તા.૯ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન સુંવાલી દરિયાકિનારે ત્રિ-દિવસીય ‘સુવાલી બીચ ફેસ્ટિવલ-૨૦૨૬’ યોજાશે

- તા.૯ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન સુંવાલી દરિયાકિનારે ત્રિ-દિવસીય ‘સુવાલી બીચ ફેસ્ટિવલ-૨૦૨૬’ યોજાશે
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે બીચ ફેસ્ટિવલને ખૂલ્લો મુકાશેઃ - સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત, લોકડાયરાની રમઝટ અને દરિયાકિનારાનો આહ્લાદક માહોલ માણવાની તક
- તા.૯મીએ ઓસમાણ મીર અને આમીર મીર, ૧૦મીએ ભૂમિ ત્રિવેદી અને ૧૧મીએ સાંત્વની ત્રિવેદી સૂરોની રમઝટ બોલાવશે
- ઊંટ અને ઘોડેસવારી, ક્રાફટ સ્ટોલ, ફુડ કોર્ટ, ફોટો કોર્નર, દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણો: કુલ ૧૩૦ સ્ટોલ ઉભા કરાશે
- સુવાલી બીચ ફેસ્ટિવલમાં જવા માટે ૧૯ રૂટ પર સિટી બસ તેમજ એસ.ટી. બસની વ્યવસ્થા કરવામાં આવી છે: ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ
- ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
રાજ્યના દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચોના વિકાસ માટે રાજ્ય સરકાર સક્રિયપણે પ્રયાસ કરી રહી છે, જેના ભાગરૂપે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તા.૯ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયાકિનારે ત્રિ-દિવસીય સુંવાલી બીચ ફેસ્ટિવલ-૨૦૨૬ યોજાશે. બીચ ફેસ્ટિવલને તા.૯મીએ સાંજે ૫.૦૦ વાગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે એમ ચોર્યાસીના ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ સર્કીટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું.
ધારાસભ્યશ્રી સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ સુંવાલી બીચનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરી દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે, સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થાય તથા પ્રવાસી-સહેલાણીઓ મોટી સંખ્યામાં દરિયાકિનારાની મોજ માણે, વેચાણ સ્ટોલધારકોને તથા સ્થાનિકોને રોજી રોટી મળી રહે તે માટે રાજ્ય સરકાર તથા જિલ્લા-તાલુકા વહીવટીતંત્રએ બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. જેમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, પ્રવાસન રાજ્યમંત્રી ડો.જયરામભાઈ ગામીત, સાંસદ મુકેશભાઈ દલાલ, મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સુંવાલીના વિકાસ માટે કરવામાં આવેલા વિકાસકામોની વિગતો આપતા કહ્યું કે, ૨૦૧૩ના વર્ષમાં રૂા.છ કરોડના ખર્ચે સુવાલી તરફ જવા માટેના રસ્તાને ૧૦ મીટર પહોળો કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.૨.૨૦ કરોડના ખર્ચે વિશ્રામગૃહના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. રૂા.૪૦ લાખના ખર્ચે ૧૦૦ ફુટની ઉચાઈ ધરાવતો હાઈમાસ્ટ માસ ટાવર બન્યો છે જે ૪૦૦ વોટની ૧૬ હેલોજનની ક્ષમતા ધરાવે છે. સુંવાલી બીચ માર્ થી મોરા ગામના મુખ્ય માર્ગ સુધી એ.એમ.એન.એસ. ઈન્ડિયાના સી.એસ.આર.ફંડ અંતર્ગત ૩૫૦ સોલાર લાઈટો તેમજ સુરક્ષા માટે રૂા.૩૦ લાખના ખર્ચે સુંવાલી બીચ પોલીસ વોચ ટાવર અને સુવાલી બીચ પોલીસ ચોકી ઉભી કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
ધારાસભ્યશ્રીએ કહ્યું કે, વનવિભાગ દ્વારા રૂા.ચાર લાખના ખર્ચે વન કુટિર તથા ગ્રામ પંચાયત દ્વારા દરિયાકાંઠે ચઢવા- ઉતરવા માટે રૂા.૧૫ લાખના ર્ખચે ત્રણ રેમ્પ બનાવવામાં આવ્યા છે. જયારે જિલ્લા પંચાયતના સહયોગથી રૂા.૨૭ લાખના ખર્ચે શૌચાલય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. નિર્દિષ્ટ વિસ્તાર હજીરાના અનુદાનમાંથી રૂા.એક કરોડના ખર્ચે દરિયાઈ ખારા પાણીને પીવાલાયક મીઠુ કરવાનો પ્લાન્ટ પણ મંજૂર કરવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને ડેવલપ કરનાર આર્કીટેક્ટ ફર્મ દ્વારા સુવાલી બીચના ડેવલપમેન્ટ માટેનો સર્વે પણ કરવામાં આવ્યો છે, જે મુજબ આગામી સમયમાં તબક્કાવાર સુવાલી બીચને આધુનિક ઢબે વિકાસ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, તા.૯ થી ૧૧ જાન્યુઆરી સુધી સાંજે ૪.૦૦ થી ૧૦.૦૦ વાગ્યા સુધી ઈચ્છાપોર હાઇવેથી મોરા હાઇવે ચોકડી થઈ L&Tથી સુવાલી સુધીનો રૂટ પર વન-વે રહેશે અને ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. સુવાલી જવા-આવવા સહેલાણીઓ માટે ત્રણેય દિવસે ૧૯ રૂટ પર સિટી બસ અને એસ.ટી. બસની વ્યવસ્થા કરવામાં આવી છે. ક્રાર્યક્રમ સ્થળે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૮૦૦ જેટલા ટ્રાફિક અને પોલીસ જવાનો ખડેપગે રહેશે. ફાયર બ્રિગેડ, તરવૈયા, એમ્બ્યુલન્સ અને આરોગ્યની ટીમોને સ્ટેન્ડ બાય રહેશે.
નોંધનીય છે કે, ઊંટ અને ઘોડેસવારી, ફુડ કોર્ટ, ક્રાફટ સ્ટોલ જેવા કુલ ૧૩૦ સ્ટોલ્સ, ફોટો કોર્નર, પતંગબાજી, જીપ સવારી, ટગ ઓફ વોર, દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણો સાથે પ્રવાસીઓ દરિયાઈ ખુશનુમા માહોલમાં હરવા-ફરવાની સાથે ખાણીપીણીનીનો આનંદ માણી શકશે.
પ્રેસ કોન્ફરન્સમાં સંયુક્ત માહિતી નિયામકશ્રી એ.બી. મછાર, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા સહિત પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકારો સૂરોની રમઝટ બોલાવશે
પ્રખ્યાત ગાયક કલાકારો શ્રોતાઓને ગીતસંગીતથી ડોલાવશે, જેમાં તા.૯મીએ સાંજે ૫.૩૦ વાગ્યે ઓસમાણ મીર અને આમીર મીર, ૧૦મીએ સાંજે ૭.૦૦ વાગ્યે ભૂમિ ત્રિવેદી અને ૧૧મીએ સાંજે ૭.૦૦ વાગ્યે સાંત્વની ત્રિવેદી સૂરોની રમઝટ બોલાવશે*
બીચ ફેસ્ટીવલમાં પરિવાર સાથે ઉજાણી અને દરિયાકિનારાનો આહ્લાદક આનંદ:
બીચ ફેસ્ટીવલમાં સાહસના શોખીનો માટે અહીં એડવેન્ચર્સ સ્પોર્ટ્સ રહેશે, તો ભાતીગળ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓ, વન વિભાગ તથા સખીમંડળોના સ્ટોલ્સ અને બાળકોના મનોરંજન માટે વિશેષ આયોજન છે. સુરતની સ્વાદપ્રિય જનતા માટે ફુડકોર્ટની વ્યવસ્થામાં નાગલીની વાનગી-ડાંગી ડિશ-ઉંબાડિયુ, મિલેટ ફૂડ જેવી પરંપરાગત, અવનવી વાનગીઓના ૧૩૦ જેટલા ફુડ સ્ટોલ અને શોપીંગ માટે ક્રાફ્ટ સ્ટોલ ઉભા કરાશે. પરિવાર-મિત્રો સાથે યાદોને કેપ્ચર કરવા ફોટો કોર્નર એટલે કે સેલ્ફી પોઈન્ટ તથા બાળકો માટે મનોરંજન ઝોન હશે. સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત, સંગીતની રમઝટ અને દરિયાકિનારાનો આહ્લાદક માહોલ માણવાની તક મળશે.



