીયા પીડિત લાલુભાઈની EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર શરૂ છે. આ EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની ગુજરાતમાં સૌપ્રથમ સર્જરી કરવામાં આવી છે. સર્જરીમાં હિમોફિલીયા સોસાયટીના સુરત ચેપ્ટરના સહયોગ અને રાજ્ય સરકારની મદદથી ફેક્ટર્સ સેવન 2 MGના એક ઈન્જેકશન (VIALS) એમ ૧૬૦ VIALS એટલે જે કુલ ૩૨૦ MGના ઈન્જેકશન દર્દીને આપવામાં આવ્યા હતા. 2 MGના એક ઈન્જેકશનની કિંમત આશરે રૂ.૮૦ હજાર જેટલી થાય છે. કુલ અંદાજિત રૂા.૧.૨૮ કરોડના ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. હિમોફિલીયા સોસાયટી(સુરત)ના નિહાલ ભાતવાલા અને નિલેશ જરીવાલાની જહેમતથી દર્દી સારવાર માટે સુરત આવ્યા હતા. હાલ દર્દી સ્વસ્થ હોવાનું તેઓ જણાવે છે.
RMO ડો.કેતન નાયકે જણાવ્યું હતું કે, લાલુભાઈ જેવા સેંકડો જરૂરિયાતમંદ દર્દીઓ સુરત સિવિલમાં સારવાર લેવા આવે છે અને વિનામૂલ્યે સારવાર મેળવી સ્વસ્થ થઈને ઘરે પરત જાય છે. (અહેવાલઃ મહેન્દ્ર વેકરીયા)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button