સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી: સુરત પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓએ શરૂ કરી કાર્યવાહી

સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી: સુરત પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓએ શરૂ કરી કાર્યવાહી
સુરત એરપોર્ટ ખાતે વાર્ષિક મોકડ્રીલ યોજાઈ
‘સુરત એરપોર્ટને ફોન કોલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. સુરત પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓએ કાર્યવાહી શરૂ કરી હતી.’ વાસ્તવમાં આવું બન્યું ન હતું, પરંતુ બોમ્બની ધમકી અને ત્યારબાદની સુરક્ષા કાર્યવાહી Bomb Threat Mock Exercise – BTME) અંગે સુરત એરપોર્ટ તંત્ર દ્વારા વાર્ષિક મોકડ્રીલ યોજાઈ હતી.
આ અભ્યાસનો હેતુ વિવિધ સુરક્ષા તથા આપાતકાલીન એજન્સીઓ વચ્ચે તાત્કાલિક પ્રતિસાદ, સંકલન અને તૈયારીઓનું મૂલ્યાંકન કરવાનો હતો.
મોકડ્રીલ અંતર્ગત સવારે ૧૧:૨૮ કલાકે ઇન્ડિગો એરલાઇન્સના પ્રતિનિધિને આબિદ ગુલ મહમ્મદ નામથી કોઈએ કોલ કરી એરપોર્ટના અરાઈવલ એરિયામાં બોમ્બ મૂક્યો હોવાનું જણાવી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જેથી તાત્કાલિક બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટીને જાણ કરાઈ હતી. ત્યારબાદ સિક્યોરિટી ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર (SOCC) દ્વારા CISF ક્વિક રિએક્શન ટીમ (QRT), બોમ્બ ડિટેકશન અને ડિસ્પોઝલ સ્કવોડ, સ્થાનિક પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ તથા અન્ય સંબંધિત એજન્સીઓને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યા અને બોમ્બ ધમકી કંટ્રોલ રૂમ શરૂ કરાયો હતો. સ્થાનિક પોલીસે એફ.આઈ.આર. નોંધી તપાસ શરૂ કરી હતી. બપોરે ૧૨.૫૫ કલાકે મોકડ્રીલ પૂર્ણ થઇ હતી.
મોકડ્રીલ એરપોર્ટના ડિરેક્ટર આનંદ એન. શર્મા, એવિએશન સિક્યુરિટી ગ્રુપના કમાન્ડન્ટ/સી.એ.એસ.ઓ. કુમાર અભિષેકના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જેમાં ૧૭૪ અધિકારી-સુરક્ષા કર્મચારીઓ સહિત તમામ એજન્સીઓએ સતર્કતા, કુશળતા અને સંકલન સાથે તેમની ફરજો નિભાવી હતી.
બ્રીફિંગ સત્રમાં તમામ સહભાગી એજન્સીઓ તથા નિરીક્ષકોએ ભવિષ્યમાં વધુ અસરકારક ઈમરજન્સી સુરક્ષા સેવા અને સંકલન માટેના સૂચનો તથા પ્રતિભાવ રજૂ કર્યા હતા.