રાજનીતિ

ઓલપાડ તાલુકાના બરબોધન ગામે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના અધ્યક્ષસ્થાને ‘અમૃત કળશ યાત્રા’ યોજાઈ

“મારી માટી, મારો દેશ” અભિયાન એ શહીદોના શૌર્યની સ્મૃતિ વંદના અને ભારત ભૂમિની માટીનું ઋણ સ્વીકાર કરવાનો અવસર: કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ

સુરત:સોમવાર: રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત ‘મારી માટી મારો દેશ’ અભિયાનની રાષ્ટ્રવ્યાપી ભવ્ય ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના અધ્યક્ષસ્થાને ‘અમૃત કળશ યાત્રા’ યોજાઈ હતી. જેમાં મંત્રીશ્રીએ ગ્રામજનો પાસેથી યાત્રા દરમિયાન ગામમાં ઘરે-ઘરે માટી-ચોખા એકત્રિત કર્યા હતા, ઉપરાંત પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ગ્રામ પંચાયત કક્ષાએથી શોભાયાત્રા સ્વરૂપે કળશને તાલુકા કક્ષાએ લઇ જવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રેલવે મંત્રી શ્રીમતી જરદોશે જણાવ્યું કે, દેશના સૌ નાગરિકો માટે ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમ દેશભક્તિનો અમૂલ્ય અવસર બન્યો છે અને પ્રત્યેક નાગરિકોમાં દેશપ્રેમ છલકાયો છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા આ અભિયાનથી દેશવાસીઓમાં એકતા અને અખંડિતતાની ભાવના જાગૃત થઈ છે એમ જણાવી તેમણે આઝાદીની જંગમાં શહીદ થનારા નરબંકાઓ, સરહદના શહીદ સૈનિકોને યાદ કરીને વીરોને અંજલિ અર્પી હતી.
“મારી માટી, મારો દેશ” અભિયાન એ શહીદોના શૌર્યની સ્મૃતિ વંદના કરવાનો અને ભારત ભૂમિની માટી અને તેના રક્ષકોનો ઋણ સ્વીકાર કરવાનો અવસર છે એમ જણાવી ૭૫૦૦ કળશોમાં દેશના વિવિધ ગામોની માટી લઈને દિલ્હી જશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ વેળાએ મંત્રીશ્રીના હસ્તે આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને વીમાકવચ પૂરૂ પાડતા આયુષ્માન કાર્ડ અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી સી.કે.ઉંધાડ, તાલુકા વિકાસ અધિકારીશ્રી મૌલિક દોંગા, અગ્રણીશ્રી બ્રિજેશ પટેલ અને કુલદીપભાઈ સહિત સ્થાનિક પદાધિકારીઓ, સરપંચો, પ્રતિષ્ઠિત આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો ઉમળકાભેર જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button