‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ સાંસદ પ્રભુભાઈ વસાવાની આગેવાનીમાં પલસાણા તાલુકામાં મહાસફાઈ અભિયાન યોજાયું

‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ સાંસદ પ્રભુભાઈ વસાવાની આગેવાનીમાં પલસાણા તાલુકામાં મહાસફાઈ અભિયાન યોજાયું
વરેલી, તાતીથૈયા અને કડોદરા કેનાલ ખાતે મોટા પાયે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી
૦૮ જે.સી.બી., ૧૨ ટ્રક, હિટાચી, ટ્રેક્ટરો, ડમ્પર સહિતના સાધનોનો ઉપયોગ: સામૂહિક સફાઈ અભિયાનથી સ્વચ્છતાનો સંદેશ
સુરત :‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ અંતર્ગત બારડોલીના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની આગેવાની હેઠળ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી, તાતીથૈયા અને કડોદરા કેનાલ ખાતે સમગ્ર દિવસ દરમિયાન મોટા પાયે મહાસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને મોટા પ્રમાણમાં કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
મહાસફાઈ અભિયાનને અસરકારક રીતે પૂર્ણ કરવા માટે ક્વોરી એસોસિએશન અને નેશનલ હાઇવે ઓથોરિટીના સહયોગથી ૦૮ જે.સી.બી., ૧૨ ટ્રક, હિટાચી, ટ્રેક્ટરો, ડમ્પર સહિતના સાધન-સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિવસભર ચાલેલી આ કામગીરી દરમિયાન સફાઈ માટે જરૂરી સંસાધનોની મદદથી મોટા પાયે સફાઈ હાથ ધરી હતી. અધિકારી- પદાધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોની સહભાગિતાએ સામૂહિક પ્રયાસો દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
આ અભિયાનમાં જિ.પંચાયતના પ્રમુખશ્રી સમીરભાઈ મોદી, જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી. પ્રજાપતિ, પલસાણા તા. પંચાયત પ્રમુખ અશ્વિની કુમારી, સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. સૌએ સાથે મળીને જાહેર સ્થળો અને કેનાલ આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરીમાં જોડાઈ સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો.
સાંસદ તથા કલેકટરશ્રીએ સૌને સ્વચ્છતા માત્ર એક દિવસની પ્રવૃત્તિ નહીં, પરંતુ દૈનિક જીવનનો ભાગ બને તે માટે સૌએ પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવાનો અનુરોધ કર્યો હતો. જાહેર સ્થળોએ કચરો ન નાખતા ડોર ટુ ડોર કચરાની ગાડીઓમાં કચરાનો નિકાલ કરવાનો અનુરોધ કર્યો હતો.



