ગુજરાત

દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ

દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ

સર્જનાત્મક કલાકૃતિઓથી ‘વોકલ ફોર લોકલ’ને અનુસરી બન્યા પગભર

વારલી આર્ટ દ્વારા સ્વદેશી સંસ્કૃતિ, પરંપરા અને રોજગારીનું અનોખું સંમિશ્રણ

અમે વિદેશી વસ્તુઓ નહીં, પરંતુ ગામની માટી, સંસ્કાર અને હસ્તકૌશલ્યથી બનેલી વસ્તુઓ બનાવી રહ્યા છીએઃ વિનુભાઇ કાલુભાઈ ભાવર

સુરતમાં અડાજણ ખાતે આયોજિત સરસ મેળામાં દાદરા નગર હવેલીના સેલવાસ તાલુકાના દૂધની ગામથી આવેલા વારલી આર્ટની વિવિધ કલાકૃતિઓ બનાવતા પરિવારે સ્વદેશી કલા અને આત્મનિર્ભરતાનું પ્રતિક બની સૌનું ધ્યાન ખેંચ્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ના આહવાનને હકીકતમાં ઉજાગર કરતા ભાવર પરિવારે પરંપરાગત વારલી પેઇન્ટિંગ કલા વડે પોતાની ઓળખ બનાવી છે.
વારલી આર્ટ કલા અને કૌશલ્યની કૃતિ-પ્રતિકૃતિ, સ્થાનિક સંસ્કૃતિ, માનવજીવન અને મનોભાવનું ચિત્રણ કરે છે. પાંચ સભ્યો ધરાવતા ભાવર પરિવારે છેલ્લા ઘણા વર્ષોથી વારલી આર્ટ દ્વારા રોજગારીનું સાધન ઉભું કર્યું છે. ગાયના ગોબર, માટી, કુદરતી રંગો અને કાગળ જેવા સ્વદેશી સાધનો વડે તૈયાર થતી આ કૃતિઓ ભારતીય સંસ્કૃતિ અને પ્રકૃતિનો જીવંત અરીસો છે. તેઓ દીવાલ ચિત્રો, લેમ્પ શેડ, ગિફ્ટ આઇટમ્સ, વોલ હેંગિંગ અને ટેબલ ડેકોર જેવી આકર્ષક વસ્તુઓ બનાવી દર મહિને રૂ.૩૦,૦૦૦ જેટલી આવક મેળવી રહ્યાં છે.
પરિવારના સભ્ય વિનુભાઇ કાલુભાઈ ભાવર જણાવે છે કે, અમે વિદેશી વસ્તુઓ નહીં, પરંતુ ગામની માટી, ગ્રામ્યજીવનના સંસ્કાર અને હસ્તકૌશલ્યથી બનેલી ચીજવસ્તુઓ બનાવી રહ્યા છીએ. સરકારના સહયોગથી અમને મેળા અને પ્રદર્શનોમાં ભાગ લેવાની તક મળી છે, જેના કારણે અમારી કૃતિઓને વધુ વ્યાપક મંચ મળ્યો છે. મેળામાં આવેલા લોકોનો પ્રોત્સાહક પ્રતિસાદ અમને નવી ઉર્જા પૂરી પાડે છે. આજના યુગમાં પણ સ્વદેશી હસ્તકલા પ્રત્યે લોકો આકર્ષિત થઈ રહ્યા છે.
આ પરિવારે માત્ર પરંપરાગત કલા જાળવી નથી રાખી, પરંતુ નવી પેઢીને વારલી આર્ટ શીખવાડી સ્વદેશી રોજગારીનું માર્ગદર્શન પણ આપ્યું છે. તેમના ઘરની દીકરીઓ અને ગામની અન્ય યુવતીઓ પણ આજે વારલી આર્ટથી આત્મનિર્ભર બની રહી છે.
દાદરા નગર હવેલીનો આ કલાકાર પરિવાર પરંપરાગત કલાને આધુનિક માર્કેટ અને સરકારના પ્રોત્સાહન થકી સ્વદેશી કલાને નવી ઉંચાઈ બક્ષી રહ્યો છે, સાથોસાથ દેશના વિકાસ અને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં પણ યોગદાન આપી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button