ગુજરાત

કચ્છથી સુરત આવેલી ‘વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન-૨૦૨૬’નું સંઘપ્રદેશ દમણ તરફ પ્રયાણ

કચ્છથી સુરત આવેલી ‘વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન-૨૦૨૬’નું સંઘપ્રદેશ દમણ તરફ પ્રયાણ
સાયકલ યાત્રાને ફ્લેગ ઓફ આપી આગામી પડાવ માટે પ્રસ્થાન કરાવતા વિશેષ પોલીસ કમિશનર વાબાંગ જમીર
CISF દ્વારા રાષ્ટ્રીય એકતા અને દરિયાઈ સુરક્ષાનો સંદેશ
૬૫ મહિલા જવાનો સહિત ૧૩૦ CISF જવાનો સાયકલિંગ કરી કેરળના કોચી પહોંચશે
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા કચ્છથી પ્રારંભ થયેલી ‘વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન-૨૦૨૬’એ સુરત શહેરના વેસુથી સંઘપ્રદેશ દમણ તરફ પ્રયાણ કર્યું હતું. આગામી પડાવ માટે વિશેષ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીરે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સાયકલ યાત્રાએ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના માર્ગે આગળ વધી સંઘપ્રદેશ દમણના કિલ્લા તરફ પ્રયાણ કર્યું હતું.
“સુરક્ષિત કિનારા, સમૃદ્ધ ભારત”ના ઉદ્દેશ્ય સાથે તા.૨૮/૦૧/૨૦૨૬ ના રોજ કચ્છના લખપત કિલ્લાથી શરૂ થયેલી આ યાત્રા ૨૨ ફેબ્રુ.૨૦૨૬ સુધી ચાલશે. આ સાયક્લોથોનનો મુખ્ય હેતુ ભારતના દરિયાકાંઠાના વારસાની ઉજવણી અને ‘વંદે માતરમ’ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો છે.
પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીરે સાયક્લોથોનમાં ભાગ લઈ રહેલા ૧૩૦ જવાનોને અભિનંદન પાઠવી તેમની રાષ્ટ્રભક્તિને બિરદાવતા જણાવ્યું કે, દેશની આંતરિક સુરક્ષા અને મહત્વના પ્રતિષ્ઠાનોની રક્ષા કરતા CISF જવાનો દ્વારા દરિયાઈ સુરક્ષા જાગૃતિ માટેનું આ અભિયાન અત્યંત પ્રશંસનીય છે. આ યાત્રા નાગરિકોમાં સુરક્ષાની ભાવના અને દેશપ્રેમ જગાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ મહાઅભિયાન હેઠળ લખપતથી કોચી સુધીનું ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપશે. ફ્લેગ ઓફ કાર્યક્રમમાં CISF જવાનો અને નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ “કોસ્ટલ વિજીલન્સ” અને “તટ પ્રહરી” (દરિયાકાંઠાના રક્ષકો)ના સશક્તિકરણનો સંદેશ ફેલાવ્યો હતો. આ સાયક્લોથોન દ્વારા CISF એ બ્લુ ઈકોનોમીને પ્રોત્સાહન અને જાગૃતિ તેમજ દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ માટે પણ અપીલ કરી છે.
નોંધનીય છે કે, ૮ ફેબ્રુ.એ આ સાયક્લોથોનનું સુરતમાં આગમન સમયે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરાયું હતું.
નાગરિકો આ સાયક્લોથોનને લાઈવ ટ્રેક કરી શકે તે માટે અને વધુ વિગતો મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ https://cisfcyclothon.in લોન્ચ કરવામાં આવી છે. વેબસાઈટ પર રૂટ મેપ, ફોટો ગેલેરી અને સાયક્લોથોન અંગેની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ‘સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત’ના મંત્ર સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ડ્રગ્સ અને ઘૂસણખોરી સામે જાગૃતિ લાવવાનો છે.
આ પ્રસંગે જોઈન્ટ પો. કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ, અધિક પો. કમિશનર ડો.કરણરાજ વાઘેલા, એરપોર્ટ ડાયરેક્ટર શ્રી એ.એન. શર્મા, CISF કમાન્ડન્ટ કુમાર અભિષેક તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, CISF યુનિટ ASG (એરપોર્ટ સિક્યુરિટી ગ્રુપ) સ્ટાફ, શાળાના એનસીસી વિંગના બાળકો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભારત માતાના જયઘોષ સાથે સાયકલવીરોને વિદાય આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button