લોકશાહીના પર્વની થઇ રહી છે ઉત્સાહભેર ઉજવણી

લોકશાહીના પર્વની થઇ રહી છે ઉત્સાહભેર ઉજવણી
સુરત જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ પોતાના ધર્મપત્ની સાથે મતદાન કર્યું
નવસારી લોકસભાની બેઠક પર ૪૮.૦૩ ટકા તથા બારડોલી લોકસભા બેઠક પર ૫૧.૯૭ મતદાન (સવારના ૭.૦૦ થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન) નોંધાયું
સુરત:મંગળવાર: ૨૩- બારડોલી અને ૨૫-નવસારી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ સુરત જિલ્લાના નવ વિધાનસભા વિસ્તારોમાં સવારથી જ મતદારોએ લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા માટે યુવાઓ, મહિલાઓ, વૃધ્ધજનોએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી.
જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધી અને તેમના ધર્મપત્ની શ્રીમતી રાગિણી પારધી સાથે નવસારી સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૬૫-મજુરા વિધાનસભાના અઠવાલાઈન્સ સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા-૫ ખાતે મતદાન કર્યું હતું.
નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી સી.આર.પાટિલે સપરિવાર ભટાર સ્થિત ઉત્તર ગુજરાત શાળામાં મતદાન કર્યુ હતું. હતી. ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ નવસારી લોકસભામાં સમાવિષ્ટ ૧૫૬-મજુરા વિધાનસભાના પીપલોદ સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજી હળપતિએ માંડવી તાલુકાની ઝરીમોરા પ્રાથમિક શાળા ખાતે મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી.
બારડોલી સંસદીય મતવિસ્તારમાં સવારના ૭.૦૦ થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન ૫૧.૯૭ ટકા મતદાન થયું હતું. વિગતવાર જોઈએ તો, માંગરોળ વિધાનસભા બેઠક પર ૫૫.૦૬ ટકા, માંડવી બેઠક ૫૭.૨૪ ટકા, કામરેજ બેઠક પર ૩૮.૨૨ ટકા, બારડોલી બેઠક પર ૫૨.૩૮ ટકા, મહુવામાં ૫૨.૭૧ ટકા, વ્યારામાં ૫૭.૧૭ ટકા અને નિઝરમાં ૬૬.૫૪ ટકા મતદાન થવા પામ્યું હતું.
નવસારી સંસદીય મતવિસ્તારમાં ૪૮.૦૩ ટકા મતદાન થયું હતું. વિગતવાર જોઈએ તો, ઉધના વિધાનસભામાં ૪૧.૦૯%, લિંબાયત વિધાનસભા બેઠક પર ૪૪.૧૫ %, મજૂરામાં ૪૪.૪૩ ટકા, ચોર્યાસીમાં ૪૪.૧૭ ટકા, જલાલપોરમાં ૫૫.૩૨ ટકા, નવસારીમાં ૫૫.૫૩ ટકા અને ગણદેવી બેઠક પર ૫૮.૦૬ ટકા મતદાન નોંધાયું હતું.