આણંદ કૃષિ યુનિવર્સિટીમાં જી.એન.એફ.સી.ના એન.કે.એસ.પી. અંતર્ગત ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં જી.એન.એફ.સી.ના એન.કે.એસ.પી. અંતર્ગત ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં જી.એન.એફ.સી.ની સી.એસ.આર. શાખા નારદેસ દ્વારા સંચાલિત નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના (એન.કે.એસ.પી.) અંતર્ગત એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. ચૌધરી ચરણસિંહની જન્મ જયંતી નિમિત્તે ઉજવાતા કિસાન સન્માન દિવસના અવસરે તા. ૨૩/૧૨/૨૦૨૫ના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં શિનોર અને બોડેલી તાલુકાના અંદાજે ૧૦૦ જેટલા પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન જી.એન.એફ.સી.ના એરિયા મેનેજર એચ. આર. નંદાણીયે સંભાળ્યું હતું.
મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. કે. સી. પટેલે જમીન સુધારણા, જમીનમાં રહેલી ઉણપ અને મુખ્ય પાકોમાં ધ્યાનમાં લેવા જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. વાય. કે. ઝાલાએ જૈવિક ખાતર તથા જૈવિક ખેતી અંગે માહિતી આપી હતી, જ્યારે ડૉ. વી. જે. પટેલે ખાતર વ્યવસ્થાપન, રોગ નિયંત્રણ અને પાક મૂલ્યવર્ધન અંગે માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. આર. આર. આચાર્યએ શિયાળુ પાકો અને શાકભાજી અંગે માહિતી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતોએ પ્રશ્નોત્તરીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તાલુકા કક્ષાએ આવી તાલીમ યોજવાની માંગ કરી હતી.



