સાધલીમાં લારી ગલ્લા અને ખાનગી વાહનોના દબાણોથી ટ્રાફિક અવ્યવસ્થા

સાધલીમાં લારી ગલ્લા અને ખાનગી વાહનોના દબાણોથી ટ્રાફિક અવ્યવસ્થા
મહિલા સરપંચે જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી, 25 દિવસ બાદ પણ કાર્યવાહી નહીં
શિનોર તાલુકાના સાધલી ગામમાં બસ સ્ટેન્ડ, સરદાર પટેલ સ્ટેચ્યુ સર્કલ તથા અવાખલ સર્કલની આજુબાજુ નડતરરૂપ લારી ગલ્લા અને ખાનગી વાહનોના દબાણોથી ટ્રાફિક સમસ્યા ગંભીર બની છે. આ બાબતે સાધલીના મહિલા સરપંચ મનીષા પટેલે વડોદરા જિલ્લા પોલીસ વડાને તારીખ 26 ડિસેમ્બર 2025ના રોજ લેખિત રજૂઆત કરી છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ, તારીખ 2 ડિસેમ્બર 2025ના રોજ કરમસદથી કેવડિયા સુધી યોજાયેલી સરદાર પટેલ એકતા યાત્રા દરમિયાન સાધલી આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ થોડા જ દિવસોમાં ફરીથી ગેરકાયદે દબાણો ઉભા થઈ ગયા છે. પંચાયત દ્વારા વારંવાર સમજાવવા છતાં દબાણકારો માનતા નથી.
સાધલી બસ સ્ટેન્ડ પર રોજિંદા 120થી વધુ એસ.ટી. બસોની આવન-જાવન રહે છે, ત્યારે ખાનગી વાહનો દ્વારા જમેલો થવાથી ઘણીવાર બસ ડ્રાઇવર અને વાહનચાલકો વચ્ચે બોલાચાલી થાય છે. સરદાર પટેલની પ્રતિમાની આસપાસ પણ ખાનગી વાહનોનું ગેરકાયદે પાર્કિંગ ટ્રાફિકને નડતરરૂપ બન્યું છે.
તદુપરાંત, બસ સ્ટેન્ડ, સરકારી દવાખાના અને જાહેર રસ્તાઓ પર આવેલી લારીઓના દબાણોના કારણે અકસ્માતની ભીતિ ઊભી થઈ છે. અવાખલ રોડ તરફ નવા બનેલા સર્કલની આસપાસ ખાનગી લારીઓ અને વાહનોના જમેલાથી ટ્રાફિક સતત અટકાય છે.
આ બાબતે સાધલી આઉટપોસ્ટમાં વારંવાર જાણ કરવા છતાં પોલીસ સંપૂર્ણપણે નિષ્ક્રિય હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે અને ટ્રાફિક વ્યવસ્થા સુધરે તે માટે જિલ્લા પોલીસ તથા તાલુકા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી તમામ ગેરકાયદે દબાણો દૂર કરવાની માંગ કરવામાં આવી છે. શિનોર પોલીસ ઇન્સ્પેક્ટરને પણ લેખિત જાણ કરવામાં આવી હોવા છતાં આજે 25 દિવસ વીતી ગયા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને દબાણો યથાવત છે.



