ગુજરાત
સુરત જિલ્લાના મહુવા ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને “THINK,BEFORE YOU CLICK ” સાયબર જાગૃતિ અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો
- સુરત જિલ્લાના મહુવા ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને “THINK,BEFORE YOU CLICK ” સાયબર જાગૃતિ અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો
- શિક્ષણ વિભાગ અને પોલિસ વિભાગ સાથે મળીને સાયબર ક્રાઈમ અંગે વિદ્યાર્થીઓને જાગૃત્ત કરશેઃ
કોઈ વિદ્યાર્થી સોશિયલ મીડિયાનો ભોગ બને તો પ્રથમ માતા-પિતા, શિક્ષક, પોલીસનો સંપર્ક સાધવા અનુરોધઃ - સુરત જિલ્લાને સાયબર સેફ બનાવવા અને પ્રજાજનોને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે સુરત ગ્રામ્ય પોલીસ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારીની કચેરીના સહયોગથી સુરત જિલ્લાના મહુવા સ્થિત ઉકા તરસાડીયા યુનિવર્સિટીના માલિબા કેમ્પસમાં શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને “THINK,BEFORE YOU CLICK ” સાયબર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ડિજિટલ યુગએ વિશ્વને મળેલી એક મોટી ભેટ છે, પરંતુ તેના પ્રતિકૂળ પ્રભાવ પણ રહેલો છે. તેમણે વિદ્યાથીઓને શીખ આપતા કહ્યું કે, મફતમાં કંઈક મેળવવાની લાલચ રાખવી નહિ. લાલચને કારણે પ્રેમ અને લાગણી વિહોણા સંબંધો ઊભા થાય છે. તમારા ફેસબુક ઉપર એક લાખ ફોલોઅર્સ હોઈ શકે છે, પરંતુ જ્યારે તમે બીમાર પડશો, ત્યારે એમાંથી એક પણ તમારી સાથે ઊભા નહીં રહે. ત્યારે તમારી સાથે માત્ર માતા-પિતા જ રહેશે. જો સાયબર બાબતે સમસ્યા સર્જાય તો માતા-પિતાને કહેવામાં સંકોચ ન કરવો. જો એવું ન કરી શકો, તો તમારા મિત્ર અથવા શિક્ષકને કહો, અથવા પોલિસ વિભાગને જાણ કરો. વિદ્યાર્થીઓને તમામ સમસ્યાઓનું સચોટ હલ માતા-પિતાની સાથે વાતચીત દ્વારા કરી શકાય છે તેમ જણાવીને સૌને સાયબર ફ્રોડથી સચેત રહેવાનો અનુરોધ કર્યો હતો.
વધુમાં તેમણે ઉમેર્યું કે, આગામી સમયમાં શિક્ષણ વિભાગ અને પોલિસ વિભાગ સાથે મળીને સાયબર ક્રાઈમ અંગે વિદ્યાર્થીઓને જાગૃત્ત કરશે. આ પ્રયાસોથી વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો પાસે જ્ઞાન મેળવી પરિવારને પણ જાગૃત કરશે, જેના કારણે જાગૃતિની સાંકળ ઉભી થશે. લોકો લુંટ, ધાડ, ચોરી જેવી ઘટનાઓના શિકાર બનતા હોય છે, ત્યારે હવે લોકો નવા જમાનાના સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. નાની ઉંમરના વિદ્યાર્થીઓ સોશિયલ મિડીયા થકી સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે અને નાછૂટકે આત્મહત્યા કરવા સુધી પહોચી જાય છે, ત્યારે દરેક શાળામાં એક એવો શિક્ષક હોવા જોઇએ જેમને વિદ્યાર્થીઓ ખુલ્લા મને પોતાની વાતો, મૂંઝવણ કહી શકે. શિક્ષકોએ વિદ્યાર્થીઓને પોતાનું બાળક સમજી સાયબર ક્રાઇમ વિશેનું જ્ઞાન આપી ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું સેવાયજ્ઞ સમાન કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ અને ગૃહ વિભાગ વચ્ચે યોગ્ય સમન્વય થતાં હવે ડિજિટલ યુગમાં લોકોને જરૂરી સાયબરલક્ષી જ્ઞાન મળી રહેશે. આજના યુગમાં સાયબર જ્ઞાન આપવાની શરૂઆત વિદ્યાર્થીઓથી થઈ રહી છે અને આ વિદ્યાર્થીઓ આગળ વધીને અન્ય લોકોને જ્ઞાન પહોંચાડશે તેવી અપીલ તેમણે કરી હતી.
આ વેળાએ સાયબર ફ્રોડની જાગૃતિ દર્શાવતી ફિલ્મે હાજર સૌને રસપ્રદ અને ઉપયોગી જાણકારી આપી હતી. રાજ્યમંત્રીશ્રીઓના હસ્તે શહેર-જિલ્લાની વિવિધ વિસ્તારના શાળાના વિદ્યાર્થીઓ,શિક્ષકો, પોલિસ અને યુવા બ્રાન્ડ એમ્બેસેડરને સન્માનપત્ર અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી ઇશ્વરભાઇ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, પૂર્વ જિ.પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, બારડોલી નાયબ પ્રાંત અધિકારીશ્રીમતી જીજ્ઞાબેન પરમાર, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભગીરથસિંહ પરમાર, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશભાઇ પટેલ, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ શાળાના સંચાલકો, ટ્રસ્ટીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા