“કામ અને જીવનમાં સંતુલન ત્યારે જ આવે જ્યારે મનગમતી પ્રવૃત્તિ કરતા હોવ” : ગૌતમ અદાણી
“કામ અને જીવનમાં સંતુલન ત્યારે જ આવે જ્યારે મનગમતી પ્રવૃત્તિ કરતા હોવ” : ગૌતમ અદાણી
અમદાવાદ : ઈન્ફ્રામેન ઓફ ઈન્ડિયા તરીકે જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વર્ક-લાઇફ બેલેન્સ સહિત વિવિધ વિષયો પર પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. દિલ્હી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમના જીવનની અનેક અકથિત બાબતો વિશે જણાવ્યું હતું. પોર્ટથી લઈને એરપોર્ટ સુધી વિસ્તરેલા બિઝનેસને સંભાળતા ગૌતમભાઈએ ANIને આપેલા એક ઈન્ટર્વ્યુમાં ધારાવીને ગૌરવ પ્રદાન કરવાની નેમ પણ વ્યક્ત કરી હતી.
ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે “ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું એ સૌથી અઘરું કામ છે. જો તે સરળ હોત, તો દરેક વ્યક્તિએ તે કર્યું હોત. જો તમે સંપૂર્ણપણે એન્ગેજ્ડ ન હોવ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ શક્ય નથી”. તેમણે ઉમેર્યુ હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસમાં રોકાણ પર વળતર નોંધપાત્ર સમય લે છે, તેમાં ધીરજની જરૂર છે. અદાણી ગ્રૂપના ચેરમેને જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપ બંદરોથી એરપોર્ટ, સિમેન્ટથી ટ્રાન્સમિશન લાઇન અને ખાદ્ય તેલથી સૌર ઉર્જા પ્રોજેક્ટ્સનું નિર્માણ કરી રહ્યું છે.
મુંબઈના ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે વાત કરતા ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે “વ્યક્તિગત રીતે જૂથના દૃષ્ટિકોણથી નહીં, મારા સ્તરે પણ, હું હંમેશા વિચારતો રહું છું કે આ (ધારાવી) પ્રોજેક્ટ વારસો બનાવી શકે છે. આપણે કેવી રીતે 10 લાખ લોકોને ગૌરવ પ્રદાન કરી શકીએ? ભૂતકાળમાં ત્રણ વખત તેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ 40 વર્ષ નિષ્ફળ ગયા”.
ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેમના જૂથે ઘણી અવિશ્વસનીય બાબતો શક્ય બનાવી છે અને તેઓ હવે ધારાવી પ્રોજેક્ટને પુનઃવિકાસ કરવા ઈચ્છે છે. તેમણે ઉમેર્યુ હતું કે “હું 62 વર્ષનો છું, અને જ્યારે હું આગામી 5-10 વર્ષમાં નિવૃત્ત થઈશ, ત્યારે હું તેને વાસ્તવિકતા બનાવવા માંગુ છું, જેથી ધારાવીના 10 લાખ લોકો આગામી 50 વર્ષ સુધી તે યાદ રાખે”.