ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિરુદ્ધની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિરુદ્ધની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
‘અરજીમાં ઉઠાવાયેલા આધારોની કોઈ યોગ્યતા નથી’
અદાણી જૂથ માટે શુક્રવાર શુકનિયાળ સાબિત થયો છે. ચોમેરથી સારા સમાચારોએ અદાણી જૂથની શાખમાં ભારે અભિવૃદ્ધિ કરી છે. બોમ્બે હાઈકોર્ટેના ચુકાદા ઉપરાંત કંપનીના શેરોમાં ઉછાળાએ રોકાણકારોનો વિશ્વાસ બેવડાવી દીધો છે. વળી જૂથ વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયામાં સામેલ યુએસ એટર્નીના રાજીનામાની જાહેરાતે સોનામાં સુગંધ ભેળવી દીધી છે.
મુંબઈમાં ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અદાણી પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડને આપવા સામે દાખલ કરવામાં આવેલી અરજીને શુક્રવારે મુંબઈ હાઈકોર્ટે ફગાવી દીધી હતી. અદાણી પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડને પ્રોજેક્ટ આપવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજી સંયુક્ત આરબ અમીરાત (UAE) સ્થિત સેકલિંક ટેક્નોલોજીસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી.
મુખ્ય ન્યાયાધીશ ડી.કે. જસ્ટિસ ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે આ અરજીનો નિરાધાર હોવાથી તેને ફગાવી દેવામાં આવે છે. અદાણી ગ્રુપે 259 હેક્ટરના ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સૌથી વધુ બોલી લગાવી હતી. વર્ષ 2022ની ટેન્ડર પ્રક્રિયામાં રૂ. 5,069 કરોડની ઓફર સાથે તેમણે પ્રોજેક્ટ જીતી લીધો હતો.
સેકલિંક ટેક્નોલોજી કોર્પોરેશને 2018ના ટેન્ડરને રદ્દ કરવા અને ત્યારબાદ 2022માં અદાણી જૂથને ટેન્ડર આપવા સામે પડકાર ફેંક્યો હતો. કોર્ટે કહ્યું કે, “અરજીમાં ઉઠાવવામાં આવેલા આધારોની કોઈ યોગ્યતા નથી”. 2022 માં એકનાથ શિંદેની સરકારે ધારાવી પુનર્વસન માટે પ્રોજેક્ટમાં 45 એકર રેલ્વેની જમીન સમાવેશ કરવાનો નિર્ણય કર્યો હતો, જે મૂળ પ્રસ્તાવમાં સામેલ ન હતો. આ જમીનના સંપાદનની કિંમત એડજસ્ટ કરવા માટે રાજ્ય સરકારે કાયદાકીય સલાહ માંગી હતી.
સેકલિંક ટેક્નોલોજી કોર્પોરેશને સૌપ્રથમ 2018ના ટેન્ડરને રદ કરવા અને ત્યારબાદ અદાણીને 2022ના ટેન્ડર એવોર્ડને પડકાર્યો હતો. સરકારે હાઈકોર્ટને રજૂઆત કરી હતી કે ટેન્ડર પારદર્શક હતો અને સૌથી વધુ બોલી લગાવનાર અદાણી જૂથને કોઈ અનુચિત તરફેણ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પાર્ટીના મેનિફેસ્ટોમાં અદાણીને આપવામાં આવેલ ધારાવી પ્રોજેક્ટને રદ્દ કરવાનો વાયદો કર્યો હતો.
ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ (DRPPL) હેઠળ જે લોકો 1 જાન્યુઆરી, 2000 પહેલા ધારાવીમાં રહેતા હતા, તેમને મફત કાયમી મકાનો આપવામાં આવશે. જ્યારે 2000 થી 2011 વચ્ચે જે લોકો અહીં આવ્યા અને સ્થાયી થયા, તેઓએ કિંમત ચૂકવવી પડશે. નવા ફ્લેટમાં સ્વતંત્ર રસોડું અને બાથરૂમ પણ હશે.
——–