સાધલી મુકામે દશામાં વ્રતની તડામાર તૈયારીઓ

સાધલી મુકામે દશામાં વ્રતની તડામાર તૈયારીઓ
સાધલી મુકામે આગામી તારીખ 24 જુલાઈ દિવાસાના દિવસથી શરૂ થતાં દશામાના વ્રત માટે બજારોમાં મૂર્તિઓ તથા પૂજાપો અને વિવિધ શણગારની દુકાનો લાગી ગઈ છે.
આધિ, વ્યાધી, ઉપાધિ હરનાર અને મનની સર્વ મનોકામના પૂરી કરનાર તથા સ્ત્રીઓનો ચૂડી ચાંદલો અખંડ રાખનાર સૌભાગ્યશાળી વ્રત એટલે દશામાનુ વ્રત. અષાઢ વદ અમાસ એટલે દિવાસાના દિવસ તારીખ 24 જુલાઈ 2025 થી દસ દિવસ આ વ્રત શરૂ થશે. તેની ભક્તો દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે. અને સાધલીના બજારોમાં માતાજીની મૂર્તિઓ, તથા પૂજાપા અને વિવિધ શણગારની સાથે દશામાના વ્રતની ચોપડીઓ વેચાઈ રહી છે. દશામાનુ વ્રત કરનાર તમામના ઘરોમાં પાટલા ઉપર દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, અને બાજુમાં કળશનું સ્થાપન કરાય છે, આ કળશ ઉપર સુતર ના 10 તાર લઇ કંકુમાં બોડી 10 ગાંઠ વાળી અને કળશ પર ચડાવવામાં આવે છે. અને બીજા 10 તારનો દોરો કંકુમાં બોડી વ્રત કરનાર બાંધે છે. તથા અખંડ દીવો, ઉપવાસ અથવા એક ટાણું સતત દસ દિવસ સુધી પવિત્ર મન થી લોકો પૂજા કરે છે, અને 11 માં દિવસે માટીની સાંઢણી જળમાં પધરાવવામાં આવે છે.
સાધલી મુકામે સીઝનલ ધંધામાં અગ્રેસર ગણાતા ધોબી પરિવાર તથા અન્ય વેપારીઓ દ્વારા માતાજીની મૂર્તિઓ સહિત શણગાર અને પૂજાપા સહિત જરૂરી વસ્તુઓનું વેચાણ શરૂ કરેલ છે સાધલી ઉપરાંત આજુબાજુના ગામો અને હવે માલસર અસાનો બ્રિજ બન્યા પછી બહારથી પણ લોકો મૂર્તિઓ લેવા માટે સાધલી આવે છે, તમામ મૂર્તિઓને વિવિધ વાળના, ચોટલા, વિવિધ હેર સ્ટાઈલ, ઓઢણીયો ,ચુંદડીઓ તથા શૃંગારથી શણગારવામાં આવેલ છે. જે ઘરોમાં દશામાની સ્થાપના થઈ હોય તે ઘરોમાં 10 દિવસ સુધી દારૂ કે નોનવેજ કે વ્યસન કોઈ કરતું નથી, તે ખૂબ જ મહત્વની વાત છે, પોલીસથી ના ડરતા લોકો દશામાંની આમન્યા રાખે છે. દસ દિવસ સુધી સતત ભજન કીર્તન અને આરતી કરી પ્રસાદ વહેંચવામાં આવે છે અને દશામાની જય બોલાવવામાં આવે છે.
હસમુખ પટેલ સાધલી.94278 49499