ગુજરાત

મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે ટ્રેક સ્લેબ ફેક્ટરીમાં થઈ રહેલી કામગીરીનું રેલવે મંત્રીએ નિરીક્ષણ કર્યું

મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે ટ્રેક સ્લેબ ફેક્ટરીમાં થઈ રહેલી કામગીરીનું રેલવે મંત્રીએ નિરીક્ષણ કર્યું

માંગરોળ તાલુકાના કિમ ખાતે બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લેતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ
કિમની ફેક્ટરી દુનિયાની સૌથી મોટી ટ્રેક સ્લેબ ફેક્ટરીઓમાંની એક: અહીં જાપાનની અદ્યતન શિંકનસેન ટેક્નિકનો ઉપયોગ કરીને ઉચ્ચ ક્ષમતાવાળા ટ્રેક સ્લેબ બની રહ્યા છે: રેલવે મંત્રી
ફેક્ટરીમાં રેલવે કોરિડોર માટે દરરોજ ૧૨૦ સ્લેબ તૈયાર થાય છે

કેન્દ્રીય રેલવે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવે માંગરોળ તાલુકાના કિમ ખાતે બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લીધી હતી અને ૧૯ એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલી સ્લેબ ફેક્ટરીમાં થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટરશ્રી વિવેક ગુપ્તાએ કેન્દ્રીય રેલવે મંત્રીશ્રીને ફેક્ટરીની સમગ્રલક્ષી કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતા.
રેલવે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેનમાં ટ્રેક સ્લેબ મહત્વનું કોમ્પોનન્ટ હોય છે. જેના પર ટ્રેનના પાટા ફીટ થતા હોય છે. આ સ્લેબ જાપાનીઝ ટેકનોલોજીથી ખૂબ ચીવટથી બનાવવામાં આવે છે. કિમમાં આવેલી ટ્રેક સ્લેબ ફેક્ટરીમાં સ્લેબ બનાવવાનું કામ પૂરજોશમાં થઈ રહ્યું છે. આ ફેક્ટરી દુનિયાની સૌથી મોટી ટ્રેક સ્લેબ ફેક્ટરીઓમાંની એક છે. અહીં જાપાનની અદ્યતન શિંકનસેન ટેક્નિકનો ઉપયોગ કરીને ઉચ્ચ ક્ષમતાવાળા બેલાસ્ટલેસ ટ્રેક સ્લેબ બની રહ્યા છે.
રેલવે મંત્રીશ્રીએ શ્રમિકો સાથે સંવાદ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ વેળાએ વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજરશ્રી અશોકકુમાર મિશ્રા સહિત રેલ્વે અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
નોંધનીય છે કે, મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (MAHRC) પ્રોજેક્ટની કુલ લંબાઈ ૫૦૮ કિલોમીટર (ગુજરાત અને દાદરાનગર હવેલી:૩૫૨ કિમી, મહારાષ્ટ્રઃ ૧૫૬ કિમી) છે. જેમાં ૧૨ સ્ટેશનો; મુંબઈ, થાણે, વિરાર, બોઇસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ, સાબરમતી બનાવવામાં આવશે. આ કોરિડોરમાં આવતી નદીઓ પર ૧૩ પુલો બનશે, જેમાં વલસાડ જિલ્લાની પાર, કોલક અને ઔરંગા નદી, નવસારીની પૂર્ણા, મિંઢોળા, કાવેરી, ખરેરા, વેંગાણીયા અને અંબિકા, વડોદરાની ઢાઢર, ખેડાની વાત્રક, મોહર અને મેશ્વો નદી પર પૂલ બનશે. પાંચ સ્ટીલ બ્રિજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
. કિમની સ્લેબ ફેક્ટરીમાં રેલવે કોરિડોર માટે દરરોજ ૧૨૦ સ્લેબ તૈયાર થાય છે
પ્રી-કાસ્ટ રિઈન્ફોર્સ્ડ કોંક્રિટ ટ્રેક સ્લેબ સામાન્ય રીતે ૨૨૦૦ મિમી પહોળા, ૪૯૦૦ મિમી લાંબા અને ૧૯૦ મિમી જાડા હોય છે, અને દરેક સ્લેબનું વજન લગભગ ૩.૯ ટન હોય છે. અહીં દરરોજ ૧૨૦ સ્લેબ તૈયાર થાય છે. કુલ લક્ષ્યાંક ૯૬ હજાર સ્લેબ તૈયાર કરવાનો છે. જેનાથી મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર અને દાદરાનગર હવેલી (૩૫૨ કિમી) માટે ૨૩૭ કિલોમીટરના હાઈ સ્પીડ રેલ ટ્રેક માટે ટ્રેક સ્લેબ તૈયાર થશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button