 
						સુરતઃ ગુરૂવારઃ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા અઠવાડિયા દરમિયાન ત્રીજુ સફળ અંગદાન થયું હતું. આ સાથે અંગદાનની સંખ્યા ૫૫ થઈ છે. સુરત જિલ્લાના માંડવી ખાતે રહેતા આદિવાસી યુવાન ફતેસિંગભાઈ ચૌધરીને બ્રેઈનડેડ જાહેર થતા તેઓના બે કિડની, લિવર તથા ફેફસાનું દાન થયું હતું. જેના થકી ચાર વ્યકિતઓને નવજીવન મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરત જિલ્લાના માંડવી તાલુકાના નવાપુરાગામના પરવત ફળિયામાં રહેતા અને મજુરીકામ કરતા ૩૧ વર્ષીય ફતેસિંગભાઇ નરોત્તમભાઇ ચૌધરી તા.૧૩/૦૧/૨૦૨૪ ના સવારે ૧૧:૩૦ વાગે કામરેજ ઉધોગનગર બ્રિજ નિચે બાઇક ચલાવીને જતા હતા
ત્યારે અચાનક પાછળથી ટેમ્પાની ટક્કર લાગવાથી પડી ગયા હતા. અજાણ્યા વ્યક્તિ દ્વ્રારા ઘર પરીવારને ફોન કરી જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ કામરેજની સરકારી હોસ્પિટલમાં લઇ આવવામાં આવ્યા. તબિયત વધુ સારી ન હોવાથી ૧૦૮નો સંપર્ક કરી બપોરે ૧:૦૦ વાગ્યે કામરેજની દીનબંધુ હોસ્પિટલ ખોલવાડ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંના તબીબોના કહેવાથી તા.૧૪/૦૧/૨૦૨૪ના રોજ ઇમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવીને ઇમરજન્સીમાં આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તા.૧૮/૦૧/૨૦૨૪ના રોજ બપોરે ૦૨.૫૦ વાગે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો. નિલેશ કાછડીયા, ડો. પરેશ ઝાંઝમેરા તથા ડો કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
 
				 
					


