શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના લાભાર્થે ધરમપુરમાં કીર્તિદાન ગઢવીનો ભવ્ય લોકડાયરો.

શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના લાભાર્થે ધરમપુરમાં કીર્તિદાન ગઢવીનો ભવ્ય લોકડાયરો.
ગુજરાતી લોકસંગીત જગતના લોકલાડિલા કલાકાર શ્રી કીર્તિદાન ગઢવી આગામી સમયમાં ધરમપુરમાં ભવ્ય લોકડાયરા કાર્યક્રમ સાથે ઉપસ્થિત થવાના છે. તેમના ભાવસભર ગીતો, લોકસંગીત અને ગરબા માટે જાણીતા કીર્તિદાન ગઢવી સાથે રાજ ગઢવી અને કમાભાઈ પણ એક જ મંચ પર જોવા મળશે. ત્રણેય કલાકારોની ઉપસ્થિતિથી ધરમપુરમાં ભક્તિ, ભાવ અને લોકસંસ્કૃતિની યાદગાર સાંજ સર્જાશે.
આ લોકડાયરા કાર્યક્રમ ધરમપુર નગરના કેન્દ્રસ્થાને આવેલ ઐતિહાસિક લક્ષ્મીનારાયણ મંદિરના જીર્ણોધારના હેતુસર આયોજિત કરવામાં આવ્યો છે. ધરમપુરના રાજવંશ દ્વારા નિર્મિત આ મંદિર પ્રાચીન, ઐતિહાસિક અને કલાત્મક ધરોહર તરીકે ઓળખાય છે અને શહેરની સાંસ્કૃતિક ઓળખ બની રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની યાદો પણ આ મંદિર સાથે સંકળાયેલી હોવાને કારણે તેનું મહત્વ વધુ વધે છે.
હાલે મંદિરની સ્થિતિ જર્જરિત બની ગઈ છે. ચોમાસામાં છતમાંથી પાણી ટપકતું હોવાથી મૂર્તિ અને આંતરિક રચનાને નુકસાન પહોંચી રહ્યું છે. મંદિરના સંરક્ષણ અને પુનઃજીર્ણોધાર માટે નવરંગ ગ્રુપ અને નવચેતન ગ્રુપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
લોકડાયરા કાર્યક્રમ આગામી 20મી તારીખે, શનિવારના રોજ એસ.એમ.એસ.એમ. હાઈસ્કૂલ, ધરમપુર ખાતે યોજાશે. આયોજક મંડળ દ્વારા તમામ નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રયાસને સફળ બનાવવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.



