ફ્રુટ અને વેજિટેબલનો કચરો ‘વેસ્ટ નહીં પણ વેલ્થ’ છે:

‘કચરામાંથી કંચન’ના હેતુ સાથે સુરતમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં મંથન
ફ્રુટ અને વેજિટેબલનો કચરો ‘વેસ્ટ નહીં પણ વેલ્થ’ છે:
ફ્રુટ અને શાકભાજીના વેસ્ટમાંથી બાયો-CNG પ્લાન્ટ સ્થાપી સુરત APMCએ દુનિયાને બાયો સર્ક્યુલર ઇકોનોમીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યું : APMC ચેરમેન અને ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ

‘શેપિંગ ધ ફ્યુચર ફોર ટ્રાન્સફોર્મિંગ ફૂડ લોસ એન્ડ વેસ્ટ’ વિષય પર સુરત ખાતે બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ
સુરત એપીએમસી, યુનિયન ઓફ વર્લ્ડ હોલસેલ માર્કેટ અને COSAMB- નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે તા.૨૧ અને ૨૨ જાન્યુ.ના રોજ સુરતમાં ‘શેપિંગ ધ ફ્યુચર ફોર ટ્રાન્સફોર્મિંગ ફૂડ લોસ એન્ડ વેસ્ટ’ વિષય પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું છે, જેમાં સુરતમાં દેશ-વિદેશના ૧૦૦ થી વધુ મહાનુભાવોએ ઉપસ્થિત રહી ‘કચરામાંથી કંચન’ના હેતુ સાથે ફ્રુટ અને વેજીટેબલનો કચરાના રિસાયકલિંગ અને ફૂડ લોસ મેનેજમેન્ટ અંગે વિચાર મંથન કર્યું હતું.
કોન્ફરન્સના પ્રથમ દિવસે સુરત APMC ચેરમેન અને ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, મેયર દક્ષેશભાઈ માવાણી, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) ના ભારતના પ્રતિનિધિ શ્રી તાકાયુકી હાગીવાડા, COSAMB ના અધ્યક્ષ શ્રી હરચંદસિંહ બરસટ, એગ્રીકલ્ચર એન્ડ હેલ્થ રિજનલ ઇકોનોમી ડિપારમેન્ટ અંતર્ગત ફ્રાન્સના રાજદ્વારી શ્રીમતી મૌલશ્રી ડાગર, પેસેફિક રિજનલ ગ્રુપ ઓફ વર્લ્ડ યુનિયન ઓફ હોલસેલ માર્કેટ્સ (TBC) ના અધ્યક્ષ શ્રી મા ઝેંગજૂન સહિત ૧૪ દેશના પ્રતિનિધિઓ, ૯ રાજ્યના એગ્રીકલ્ચર માર્કેટિંગ બોર્ડના અધ્યક્ષો અને મેનેજીંગ ડિરેક્ટરોએ આ રિજિયોનલ સિમ્પોઝીયમમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા.
સુરત APMC ચેરમેન અને ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા ક્ષેત્રે દેશભરમાં નંબર વન સ્થાન મેળવનાર સુરત શહેર હવે પર્યાવરણ સંરક્ષણ અને ફૂડ વેસ્ટ મેનેજમેન્ટના ક્ષેત્રે પણ વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવવા જઈ રહ્યું છે. સુરત APMCમાં હાલ કચરો અને શાકભાજીના વેસ્ટમાંથી બાયો-CNGનું ઉત્પાદન કરવામાં આવે છે. કોઈ સહકારી સંસ્થા દ્વારા સંચાલિત રાજ્યમાં સૌપ્રથમ આ પ્રકારનો પ્લાન્ટ સુરત એપીએમસીમાં સ્થાપિત થયો હતો. આજે આ મોડલ માત્ર ગુજરાત કે ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે માર્ગદર્શક બનવાની ક્ષમતા ધરાવે છે. શાકભાજીના કચરામાંથી બાયોગેસ બનાવી તેને બાયો-CNG અને તેમજ બાયો ફર્ટીલાઈઝરમાં રૂપાંતરિત કરી તેનું વેચાણ કરી આવક મેળવવામાં આવે છે.
ફ્રુટ અને વેજિટેબલનો કચરો ‘વેસ્ટ નહીં પણ વેલ્થ’ છે એમ જણાવતા શ્રી દેસાઈએ કહ્યું કે, સુરત APMC પ્રતિ દિન ૫૦ ટન વેજિટેબલ વેસ્ટમાંથી બાયોગેસ બનાવે છે, જેના કારણે દર વર્ષે ૭૫૦૦ ટન મિથેન ઉત્સર્જનમાં ઘટાડો થાય છે.
કોન્ફરન્સમાં વિવિધ તજજ્ઞોએ પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતાં, જેના નિષ્કર્ષ મુજબ ફૂડ વેસ્ટમાંથી ફ્યુચર ફ્યુઅલ (બળતણ) બનાવવા માટે સુરત APMC નું આ મોડેલ આગામી સમયમાં ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં મહત્વની ભૂમિકા ભજવશે. ઉપસ્થિત નિષ્ણાતોએ સુરતનું ‘ફૂડ વેસ્ટ ટુ ફ્યુચર ફ્યુઅલ’ મોડેલને વૈશ્વિક સ્તરે અમલમાં મૂકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ભારતભરના વિવિધ માર્કેટિંગ બોર્ડના ચેરમેન અને એમ.ડી.ઓએ આ પ્લેટફોર્મ પરથી ખેડૂતો અને બજાર વચ્ચે ફૂડ લોસ ઘટાડવાની નવી ટેકનોલોજી વિષે ચર્ચાવિચારણા કરી હતી.
વિવિધ સત્રમાં ‘ક્લાઈમેટ-રેઝિલિયન્ટ’ સિસ્ટમ વિકસાવવી જરૂરી છે એવો સામૂહિક મત વ્યક્ત કરી તજજ્ઞોએ કચરામાંથી ઊર્જા (વેસ્ટ ટુ એનર્જી) ઉત્પન્ન કરવી, ખાદ્ય પદાર્થોના ટ્રેકિંગ માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવો, કૃષિ બગાડ અટકાવવો અને હેલ્થ, હાઈજીન, ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા સામૂહિક જાગૃતિ લાવવી એ સમયની માંગ હોવાનો મત વ્યક્ત કર્યો હતો.



