શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-2024: સુરત જિલ્લો
ચોર્યાસી તાલુકાના એકલેરા, ગવિયર અને શહેરના ડીંડોલીની પ્રાથમિક શાળાઓમાં ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ ધો.1 અને બાળવાટિકામાં 260 ભૂલકાઓને શાળાપ્રવેશ કરાવ્યો

શાળા પ્રવેશોત્સવ વિદ્યાર્થીના, પરિવારના, રાજ્ય અને દેશના ઉજ્જવળ ભવિષ્યનો પણ ઉત્સવ: સંદિપભાઈ દેસાઈ
જીવનમાં સૌપ્રથમવાર શાળાએ આવેલા બાળકોના કુમકુમ પગલાં પડાવી બાળકોને પગલાની છાપની ભેટ અપાઈ
Surat News: રાજ્યભરમાં ‘ઉજવણી.. ઉલ્લાસમય શિક્ષણની..’ થીમ પર આયોજિત શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ ચોર્યાસી તાલુકાના એકલેરા, ગવિયર અને શહેરના ડીંડોલીની પ્રાથમિક શાળાઓમાં કુલ 260 ભૂલકાઓને કુમકુમ તિલક, મોં મીઠું કરાવી ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવ્યો હતો.
ધારાસભ્યશ્રીએ પ્રથમ વખત શાળાનું પગથિયું ચઢતા ભૂલકાઓને નોટબુક, સ્કુલબેગ, વૉટરબોટલ, રમકડા, ચોકલેટ સહિતની કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ખાસ કરીને જિંદગીમાં સૌપ્રથમવાર શાળાએ આવેલા બાળકોના શાળાપ્રવેશને યાદગાર بنانے ભૂલકાઓના ચરણ ધોયા, રૂમાલ પર કુમકુમ પગલાં પડાવી બાળકોને તેની ભેટ આપી હતી.
ચોર્યાસી તાલુકાના એકલેરા પ્રા.શાળામાં બાલવાટિકામાં 36 અને ધો. 1 માં 07 એમ કુલ 43, રૂસ્તમજી મોદી પ્રા.શાળા નં. 109, ડુમસ રોડ, ગવિયર ગામમાં બાલવાટિકામાં 19 અને ધો. 1 માં 7 એમ કુલ 26 તેમજ ડીંડોલીની કવિ સુરેશ દલાલ શાળા ક્ર. 257માં બાલવાટિકામાં 80 અને ધો. 1 માં 111 મળી કુલ 191 બાળકોને ધારાસભ્યશ્રીએ શાળામાં પ્રવેશ સહ નામાંકન કરાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની તેમના જીવન ઘડતરની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે આજે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી આમૂલ પરિવર્તન આવ્યું છે એ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં શરૂ કરાવેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને આભારી છે. વડાપ્રધાનશ્રીએ શાળા પ્રવેશોત્સવને ઉત્સવમાં રૂપમાં ઉજવવાની નવી સંસ્કૃતિ વિકસાવી બાળકોને ગર્વ થાય અને હોંશે-હોંશે શિક્ષણ મેળવવા શાળાએ જાય એવા પ્રયાસો કર્યા હતા, જેના ઉત્સાહજનક પરિણામો મળી રહ્યા છે.
શાળા પ્રવેશોત્સવ માત્ર શિક્ષણનો ઉત્સવ નથી.. એ વિદ્યાર્થીના, તેના પરિવારના, આપણા રાજ્ય અને દેશના ઉજ્જવળ ભવિષ્યનો પણ ઉત્સવ છે એમ જણાવી પરિવારને ગર્વ થાય અને સમાજ તેમજ દેશને ઉપયોગી થાય એવી કારકિર્દીમાં બાળકોને આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં શૈક્ષણિક કીટ અને શાળામાં દાન આપનાર દાતાઓ અને તેજસ્વી, સિદ્ધિપ્રાપ્ત બાળકોનું ધારાસભ્યશ્રીએ સન્માન કર્યું હતું. સાથે સાથે તેમણે શાળામાં વૃક્ષારોપણ કરી પ્રકૃત્તિ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે શાળાના સ્ટાફ, દાતાઓ, અગ્રણીઓ, વાલીઓ, ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.