મેન અને વુમન ક્રિકેટ ટુર્નામેન્ટની શાનદાર પૂર્ણાહુતિ

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા આયોજિત ધરમપુર તાલુકા મેન અને વુમન ક્રિકેટ ટુર્નામેન્ટની શાનદાર પૂર્ણાહુતિ : ક્રિકેટપ્રેમીઓએ માણ્યો અનેરો આનંદ
ધરમપુરની ધન્ય ધરા પર ભારતના ઉચ્ચ આત્મદશાવાન સંત, અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીની પધરામણીને 125 વર્ષ થઇ રહ્યા છે. આ નિમિત્તે પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની પ્રેરણાથી શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા અનેક ઉજવણીઓનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત આ વર્ષે ટેનિસ બોલની બે દિવસીય ધરમપુર તાલુકા મેન અને વુમન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટ માટે ધરમપુર તાલુકાના કુલ ૧૭૮ ખેલાડીઓએ રેજીસ્ટ્રેશન કરાવ્યું હતું. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર ખાતે આ ખેલાડીઓનો IPL પદ્ધતિથી ઓક્શન સમારોહ યોજાયો હતો જેમાં પ્રેમ, શૉર્ય, સત્ય, આસ્થા, શાંતિ, શક્તિ, દયા અને કર્તવ્ય એમ 8 ટીમોની રચના કરવામાં આવી હતી. મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે જી. ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધારાસભ્ય ધરમપુર અરવિંદભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અમિતભાઈ ચોરેરા, પાલિકા પ્રમુખ મયંકકુમાર મોદી તથા પાલિકા કારોબારી અધ્યક્ષ મહેશ ગાયકવાડ હાજર રહ્યા હતા. જેની રોમાંચક મેચો 15મી અને 16મી માર્ચે વાંકલના શ્રીજી મેદાન ખાતે રમાઈ હતી. જ્યારે મહિલા ટુર્નામેન્ટની લીગ મેચો તારીખ 16 માર્ચે, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર ખાતે અને ફાઇનલ મેચો શ્રીજી ક્રિકેટ ગ્રાઉન્ડ, વાંકલમાં રમવામાં આવી હતી. આ બંને ટુર્નામેન્ટને ક્રિકેટપ્રેમીઓએ મન મૂકીને માણી હતી.
આ મેચ નિહાળવા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર તરફથી સિનિયર બ્રહ્મચારી આત્માર્પિત કોઠારીજી, આત્માર્પિત પરાગજી, આત્માર્પિત રક્ષિતજી, આત્માર્પિત સચિનજી, આત્માર્પિત કિંજલજી તથા આત્માર્પિત શિવાનીજી અને તેમની સાથે નગરપાલિકાના સભ્ય અને શાશક પક્ષના નેતા સંજયભાઈ સરદેસાઈ, નગર પાલિકાના ઉપપ્રમુખ ઉર્મિલાબેન ભોયા, નગરપાલિકાના સભ્યો જેમ કે ભક્તિબેન કાપડિયા, ફહાદ બાહનન, દીપમાલાબેન ચોનકર, હિતેશભાઈ રાઠોડ, સમીપભાઈ રાંચ, નરેશભાઈ પટેલ તેમજ યુટ્યુબર ફેનિલ અને પ્રાચી દેસાઈ પણ જોડાયા હતા.
ટુર્નામેન્ટની દરેક મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ અપાયો હતો અને ફાઇનલ મેચ રસાકસીભરી બનતા દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. મેચના અંતે વિજેતા ટીમો અને ખેલાડીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ ઇનામો અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ધરમપુરમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટ્સને લઈને અત્યંત ઉત્સાહનું વાતાવરણ હતું. મેન્સ ટુર્નામેન્ટના સમગ્ર આયોજનનું નેતૃત્વ મિશનના બ્રહ્મચારી ભાઈ આત્માર્પિત યશ ભાઈ અને તેમને આ તૈયારીઓમાં ધર્મેશ પટેલ (બક્ષી), મનીષ પઢીયાર અને હરદીપસિંહ રાવલજીએ પૂરો સહકાર આપ્યો હતો. જ્યારે વુમન્સ ટુર્નામેન્ટમાં બ્રહ્મચારી બહેન આત્માર્પિત રિદ્ધિબેનના નેતૃત્વ હેઠળ કિંજલબેન ખંધેડિયા, નીમાબેન પટેલ તથા સપનાબેન જાનીએ આ ટુર્નામેન્ટને સફળ બનાવવા પુરી મહેનત કરી હતી. આમ, પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પ્રેરણાથી થઈ રહેલ આ ઉજવણીઓમાં યુવા ખેલાડીઓને આવી તકો આપી તેમને રમત ગમત માટે પ્રોત્સાહન અપાયું હતું.
-000-