મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન

- મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન
- સુરતની INS હોસ્પિટલ થી કરાવવામાં આવ્યું.
અમેરિકાની નાગરિકતા ધરાવતા NRI લેઉવા પટેલ સમાજના સુરેશ મોતીરામ પટેલ ઉ. વ ૬૮ બ્રેઈનડેડ થતા તેમના પરિવારે ડોનેટ લાઈફ ના માધ્યમ થી સુરેશ ના લિવર અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.
ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ અગિયારસો થી વધુ વ્યક્તિઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે.
ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
મૂળ ગામ બાબેન, બારડોલી ના રહેવાસી સુરેશ મોતીરામ પટેલ ૧૯૮૩માં પોતાના પરિવાર સાથે અમેરિકા સ્થાયી થઈ પોતાની મોટલ શરૂ કરી હતી. આ વર્ષે અમેરિકા થી ૧૮ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ પરિવાર સાથે બાબેન ગામ, બારડોલી ખાતે આવ્યા હતા. તા. ૫ માર્ચના રોજ સુરેશ સવારે ૧૦:૩૦ કલાકે પોતાના ઘરે નાસ્તો કરી બેઠા હતા ત્યારે અચાનક ચક્કર આવતા તેઓ પડી ગયા હતા. પરિવારજનોએ તેઓને તાત્કાલિક બારડોલી ખાતે શિશુદીપ હોસ્પિટલમા દાખલ કરી, નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.
વધુ સારવાર માટે પરિવારજનોએ તેઓને સુરતની INS હોસ્પીટલમાં ન્યુરોફીઝીશીયન ડૉ. અત્રી સત્યવાણીની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. ફરી એક વખત CT સ્કેન અને CT બ્રેઈન કરાવતા બ્રેઈન હેમરેજ તેમજ મગજમાં સોજો હોવાનું હોવાનું નિદાન થયું હતું.
તા. ૭ માર્ચ ના રોજ ન્યુરોસર્જન ડૉ. અશોક પટેલ, ન્યુરોફીઝીશયન ડૉ. અત્રી સત્યવાણી, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. નિધિ આસોદરીયા, ડૉ. ચિન્મય પટેલે સુરેશને બ્રેનડેડ જાહેર કર્યા.
ડૉ. નિધિ આસોદરીયાએ ડોનેટ લાઈફના ટ્રસ્ટી અને CEO નીરવ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી, સુરેશના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી સુરેશના પુત્રો હિરેન અને મિતેશ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.
સુરેશના પુત્રો હિરેન અને મિતેશએ જણાવ્યું કે વર્ષ ૨૦૧૪માં અમારા પિતરાઈ ભાઈની બંને કિડની ખરાબ થઈ ગઈ હતી ત્યારે અમારા કાકા ભરતભાઈએ તેને કિડનીનું દાન આપ્યું હતું અને ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. કિડની નિષ્ફળતાની બીમારીની પીડા શુ હોઈ છે તે અમે સારી રીતે સમજીએ છીએ. અમારા પિતાશ્રી સુરેશએ અમને કહ્યું હતું કે જો હું બ્રેઈનડેડ થાઉં તો મારા અંગોનું દાન જરૂરથી કરવું. આજે જયારે ડોકટરોએ અમારા પિતાશ્રીને બ્રેઈનડેડ જાહેર કર્યા છે, ત્યારે સમગ્ર પરિવારજનોએ અમારા પિતાશ્રીની ઈચ્છા પૂર્ણ કરવા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. સુરેશના પરિવારમાં પત્ની મંજુલાબેન ઉ.વ ૬૪ અને પુત્રો હિરેન ઉ.વ ૪૨ અને મિતેશ ઉ.વ ૩૯ મિસિસિપી, અમરિકા ખાતે મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલ છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા ડોનેટ લાઈફની ટીમ દ્વારા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લિવર અમદાવાદની KD હોસ્પિટલને ફાળવવામાં આવ્યું.
લિવરનું દાન અમદાવાદની KD હોસ્પિટલના ડૉ. અમિત શાહ, ડૉ. રીતેશ પટેલ, ટ્રાન્સપ્લાન્ટ કૉ-ઓડીનેટર નિખિલ વ્યાસ, કૃણાલ મહિડા અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની KD હોસ્પિટલમાં બાલાસિનોર, મહીસાગર ના રહેવાસી ઉ.વ ૪૦ વર્ષીય વ્યક્તિ માં અમદાવાદની KD હોસ્પીટલમાં ડૉ. દિવાકર જૈન, ડૉ. વિમલ રંગરાજન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું.
લિવર સમયસર અમદાવાદ KD હોસ્પિટલ પહોંચાડવા માટે સુરત શહેર અને રાજ્યના વિવિધ શહેર તથા ગ્રામ્ય પોલીસના સહકારથી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હ્રદય, ફેફસા, નાનું આતરડું, હાથ, લિવર, કિડની, જેવા મહત્વના અંગો દેશના જુદા-જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી ૧૧૪ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં સુરેશના પત્ની મંજુલાબેન, પુત્ર હિરેન અને મિતેશ, પુત્રવધુ આરતી અને મનીષા, સુરેશના ભાઈઓ બાબુભાઈ, ભરતભાઈ, રમેશભાઈ, જયંતીભાઈ, અરવિંદભાઈ, જમાઈ ડૉ. સતીશભાઈ, ભાવેશભાઈ, પુત્રી કાંતાબેન, ન્યુરોફીઝીશયન ડૉ. અત્રી સત્યવાણી, ન્યુરોસર્જન ડૉ. અશોક પટેલ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. નિધિ આસોદરીયા, ડૉ. ચિન્મય પટેલ, મેડીકલ એડમિનિસ્ટ્રેટર ડૉ. નેહા શાહ, ડૉ. પારુલ ઢોલીયા, ડૉ. મોહિત રાઠોડ, ડૉ. મિતુલ પરમાર, INS હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના ટ્રસ્ટી અને CEO નીરવ માંડલેવાળા, ટ્રસ્ટી હેમંત દેસાઈ, પ્રોગ્રામીંગ ઓફિસર સુભાષ જોધાણી, નિહીર પ્રજાપતિ, વિશાલ ચૌહાણ, દત્ત પંડ્યા, ચિરાગ સોલંકીનો સહકાર સાંપડ્યો હતો.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૨૦૮ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં ૪૯૪ કિડની, ૨૧૪ લિવર, ૫૦ હૃદય, ૪૬ ફેફસાં, ૮ પેન્ક્રીઆસ, ૪ હાથ, ૧ નાનું આતરડું અને ૩૯૧ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૧૦૯ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.