સુરત શહેરમાં અટકી-અટકીને ત્રીજા દિવસે પણ વરસાદ ઝીંકાયો
શહેરમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ ચાલુ
૨૪ કલાકમાં છ ઇંચ સુધી વરસાદ ઝીંકાયો
Surat News: સુરત શહેર-જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં આજે ત્રીજા દિવસે પણ જારદાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ સંદર્ભે હવામાન તંત્ર દ્વારા સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ દરમિયાન સુરત શહેરમાં પણ સતત અટકી-અટકીને વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં ગઈકાલે સોમવારથી આજે મંગળવાર સવાર સુધીનાં ૨૪ કલાકમાં ત્રણથી છ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે અને આજે સવારથી સુરત શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો છે.
સુરત મહાનગર પાલિકાનાં ફ્લડ કંટ્રોલ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ ગઈકાલે સવારથી આજે સવાર સુધીનાં ૨૪ કલાકમાં સુરત શહેરનાં ઉધના ઝોનમાં સર્વાધિક ૧૪૫ મીમી એટલે કે છ ઈંચ સુધીનો વરસાદ ઝીંકાયો છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં ૯૬, રાંદેર ઝોનમાં ૭૮, કતારગામમાં ૭૫, વરાછા એ ઝોનમાં ૧૦૮, બી ઝોનમાં ૧૧૨, લીંબાયતમાં ૯૬ અને અઠવા ઝોનમાં ૮૬ મીમી વરસાદ નોંધાયો છે.
સુરત શહેર-જિલ્લામાં આજે ત્રીજા દિવસે પણ અટકી-અટકીને વરસાદ પડી રહ્યો છે. સુરતમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ છે. સતત વરસાદ પડતા સુરત શહેરનાં તમામ વિસ્તારોમાં પાણીની રેલમછેલ થઈ ગઈ છે.