ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘Uncertainty to Opportunity : Recalibrating Global Trade’ વિષય પર સેમિનાર યોજાયો

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘Uncertainty to Opportunity : Recalibrating Global Trade’ વિષય પર સેમિનાર યોજાયો
હાલમાં ભારતમાં એક ટ્રિલિયન ડોલરનું ટ્રાન્જેક્શન ડિજિટલ માધ્યમથી થઈ રહ્યું છે, ભારત ૩૩ દેશો સાથે પોતાની કરન્સીમાં (રૂપિયા) જ વ્યાપાર કરે છેઃ DrChoksey Finserv પ્રા. લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દેવેન ચોકસી
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શુક્રવારે, તા. ૧૮ જુલાઈ ૨૦૨૫ના રોજ સાંજે ૦૫:૩૦ કલાકે, સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘Uncertainty to Opportunity : Recalibrating Global Trade’ વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં DrChoksey Finserv પ્રા. લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દેવેન ચોકસીએ ઉદ્યોગ સાહસિકોને ગ્લોબલ ટ્રેડ વિશે મહત્વની સમજ આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ‘વિશ્વ આજે અસ્થિરતાના એક નવા યુગમાંથી પસાર થઈ રહ્યું છે. કોવિડ મહામારી, જીઓ-પોલિટિકલ પરિવર્તનો, સપ્લાય ચેઈનના ખોરવાયેલા માળખાં, અને નવી ટેકનોલોજીના આગમનને કારણે વૈશ્વિક વેપારના નિયમો સતત બદલાઈ રહ્યા છે. પરંતુ, દરેક અનિશ્ચિતતામાં એક તક છૂપાયેલી હોય છે. માત્ર જરૂર છે તેને અનુરૂપ પોતાના વ્યવસાયમાં કેટલાક મહત્વના પગલા લેવામાં આવે.’ વધુમાં તેમણે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી સમયમાં કરવામાં આવનાર પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.
શ્રી દેવેન ચોકસીએ જણાવ્યું હતું કે, ‘હાલમાં અમેરિકામાં ડિગ્લોબલાઈઝેશનની શરૂઆત થઈ છે. અમેરિકા ૩.૪ ટ્રિલિયન ડોલરનું ઈમ્પોર્ટ કરે છે અને ૨.૮ ટ્રિલિયન ડોલરનું એક્ષ્પોર્ટ કરે છે. અમેરિકાના ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટના આંકડાઓમાં મોટો તફાવત જોવા મળે છે. તેથી અમેરિકામાં આગામી સમયમાં અનેક પ્રોડક્ટની મેન્યુફેક્ચરીંગની શરૂઆત કરવાની તૈયારીમાં છે, જેથી ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટના આંકડાઓમાં સમાનતા લાવી શકાય. અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવી રહેલા ટેરિફના નિર્ણયોથી આગામી સમયમાં અનેક સારા પરિણામો પણ જોવા મળી શકે છે.’ હાલમાં ભારતમાં એક ટ્રિલિયન ડોલરનું ટ્રાન્જેક્શન ડિજિટલ માધ્યમથી થઈ રહ્યું છે. ભારત ૩૩ દેશો સાથે પોતાની કરન્સીમાં (રૂપિયા) જ વ્યાપાર કરે છે. ભારતે પોતાના એક ટ્રિલિયન ડોલર એક્ષ્પોર્ટના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે અનેક દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) કર્યું છે. લોજિસ્ટિક ફ્રેડ કોરિડોર, રેલ્વે, એર કાર્ગો, વોટરવેસ, વેરહાઉસ થકી લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો ભારતમાં થઈ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘ગુજરાતનો જીડીપી ૨૫ લાખ કરોડ છે, તે ભારતના જીડીપીનો ૮ ટકા છે, જે વર્ષ ૨૦૩૫ સુધીમાં ૧૦ ટકા થઈ શકે છે. ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, દરિયા કિનારો, એગ્રીકલ્ચર જેવા પરિબળોના કારણે આગામી સમયમાં વધુ વિકાસની સંભાવના છે. ઉદ્યોગ સાહસિકો ટેક્ષ્ટાઈલ ક્ષેત્રે કોર્પોરેટ ઓનરશીપમાં (કો-ઓપરેટીવ) બદલીને વિકાસની નવી પરિભાષા બની શકે છે. ’ ચેમ્બર ઓફ કોમર્સના ગ્રૃપ ચેરમેન શ્રી સંજય પંજાબીએ કાર્યક્રમની રૂપરેખા આપી, વક્તાનો પરિચય આપ્યો હતો. અંતે, ઉપસ્થિતોના તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ વક્તાશ્રી દ્વારા આપવામાં આવ્યા હતા. ચેમ્બરની કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના કો-ચેરમેન શ્રી દિપેશ પરીખે ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો, ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.