શિનોર તાલુકામાં કમોસમી વરસાદનો કહેર

શિનોર તાલુકામાં કમોસમી વરસાદનો કહેરઃ કપાસ, તુવેર અને રવિ પાકોમાં 60-80% સુધી નુકસાન
શિનોર તાલુકામાં માત્ર પાંચ ગ્રામસેવકોના કારણે સર્વેની કામગીરી ધીમી, ખેડૂતોની હાલત ખરાબ

શિનોર તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેતી પાકોમાં થયેલ નુકસાનના સર્વે કરવા માટે નોડલ અધિકારી અને ટીમો બનાવી ને સર્વેની કામગીરી કરવા જાહેરાત કરાયા પછી માત્ર પાંચ ગ્રામ સેવકોના કારણે સર્વેની કામગીરી વિલંબ માં પડેલ છે.
છેલ્લા સાતેક દિવસથી અવિરત કમોસમી વરસાદને કારણે કપાસ, તુવેર, દિવેલા, મગફળી સહિતના મુખ્ય પાકો તેમજ રવિ પાકોમા ચણા, મકાઇના પાકોને નુકસાન પહોંચ્યું છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે પાક ઊભો સૂકાઈ ગયો, પાનમાં રોગચાળો ફેલાયો અને ઉપજમાં 60 થી 80 ટકા સુધી ઘટાડો થવાની અને રવિ પાક નું પુનઃવાવેતર કરવાની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર શિનોર તાલુકાના ગામોમાં આ કમોસમી વરસાદથી ખેતી પાકો તથા બાગાયત પાકોમાં ઘણું નુકસાન થયેલ છે જેથી ખેડૂતોની હાલત ઘણી ખરાબ થયેલ છે. વાવણી માટે લીધેલ ધિરાણ, પાક ઉત્પાદન માટે કરેલો ખર્ચ અને ઘરખર્ચ ચલાવવા માટેની ચિંતા—બધું એક સાથે તણાવનું કારણ બની રહ્યું છે. ખેતી નિયામક દ્વારા ખેતીવાડી તથા બાગાયતના તમામ પાકોનું સર્વે કરવા જણાવાયેલ છે પરંતુ હાલમાં માત્ર ડાંગર અને સોયાબીન નું સર્વે થતું હોય ખેડૂતોનું માનવું છે કે સર્વેમાં કપાસ , દિવેલા, તુવેર અને રવિપાકને બાકાત રાખવામાં આવેલ છે. જેથી તેની નોડલ અધિકારીએ ચોખવટ કરવાની જરૂર છે. ઉતરાજ ગામના એક ખેડૂતે કપાસનું વાવેતર કરેલ છે, જેના ફોટા સામેલ છે, તે જોતા આ ખેડૂતને ખેતીમાં પારાવાર નુકસાન થયેલ છે. અને તમામ ખેડૂતોની આજ દશા છે. શિનોર પંથકના ખેડૂતોની માંગણી છે કે તાત્કાલિક તમામ પાકોના-નુકસાનનું મૂલ્યાંકન કરી વળતરની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે. અને સ્થાનિક ખેડૂત આગેવાનોનું કહેવું છે કે સ્થાનિક ધારાસભ્ય અને રાજકીય નેતાઓ સરકાર સમક્ષ વહેલી તકે સહાય અપાવવા રજૂઆત કરી, જગતના તાત સમાન ખેડુતોના જીવનના ચક્રને ફરી ગતિ મળે તેવી શિનોર પંથકના ખેડૂતો આશા રાખે છે.



