ગુજરાત

સુરત જિલ્લાનું ગૌરવ: રાજ્ય સરકાર દ્વારા રાજ્યના બીજા ક્રમનો શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ મેળવતા સુરત જિલ્લાના મહુવા તાલુકાના ડુંગરી ગામના પશુપાલક ખંડુભાઈ પટેલ

સુરત જિલ્લાનું ગૌરવ: રાજ્ય સરકાર દ્વારા રાજ્યના બીજા ક્રમનો શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ મેળવતા સુરત જિલ્લાના મહુવા તાલુકાના ડુંગરી ગામના પશુપાલક ખંડુભાઈ પટેલ
દૂધાળી ભેંસોની ઉત્તમ નસલોનો ઉછેર, સંતુલિત આહાર અને ઉત્તમ વ્યવસ્થાપનથી પશુપાલનનું સફળ મોડેલ ઉભું કરનાર પશુપાલક પિતા-પુત્રની બેલડી
ખંડુભાઈએ ૪ ભેંસોથી કરી હતી ડેરી ફાર્મિંગની શરૂઆત: પુત્ર પપ્પુભાઈએ પશુપાલનના વારસાને સફળતાની ટોચ પર પહોંચાડ્યો
શૂન્યમાંથી સર્જન કરનાર પટેલ પિતા-પુત્રનું ૧૨૦ નાના-મોટા, દુધાળા પશુઓનું હાઈટેક ડેરી ફાર્મ: ડેરીફાર્મિંગમાં સફળતા મેળવી અન્યોને આપી રહ્યા છે રોજગારી
દૂધનું વેલ્યુ એડિશન કરી ‘પ્રમુખ ડેરી’ના માધ્યમથી મઠો, શ્રીખંડ, ઘી, છાશ, મીઠાઈ જેવી અન્ય ડેરી પ્રોડક્ટ્સનું કરે છે ઉત્પાદન
૪ ગાય-ભેંસોથી શરૂ કરેલી પશુપાલનની સફર આજે ૧૨૦ પશુઓ સુધી પહોંચી: આગામી દિવસોમાં ૫૦૦ ભેંસોનો પપ્પુભાઈનો લક્ષ્યાંક
પિતાના પશુપાલનના વારસાને પુત્ર પપ્પુભાઈએ મહેનત, કોઠાસૂઝ, વ્યાવસાયિક દ્રષ્ટિ અને વિઝન સાથે જોડીને સફળ પશુપાલનની ઉત્તમ વ્યાખ્યા ઘડી

સુરત:ખેડૂતો-પશુપાલકોની મહેનત અને સુઝબુઝ તેમજ સરકારી યોજનાઓના કારણે પશુપાલન ક્ષેત્ર ખેડૂતોની આવક વધારવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના ડુંગરી ગામના પ્રગતિશીલ પશુપાલક ખંડુભાઈ પટેલ અને પુત્ર પપ્પુભાઈએ પશુપાલન ક્ષેત્રે એક નવી મિશાલ કાયમ કરી છે. પિતા ખંડુભાઈએ માત્ર ૪ પશુઓથી પશુપાલનની યાત્રાને પુત્ર પપ્પુભાઈએ આજે કુલ ૧૨૦ નાના-મોટા, દુધાળા પશુઓના મુકામ સુધી પહોંચાડી છે. શ્રેષ્ઠ પશુપાલન કરી માતબર દૂધ ઉત્પાદન અને તેના સફળ મૂલ્યવર્ધન કરી સફળ બિઝનેસ મોડેલ ઉભું કરનાર ખંડુભાઈ ગોપાલભાઈ પટેલને રાજ્ય સરકારે ગાંધીનગરમાં ‘શ્રેષ્ઠ પશુપાલક સન્માન સમારોહ-૨૦૨૫-૨૬’ અંતર્ગત રાજ્યના દ્વિતીય ક્રમના ‘શ્રેષ્ઠ પશુપાલક’ તરીકે એવોર્ડ આપી સન્માનિત કર્યા છે.
વર્ષ ૧૯૯૦માં પિતા ખંડુભાઈએ ડુંગરી ગામમાં માત્ર ૪ ગાય-ભેંસોથી પશુપાલનની શરૂઆત કરી હતી, પશુપાલનના આ વારસાને પુત્ર પપ્પુભાઈએ મહેનત, કોઠાસૂઝ, વ્યાવસાયિક દ્રષ્ટિ અને વિઝન સાથે જોડીને સફળ પશુપાલનની ઉત્તમ વ્યાખ્યા ઘડી છે. આજે તેમના ડેરી ફાર્મમાં ૮૫ દૂઝણી ભેંસો સહિત પાડા-પાડી, ખડાઈઓ મળી કુલ ૧૨૦ પશુધન છે, જેમાં હરિયાણાની મુર્રાહ, કચ્છની બન્ની, જાફરાબાદી, રાજસ્થાનની નેડ જંગલ જેવી ઉચ્ચ ગુણવત્તાવાળી નસલનો સમાવેશ થાય છે. હાલમાં ૮૫ દૂધ દૂઝણી ભેંસો થકી દરરોજ ૬૦૦ લીટર અને માસિક ૧૮ હજારથી ૨૦ હજાર લીટર દૂધ ઉત્પન્ન કરે છે. ભેંસોની સાચવણી અને કાળજીના કારણે દૂધમાં સરેરાશ ૭.૫ થી ૮.૩૦ સુધીના ફેટ મળે છે. એટલું જ નહીં, દૂધનું વેલ્યુ એડિશન કરી ઘી, છાશ, શ્રીખંડ, મઠો, મીઠાઈ જેવા અન્ય ડેરી ઉત્પાદનો બનાવી ફાર્મ આઉટલેટ ‘પ્રમુખ શ્રીખંડ’ પરથી વેચાણ કરે છે. વધારાનું દૂધ તેઓ સુમુલ ડેરીમાં ભરે છે. સુમુલ ડેરી દ્વારા પ્રતિ લીટર રૂ.૭૩ થી ૭૪ ભાવ તેમજ વાર્ષિક ૧૫ થી ૧૭ ટકા બોનસ મળે છે. દૂધ અને દૂધની બનાવટોના વેચાણ માટે તેમના આઉટલેટ્સ બારડોલી અને ડુંગરી ખાતે ‘પ્રમુખ ડેરી’ ના નામે કાર્યરત છે.
હરિયાણાની મુર્રાહ ઓલાદની ભેંસ દૂધ આપવામાં દેશભરમાં નામાંકિત છે, જેથી પપ્પુભાઈએ હરિયાણાથી ૯ મુર્રાહ ભેંસો (પ્રત્યેક ભેંસની સરેરાશ ૨.૫૦ લાખ કિંમત) ખરીદી છે. તેઓ આ ભેંસોના ગર્ભધારણ માટે હરિયાણાથી વિશેષ સિમેન લાવે છે. તેમનો હાઈટેક તબેલામાં સ્વચ્છતા ઉડીને આંખે વળગે છે, ક્યાંય માખીનો બણબણાટ નહીં, કે મચ્છરોનો ઉપદ્રવ નહીં. દુર્ગંધનું નામનિશાન નહીં. ભેંસો ઉપર પંખા, ઉનાળામાં વોટર સ્પ્રિંકલર ગોબર-મૂત્રના નિકાલ માટે અન્ડરગ્રાઉન્ડ નીકની વ્યવસ્થા છે.
ધો.૧૧ સુધીનો અભ્યાસ કરનાર અને પપ્પુભાઈનું મૂળ નામ હરિવદનભાઈ છે. પરંતુ પપ્પુભાઈના હુલામણા નામે જાણીતા આ પશુપાલક ડેરી ફાર્મિંગ સાથે ભેંસોના ગોબરમાંથી દર વર્ષે ૮ થી ૧૦ હજાર બેગ જૈવિક ખાતર બનાવે છે, જેને પોતાના ખેતરમાં તેમજ આસપાસના ખેડૂતોને વેચાણથી આપે છે. તેઓ કહે છે કે, ડેરી ફાર્મિંગ એક એવો વ્યવસાય છે, જ્યાં અનુભવ સૌથી મહત્વપૂર્ણ હોય છે. આ વ્યવસાય દેખાદેખીથી નહીં, પણ મહેનત, નિયમિતતા અને અનુભવના સંયોજનથી જ સફળ બને છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે પશુપાલન રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાના હસ્તે રાજ્યના બીજા ક્રમના શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ અને રૂ.૫૧ હજારની પુરસ્કાર પ્રાપ્ત થયો હતો, આ સન્માન બદલ રાજ્ય સરકારનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
પિતા ખંડુભાઈ અને પુત્ર પપ્પુભાઈની જર્ની શૂન્યમાંથી સર્જન જેવી છે. પપ્પુભાઈ કહે છે કે, મારા તબેલામાં હાલ ૮૫ પુખ્ત ભેંસો છે જેમાંથી ૬૫ ભેંસો દૂઝણી છે. ૨૬ હીફર (પાડીઓ) છે. દૂઝણી ભેંસ વર્ષના ૧૦ મહિના દૂધ આપે છે. દુઝણી ભેંસોને દોહવા માટે ૬ વ્યક્તિઓ રાખ્યા છે. સુમુલ ડેરીમાં દૂધ ભરવા, વેચાણ, રસીકરણ, ગર્ભધારણમ શ્રમિકોના પગાર અને વ્યવસાયિક મેનેજમેન્ટ માટે ૧ મહેતાજી એમ કુલ ૭ વ્યક્તિઓ તબેલા માટે કાર્યરત છે. માત્ર દૂધ વેચવાને બદલે પિતાજીની પ્રેરણાથી મૂલ્યવર્ધન કર્યું છે. હાલ હું ૨૭ જેટલી વેરાયટીના શ્રીખંડ અને મઠ્ઠા (૧૮ પ્રકારના શ્રીખંડ અને ૯ પ્રકારના મઠ્ઠા) બનાવું છું. વાર્ષિક ૨૫ હજારથી ૩૫ હજાર કિલો શ્રીખંડનું વેચાણ કરીએ છીએ. બારડોલી, મહુવા, કામરેજ સહિત સુરત શહેર, અમદાવાદ, ગાંધીનગર સુધી શ્રીખંડ અને મઠ્ઠાની માંગ છે, વિદેશમાં યુ.કે., યુ.એસ., કેનેડા જેવા દેશોમાં પણ અમારા ડેરીફાર્મના શુદ્ધ દૂધમાંથી બનાવેલા શ્રીખંડ, મઠ્ઠા, મીઠાઈની નિકાસ કરીને ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે.
પિતાજી ખંડુભાઈ વર્ષના અમુક મહિના અમરિકામાં રહેતી પુત્રીઓ પાસે વિતાવે છે, જેથી પિતાના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૧૫ વર્ષથી પશુપાલનનો વ્યવસાય સાંભળી રહ્યો છું એમ જણાવી વધુમાં તેઓ ઉમેરે છે કે, એક વર્ષ સુધી ન બગડતા મકાઇના સાઈલેજ તેમજ રજકો, ઘાસ, ગ્રીન ફીડ, મિનરલ પાવડર, પાલનપુરનું ફેટકિંગ મિક્સ પશુદાણ ભેંસોને આપીએ છીએ. ભેંસોને બેલેન્સ્ડ ન્યુટ્રીશન મળે એ માટે નિયત વજન પ્રમાણે યોગ્ય માત્રામાં દિવસમાં બે વાર ભેંસોને નવડાવી સાફ કરીએ છીએ. તબેલામાં મચ્છર અને માખીનો ઉપદ્રવ બિલકુલ નથી, કારણ કે નિયમિતપણે એન્ટી મોસ્કીટો દવાનો છંટકાવ કરીએ છીએ. વ્યવસ્થિત સંભાળના કારણે પશુઓ તંદુરસ્ત રહે છે અને દૂધની ગુણવત્તા ઉત્તમ રહે છે.
દરરોજ વહેલી સવારે ૪.૦૦ વાગ્યે અને સાંજે ૫.૦૦ વાગ્યે એમ દિવસમાં બે ટાઈમ ભેંસો દોહવામાં આવે છે. મારી કોઈ પણ ભેંસના દૂધનું ફેટ ૭.૫૦ થી નીચે આવતું નથી. સુમુલ ડેરી દ્વારા તબેલાના વિસ્તરણ અને નવી ભેંસો ખરીદવા માટે સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપ.બેંકમાંથી રૂ.બે કરોડની લોન લીધી હતી, જે પશુપાલન વ્યવસાયમાં પ્રગતિ માટે ખૂબ ઉપયોગી બની છે. તબેલાનું ગોબર અને મૂત્ર ઉત્તમ ફર્ટીલાઈઝર હોવાથી પોતાની ખેતીની જમીનમાં ઉપયોગ કરતા હોવાનું જણાવ્યું હતું.

ખંડુભાઈ અને પુત્ર પપ્પુભાઈ પશુપાલકોને સંદેશ આપતા કહે છે કે, પશુઓને યોગ્ય ચારો આપો. નિયમિત રસીકરણ અને સારસંભાળ રાખો. વૈજ્ઞાનિક અભિગમ સાથે સેક્સ સીમનનો ઉપયોગ કરીને ઉત્તમ ઓલાદ મેળવો. દુધની ગુણવત્તા સાથે ક્યારેય બાંધછોડ ન કરો.
પશુપાલકનો સાયન્ટિફિક અભિગમ: સમયસર રસીકરણ અને સેક્સ્ડ સોર્ટેડ સિમેનનો કરે છે ઉપયોગ
પપ્પુભાઈએ અન્ય પશુપાલકોને ભલામણ કરતા કહ્યું કે, પશુપાલનમાં હવે ટેકનોલોજી અપનાવવી જરૂરી છે. મેં ભેંસોમાં ‘સેક્સ્ડ સોર્ટેડ સિમેન’નો પ્રયોગ કર્યો, જેમાં ૧૧ માંથી ૬ ભેંસોમાં સફળ પરિણામ મળ્યું છે. આ પદ્ધતિથી સારી ઓલાદની પાડીઓ જન્મે છે, જે ભવિષ્યમાં દૂધનું ઉત્પાદન અને પશુપાલકની આવક બમણી કરવામાં મદદરૂપ થાય છે. તેઓ કહે છે કે, ભેંસોના સ્વાસ્થ્ય અને દૂધના ઉત્પાદનને જાળવી રાખવા માટે સમયસર રસીકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે.અમે પશુઓને સ્વસ્થ રાખવા માટે ગળસુંડા, ડિવોર્મિંગ, ખરવા-મોવાસા, ચેપી ગર્ભપાત જેવી રસીઓ મૂકાવીએ છીએ. ખાસ કરીને એમ્બીપ્લેક્સ, લિવોટોનિક દવાઓને દર મહિનાની ૧ થી ૭ તારીખ દરમિયાન પશુદાણ સાથે મિક્સ કરીને આપીએ છીએ. જેથી ભેંસો સ્વસ્થ-નિરોગી અને પાચનક્રિયા યોગ્ય રહે.
આમ, પશુપાલન ક્ષેત્રે જ્યારે પરંપરાગત પદ્ધતિઓને છોડીને આધુનિક મેનેજમેન્ટ અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવે, ત્યારે તે માત્ર વ્યવસાય નહીં પણ એક ‘સફળ મોડેલ’ બની જાય છે, જેનું જીવંત ઉદાહરણ ડુંગરી ગામના પશુપાલક પિતા-પુત્રએ પૂરૂ પાડ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button