ઓલપાડના મોર ગામે સમુદ્રના ખારા પાણીને પીવાલાયક શુદ્ધ મીઠું પાણી બનાવવાના ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરતા અને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના તમામ ૨૮ જેટલા ગામોમાં ડિસેલિનેશન પ્લાન્ટ ઉભા કરાશે: પીવાના પાણીની ઉત્તમ સુવિધા ઉભી થશે: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
સુરતઃ શુક્રવારઃ વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના મોર ગામે સમુદ્રના ખારા પાણીને પીવાલાયક શુદ્ધ મીઠું પાણી બનાવવાના ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આઈમા એન્જિનિયરીંગ લિ.ના આર્થિક સહયોગથી કાર્યરત કરાયેલા આ પ્લાન્ટમાં પ્રતિ કલાક ૧૫૦૦ લીટર ખારા પાણીને મીઠું પીવાલાયક બનાવી શકાશે. ખારાપાટના આ વિસ્તારમાં ૩૦ હજાર ટીડીએસનું પાણી છે, જેને ૫૦૦ થી પણ ઓછા ટીડીએસમાં રૂપાંતરિત કરી પીવાલાયક બનાવવામાં આવશે.
આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના તમામ ૨૮ જેટલા ગામોમાં ડિસેલિનેશન પ્લાન્ટ ઉભા કરાશે. જેના કારણે કાંઠા વિસ્તારના ગ્રામજનોને પીવાના પાણીની ઉત્તમ સુવિધા ઉભી થશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ઓલપાડ વિસ્તારને ‘નલ સે જલ’ યોજના હેઠળ ઘરઆંગણે નળ વાટે શુદ્ધ, નિયમિત અને પીવાના પૂરતાં પાણીની સુવિધા પૂરી પાડવા સરકાર પ્રયત્નશીલ છીએ એમ જણાવ્યું હતું.
ગુજરાતમાં દુષ્કાળને ભૂતકાળ બનાવવા માટે વોટર હાર્વેસ્ટિંગ કરી મહત્તમ વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા સંકલ્પબદ્ધ બનવા અપીલ કરી હતી. રાજ્ય સરકારનું ‘જળ અભિયાન’ જળસંચય અને વ્યાપક રોજગારીનું પણ સબળ માધ્યમ બન્યું છે એમ જણાવી વરસાદી પાણીને તળાવોમાં વધુને વધુ રોકી ગામડાઓની જળ સમૃદ્ધિ વધારવા માટેનું સહિયારૂ આયોજન કરવા સૌને અનુરોધ કર્યો હતો. જળસંરક્ષણ સંદર્ભે મારા હસ્તકનો ક્લાયમેટ ચેન્જ વિભાગ મિશન મોડ પર નક્કર આયોજન કરવા તરફ આગળ વધી રહ્યો છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
ગ્રામજનોને નજીવા દરે પ્લાન્ટનું મીઠું પાણી ઉપલબ્ધ કરાવવા મંત્રીશ્રીએ ગ્રામ પંચાયતને અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ મોર ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે આ પ્રસંગે રશિયામાં યોજાયેલી આઈસ હોકી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર હર્ષિત પટેલ અને કોચ વિરલ ચૌહાણને મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરાયા હતા. મંત્રીશ્રીએ પોતાના સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રૂ.૨૧ હજારનું પ્રોત્સાહન ઈનામ આપવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખશ્રી અમિતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, પ્રાંત અધિકારીશ્રી સી.કે. ઊંધાડ, મામલતદારશ્રી લક્ષ્મણ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારીશ્રી મૌલિક દોંગા, આઈમા એન્જિનિયરીંગ લિ.ના ચેરમેનશ્રી રાકેશભાઈ પંચાલ, સંગઠન પ્રમુખશ્રી બ્રિજેશભાઈ પટેલ, અગ્રણી કુલદિપભાઈ, સરપંચ આશાબેન સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.