‘હર ઘર રંગોળી સ્પર્ધા’ને ખૂલ્લી મૂકતા કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ

સુરત:શુક્રવાર: આગામી દિવાળીના પાવન પર્વની ઉજવણીને વધુ ખાસ બનાવવા અમી ચેરિટેબલ ટ્રસ્ટ અને મોટા મંદિર યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે તા.૯ થી ૧૨ નવેમ્બર દરમિયાન ‘હર ઘર રંગોળી-અમૃત્તકાળ રંગોળી સ્પર્ધા’ યોજાશે. જેના પોસ્ટરનું સર્કીટ હાઉસ ખાતે અનાવરણ કરી કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે ‘અમૃત્તકાળ રંગોળી સ્પર્ધા-૨૦૨૩’નો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું કે, રંગોળીના વિવિધ રંગો ઘરની શોભા વધારે જ છે, સાથોસાથ માનસિક શાંતિ અને સકારાત્મક ઊર્જા પ્રદાન કરે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમા ભારતનાં આઝાદીનો અમૃતકાળ વધુ દિવ્ય અને ભવ્ય બન્યો છે. ઉપરાંત, આગામી જાન્યુઆરી-૨૦૨૪માં અયોધ્યામાં પ્રભુશ્રી રામના નૂતન ભવ્ય મંદિર સાકાર થશે, ત્યારે આપણામાં રહેલી કલા અને સર્જનાત્મક ભાવને ‘અમૃત્ત કાળ રંગોળીના માધ્યમથી હિન્દુ નુતન વર્ષનું સ્વાગત કરવા, ભગવાન શ્રીરામને આવકારવા અને દેશવાસીઓને નૂતન વર્ષની શુભકામના પાઠવવા અપીલ કરી હતી. તેમણે સુરતના નાગરિકો ઘરના આંગણમાં વધુને વધુ રંગોળી બનાવી ભારતીય સંસ્કૃતિને વધુ ઓજસ્વી બનાવવા પર ભાર મૂક્યો હતો.
મંત્રીશ્રીએ સુરત શહેર-જિલ્લાના કોઈ પણ નાગરિકો આ સ્પર્ધામાં ભાગ લઈને દિપાવલીના પર્વની ઉમંગભેર ઉજવણી કરે એવો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, અમી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભાવનાબેન દેસાઈ, મોટા મંદિર યુવક મંડળના પ્રમુખ સંજય દલાલ, અગ્રણી નેહલ દેસાઈ સહિત કોર્પોરેટરો, સામાજિક અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
રંગોળી સ્પર્ધાની માહિતી અને નિયમો:-
————————————————————————
૧) આ રંગોળી સ્પર્ધામાં સુરતની કોઈ પણ લોકસભા બેઠકના નાગરિકો ભાગ લઈ શકશે, જે માટે વોટ્સએપ નં. (૯૦૨૩૩ ૧૦૭૮૧) પર RANGOLI લખીને મોકલવાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંક મળશે.
૨) સ્પર્ધા માટે ૧૮ થી ૩૫ વર્ષ અને ૩૫ થી વધુ એમ બે કેટેગરીમાં બે વિભાગો રખાયા છે.
૩) સ્પર્ધામાં વ્યકિતગત ભાગ લેવાનો રહેશે. સ્પર્ધક સાથે વધુમાં વધુ ૨ વ્યકિતઓ સહાયક તરીકે રાખી શકાશે જે સ્પર્ધકનાં ગ્રુપની ઉંમરનાં જ હોવા જરૂરી છે.
૪) સ્પર્ધકોએ ઓછામાં ઓછી ૩X૩ અને વધુમાં વધુ ૪×૪ ફુટ સાઈઝની રંગોળી કરવાની રહેશે.
૫) સ્પર્ધામાં ભાગ લેનાર વ્યકિતએ તારીખ ૯,૧૦,૧૧,૧૨ નવેમ્બર દરમિયાન પોતાના ઘરઆંગણે રંગોળી કરવાની રહેશે.
૭) આ રંગોળી બનાવતા વિડિયો અને ફોટો રંગોળી પૂર્ણ થયા પછી ૯૦૨૩૩ ૧૦૭૮૧ પર વ્હોટસ-અપ કરવાનાં રહેશે.
૮) પસંદગી પામેલ સ્પર્ધને પુરસ્કાર અને પ્રશંસાપ્રત્ર અપાશે.
૯) પસંદગી થયેલ રંગોળીનું નિરિક્ષણ કરવા સ્થળની મુલાકાત લેવામાં આવશે.
૧૦) પસંદગી પામેલ સ્પર્ધાની વચ્ચે દેવદિવાળી સુધીમાં મેગા ફાઈનલ સ્પર્ધા થશે. વિજેતાને પુરસ્કાર અને પ્રશંસાપ્રત્ર આપી સન્માનિત કરવામાં આવશે.
૧૧) રંગોળીની કેટેગરીમાં ફ્રી હેન્ડ, ભૌતિક (ગ્રાફિકસ), રાષ્ટ્રીય ભાવ સમર્પિત રંગોળી, સામાજિક સંદેશ પર આધારિત રંગોળી પૂરવાની રહેશે
૧૨) કલર સિવાય અન્ય દ્વવ્યોથી બનાવેલ રંગોળી ઉપર જણાવેલ કેટેગરીમાંથી ૨ જ કેટેગરીમાં ભાગ લઈ શકાશે.