કામરેજ તાલુકાની થારોલી પાંજરાપોળ ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન યોજાયું
સુરતઃશનિવારઃ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત-પશુપાલન શાખા, કામરેજ તાલુકા પંચાયત અને શ્રી સુરત પાંજરાપોળના સંયુક્ત ઉપક્રમે કામરેજની થારોલી પાંજરાપોળ ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન યોજાયું હતું. જેમાં તાલુકાના વિવિધ ગામોના ૨૦૦ પશુપાલકોને તજજ્ઞો દ્વારા પશુપાલનની યોજનાકીય તેમજ નવીન ટેકનોલોજી અંગે માહિતગાર કરાયા હતા.
આ શિબિરમાં કામરેજ નાયબ પશુપાલન નિયામકશ્રી ડો.મયુર ભિમાણીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી પશુપાલન અને તેની ઉપયોગિતા અંગે સમજ આપી હતી. મંત્રીશ્રી પ્રફુલભાઈએ પશુપાલનના વ્યવસાયને વ્યવસાય તરીકે ન લેતા આપણા પશુઓ પોતીકા અને પારિવારિક સભ્યો જ છે તેવી ભાવનાથી પાલન કરવા માટે ઉપસ્થિત પશુપાલકોને અપીલ કરી હતી. તેમણે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે પશુપાલકોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન પટેલ, જિ.પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ભારતીબેન રાઠોડ, તા.પંચા. સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પુષ્પાબેન પરમાર, તાલુકા પંચાયતના દંડક મંજુબેન રાઠોડ, સુમુલ ડેરી ડિરેક્ટર બળવંતભાઈ પટેલ અને પશુપાલકો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.