આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સફાઈ કામદારો, ગૃહિણીઓ, વિદ્યાર્થિનીઓ, સિનિયર સિટીઝન અને પત્રકાર બહેનો માટે મેગા મેડિકલ કેમ્પ યોજાયો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સફાઈ કામદારો, ગૃહિણીઓ, વિદ્યાર્થિનીઓ, સિનિયર સિટીઝન અને પત્રકાર બહેનો માટે મેગા મેડિકલ કેમ્પ યોજાયો
નર્સિંગ એસો. દ્વારા સતત ૩૩મા વર્ષે મહિલા દિવસે મહિલાઓનો સન્માન સમારોહ યોજાયો
કેશ્વી ચેરિટેબલ ટ્રસ્ટ, તુલિપ હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત મેડિકલ કેમ્પમાં મહિલાઓના સ્તન-સર્વાઇકલ-ગર્ભાશય જેવા કેન્સર, હ્રદયરોગ, આંખના નિદાન અને તપાસ કરાઈ
ઘરપરિવારની સારસંભાળની કઠિન ફરજ નિભાવતી મહિલાઓના સ્વાસ્થ્યની કાળજી લેવી એ આપણી ફરજ: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત
મહિલાઓના સ્વાસ્થ્યની ચિંતા કરીએ તો જ મહિલા દિવસની ઉજવણી સાર્થક થશે: યુનિ. ફેકલ્ટી ડીન ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ
આગામી ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં કેશ્વી ચેરિટેબલ ટ્રસ્ટ, તુલિપ હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ઘોડદોડ રોડ સ્થિત તુલિપ હેલ્થ કેર સેન્ટર ખાતે મહિલાઓ માટે મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં મહિલાઓમાં સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, ગર્ભાશય જેવા તમામ પ્રકારના કેન્સર, હ્રદયરોગ અને આંખના નિદાન અને તપાસ વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા. સાથોસાથ કેમ્પમાં મેમોગ્રાફી, સોનોગ્રાફી, પેપ જેવા વિવિધ મેડિકલ લેબ ટેસ્ટ તેમજ વિનામૂલ્યે ચશ્મા વિતરણ પણ કરવામાં આવ્યા હતા. આ અનોખા કેમ્પમાં ૨૫૧ જેટલા સફાઈ કામદાર બહેનો, ગૃહિણીઓ, વિદ્યાર્થિનીઓ, સિનિયર સિટીઝન બહેનો તેમજ મહિલા પત્રકારોનું ચેકઅપ કરાયુ હતું.
નર્સિંગ એસો. દ્વારા આ સાથે સતત ૩૩મા વર્ષે મહિલા દિવસે મહિલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સફાઈ કામદાર અને ગૃહિણીઓનું સન્માન અને ખાસ કરીને ૨૫ જેટલી મહિલા પત્રકારોનું બહુમાન પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહેલોત અને રોમાબેન પરેશભાઈ પટેલ તેમજ ચલથાણ સુગરના ડાયરેક્ટર અને શિક્ષિકા લીનાબેન દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે,મહિલાઓ પરિવારનો આધારસ્થંભ હોય છે. ઘરપરિવારની સારસંભાળની કઠિન ફરજ નિભાવતી મહિલાઓના સ્વાસ્થ્યની કાળજી લેવી એ આપણી ફરજ છે. વિષમ પરિસ્થિતિઓમાં સમાજને જાગૃત્ત કરતી, સમાજને અરીસો દર્શાવતી મહિલા પત્રકારો સમાજના સાચા સારથિ છે, કોરોના, કુદરતી આફતો સમયે ખડેપગે રહીને લોકો સુધી સાચા અહેવાલો આપતી મહિલાઓ પત્રકારો ધન્યવાદને પાત્ર છે એમ જણાવી તેમણે ૩૩ વર્ષથી ચાલતી આ અવિરત મેડિકલ કેમ્પ સેવાને બિરદાવી આ પ્રયાસ બદલ સરાહના કરી હતી.
વીર નર્મદ યુનિવર્સિટી નવી સિવિલ મેડિકલ કોલેજના ફેકલ્ટી ડીન ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, બહેનોમાં કેન્સરનું પ્રમાણ વધે નહીં તેમજ સમયસર નિદાન અને સારવાર થાય એ અમારો હેતુ છે. મહિલાઓના સ્વાસ્થ્યની ચિંતા કરીએ તો જ મહિલા દિવસની ઉજવણી સાર્થક થશે. ડો.ચૌહાણે ઉમેર્યું કે, આપણા દેશની સંસ્કૃતિ દીકરીઓ-માતા-મહિલાઓના પૂજનની સંસ્કૃતિ છે. મહિલાઓ નીતિ, નિષ્ઠા, નિર્ણાયકતા અને નેતૃત્વનું પ્રતિબિંબ છે. મહિલાઓની પ્રગતિથી રાષ્ટ્રના સશક્તિકરણને હંમેશા બળ મળે છે.
ઝૂપડપટ્ટી અને ફૂટપાથ પર રહેતા અનેક ગરીબ બાળકોને અભ્યાસ કરાવી તેમનું જીવનઘડતર કરનાર, તેઓનું જીવન સફળ બનાવનાર સમાજસેવિકા રોમાબેન પટેલ આ તકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રોમાબેને જણાવ્યું હતું કે, સશક્ત, સુપોષિત અને સુરક્ષિત મહિલા જ સમાજ, રાજ્ય અને દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે. સ્વસ્થ મહિલાઓ સમાજના વિકાસમાં પણ બહુમૂલ્ય યોગદાન આપે છે, ત્યારે મેડિકલ કેમ્પ થકી બીમારીઓનું આગોતરૂ નિદાન અને સારવાર થકી રોગને અટકાવી શકાય છે એમ જણાવી મહિલા દિવસની શુભેચ્છાઓ આપી હતી.
આ પ્રસંગે નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, સિવિલ હોસ્પિટલની હેડનર્સીસ, નર્સિંગ પરિવાર, નર્સિંગ એસો.ના નિલેશ લાઠીયા, બિપીન મેકવાન, વિરેન પટેલ, પૂર્વ સેક્રેટરી કિરણ દોમડીયા, તુલિપ હોસ્પિટલના ડાયરેક્ટર ડો.પ્રણવ ઠક્કર, તબીબો, નર્સિંગ સ્ટાફ અને લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
0000