અદાણી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ઐતિહાસિક અને અભૂતપૂર્વ આયોજન થયું સંપન્ન

- અદાણી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ઐતિહાસિક અને અભૂતપૂર્વ આયોજન થયું સંપન્ન
- કથાના અંતિમ દિવસે અદાણી પોર્ટસના એમ.ડી. શ્રી કરણભાઈ અદાણી રહ્યા ઉપસ્થિત
- આ પ્રકારનું આયોજન કોઈ મોટા ઔદ્યોગિક સમૂહ દ્વારા સંભવતઃ પ્રથમ વખત થયું છે, જેમાં કચ્છભરના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા
- શ્રીમદ્ ભાગવત કથાના વિચારને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવામાં અદાણી ગ્રુપ નિમિત્ત બન્યું, જ્યારે ગ્રામજનોએ પૂર્ણ સમર્પણભાવ સાથે સહયોગ આપ્યો હતો
- સમગ્ર કચ્છ જિલ્લામાંથી અભૂતપૂર્વ રીતે ૧,૦૦,૦૦૦થી વધુ લોકોએ કથા સપ્તાહનો લાભ લીધો
૪,૦૦૦થી વધુ લોકોએ કથા સ્થળે યોજાયેલ મેડિકલ કેમ્પનો લાભ મેળવ્યો

મુંદ્રા/શિરાચા, અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ દ્વારા આયોજિત આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ શ્રી દાનેશ્વર મહાદેવ મંદિર (શિરાચા) ખાતે યોજાયો હતો. ૧૪ ડિસેમ્બરથી શરૂ થયેલી આ કથા ૨૦ ડિસેમ્બરે દિવસે સંપન્ન થઈ. આ સપ્તાહ દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાંથી અભૂતપૂર્વ રીતે ૧,૦૦,૦૦૦થી વધુ લોકોએ કથારસનો લાભ લીધો હતો. તેમજ ૪,૦૦૦થી વધુ લોકોએ કથા સ્થળે યોજાયેલ મેડિકલ કેમ્પનો લાભ મેળવ્યો હતો.
શિરાચા ગામ આજે એક ઐતિહાસિક તેમજ અભૂતપૂર્વ કથાનું સાક્ષી બન્યું. દરરોજ હજારોની સંખ્યામાં ભક્તજનોની ભીડ ઉમટી પડી હતી. કથા સ્થળે આવનાર કોઈ પણ શ્રોતા ભૂખ્યો પેટે પરત ન ફરે તેની પૂર્ણ કાળજી લેવામાં આવી હતી. વિવિધ ગામડાઓમાંથી ભક્તોને કથા સ્થળે લાવવા-લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી તેઓ કથા શ્રવણ કરીને ભોજન લઈને સુરક્ષિત રીતે પોતાના ગામ પરત ફરી શકે. મેડિકલ કેમ્પમાં માત્ર નિદાન જ નહીં, પરંતુ જરૂર પડે તો આગળની સારવાર માટે પણ અદાણી પોર્ટ્સ દ્વારા સહાયની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અદાણી ફાઉન્ડેશન દ્વારા નિયમિત આસપાસના ગામોમાં ઘાસચારો પૂરો પાડવામાં આવે છે, પરંતુ આ કથા દરમિયાન સવિશેષ આસપાસના ગામોમાં ગાયોને લીલો ઘાસચારો આપવામાં આવ્યો, સાથે જ કૂતરાઓને રોટલી અને પક્ષીઓને ચણ વહેંચવાનું કાર્ય અવિરત ચાલુ રહ્યું.
અંતિમ દિવસે અદાણી પોર્ટ્સ એન્ડ એસઈઝેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કરણ અદાણી પધાર્યા હતા અને તેમણે મુંદ્રા તેમજ આસપાસના ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. લોકોએ શ્રી કરણભાઈ અદાણીને આ અદભૂત કથાના આયોજન માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. અદાણી પોર્ટ્સના ગ્રુપ સીઈઓ શ્રી અશ્વિનીકુમાર ગુપ્તા, મુંદ્રા-તુણા પોર્ટના સીઈઓ શ્રી સુજલકુમાર શાહ તેમજ અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કથામાં પધારેલા સાધુ-સંતો અને મહંતોમાં શ્રી દેવેન્દ્રગીરીજી ગુરુજી (શ્રી દાનેશ્વર મહાદેવ મંદિર, શિરાચા), શ્રી મનોહરગીરી બાપુ (મહંતશ્રી દાનેશ્વર મહાદેવ જાગીર), શ્રી દેવદરબાર 1008 બળદેવનાથ જાગીર, ઉપરાંત ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય (પ્રથમ મહિલા અધ્યક્ષ) ઉપરાંત એ ઉપસ્થિત રહ્યા હતા.
અદાણી પરિવાર દ્વારા આ વર્ષે પ્રયાગરાજ મહાકુંભમાં સહયોગ, શ્રી જગન્નાથપુરી રથયાત્રા, ગીતા પ્રેસ ગોરખપુરને સહાય, ઇન્ડોલોજી તેમજ હવે શિરાચાના અતિપ્રાચીન શ્રી દાનેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન – આ બધું અદાણી ગ્રુપની ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક સદ્દભાવના પ્રતીત થાય છે.
અંતિમ દિવસે અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિત શાહે ઉદબોધનમાં જણાવ્યું કે, “સર્વજનહિતાય, સર્વજનસુખાય”ના ઉદ્દેશ્યથી યોજાયેલી આ કથામાં અદાણી પોર્ટ્સ માત્ર નિમિત્ત બન્યું છે. સૌની સહભાગિતાથી જ આ આયોજન સફળ થયું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ કથા શીખવે છે કે ભક્તિ અને કર્મ અલગ નથી, સેવા અને વિકાસ વિરોધી નથી, સેવા વગરનો વિકાસ અધૂરો છે. “અજ અસા જોકો ઐયુ આં થકી ઐયુ” કચ્છીમા ઉદબોધન કરી સર્વેના યોગદાનને બિરદાવ્યું હતું અને કહ્યું હતું કે અદાણી પરિવાર હંમેશાં આપ સૌનો ઋણી રહેશે. વિવિધ ગામોના પ્રતિનિધિઓ, સામાજિક અગ્રણીઓ, વિવિધ સંગઠનો અને વિવિધ ઔદ્યોગિક એકમના પ્રતિનિધિઓ એ શ્રી કરણભાઈ અદાણી, શ્રી રક્ષિતભાઈ શાહનું સન્માન કર્યું હતું અને અદાણી પરિવાર વતી શ્રી રક્ષિતભાઈ શાહે પણ ઉપસ્થિત સંતો, મહંતો અને મહાનુભાવોનું સન્માન કર્યું હતું. આ સમગ્ર આયોજન દરમ્યાન વ્યવસ્થામાં સહભાગી થયેલા, વહીવટી તંત્ર, પોલીસ, વિવિધ ગામોના સ્વયંસેવકો તેમજ અદાણી પરિવારના તમામ સભ્યો, મેડિકલ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, ગ્રાફિક્સ અને ડિઝાઇનિંગ સ્ટાફ, ફોટો-વિડીયો સ્ટાફ, લાઇટ-મંડપ, ટ્રાન્સપોર્ટ વિભાગ, જમણવાર અને રસોઇના કામદારો, સફાઇકામદારો સહિતના નાનામાં-નાના વ્યક્તિનું સ્ટેજ પર બોલાવી રક્ષિતભાઈ અને અમીબેન શાહે સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી.



