ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ મંડળે ગ્રીન લેબ ડાયમંડ્સ LLPની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી
ચેમ્બરના પ્રતિનિધિ મંડળે લેબમાં બનતા ડાયમંડથી લઇને સંપૂર્ણ જ્વેલરી બનવા સુધીની તેમજ કવોલિટી ચેક સુધીની સમગ્ર પ્રક્રિયા વિશે વિસ્તૃત જાણકારી મેળવી

Surat News: સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલની આગેવાનીમાં ચેમ્બરના ગૃપ ચેરમેનો શ્રી દીપક કુમાર શેઠવાલા, ડો. અનિલ સરાવગી અને શ્રી ભાવેશ ટેલર તથા ચેમ્બરની ઇન્ડસ્ટ્રીયલ ટુર કમિટીના કો–ચેરમેન શ્રી અમિત શાહ સહિત ૪પથી વધુ સભ્યોના પ્રતિનિધિ મંડળે બુધવાર, તા. ૩ જુલાઇ ર૦ર૪ના રોજ ઇચ્છાપોર ખાતે ગુજરાત હીરા બુર્સમાં આવેલા ગ્રીન લેબ ડાયમંડ્સ LLPની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી હતી.
ગ્રીન લેબ ડાયમંડ્સ LLPના પાયોનિયર શ્રી મુકેશ પટેલ અને શ્રી જિતેશ પટેલ તથા ડિરેકટર શ્રી સ્મીત પટેલે ચેમ્બરના પ્રતિનિધિ મંડળને આવકાર્યું હતું. શ્રી સ્મીત પટેલે લેબમાં ચોકકસ પ્રકારના પ્રેશરમાં બનતા લેબગ્રોન ડાયમંડથી લઇને સંપૂર્ણ જ્વેલરી બનાવવાની પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે પાયાથી લઇને કવોલિટી ચેક સુધીની પ્રોસેસની સમજણ આપી હતી. સાથે જ તેમણે કંપનીની ત્રણ દાયકાની સફર અંગે જાણકારી માહિતી આપી હતી. રીયલ ડાયમંડમાંથી લેબ ગ્રોન ડાયમંડમાં ઝંપલાવવા પાછળના તારણો વિશે પણ તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.
ચેમ્બરના પ્રતિનિધિ મંડળે ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ દરમ્યાન ગ્રીન લેબ ડાયમંડ્સ LLP ખાતે મિટીંગ પણ કરી હતી. જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી ભાવેશ ટેલરે સર્વેનો આભાર માન્યો હતો.