ગુજરાત
ઉચ્છલ પાસે કન્ટેનર ઝાડ સાથે અથડાયું, યુવકનું મોત

- ઉચ્છલ પાસે કન્ટેનર ઝાડ સાથે અથડાયું, યુવકનું મોત
- માણેકપુરની સીમમાં મોડી રાત્રે અકસ્માત; અન્ય યુવક ગંભીર ઇજાગ્રસ્ત, કન્ટેનર ચાલક સામે ગુનો નોંધાયો
- ઉચ્છલ: તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં માણેકપુર ગામની સીમમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે-80 પર મોડી રાત્રે કન્ટેનર ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કન્ટેનરમાં સવાર 29 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય 24 વર્ષીય યુવકને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયો હતો. બનાવ અંગે ઉચ્છલ પોલીસે કન્ટેનર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, 21 સપ્ટેમ્બરની રાત્રે આશરે 1 વાગ્યે ટાટા કંપનીનું કન્ટેનર (નં. NL-01-AA-2385) ઉચ્છલથી નિઝર તરફ જઈ રહ્યું હતું. કન્ટેનર ચાલક ભુપેન્દ્રસિંહ મેહરબાનસિંહ, રહે. કવડી ગામ, દેવાસ (મધ્યપ્રદેશ), વાહન ચલાવી રહ્યો હતો. દરમિયાન સામેથી આવતા ટ્રાવેલ્સના ચાલકે ડીપર મારતાં કન્ટેનર ચાલકની આંખો અંજાઈ ગઈ હતી.ચાલકે કન્ટેનરને રોડની ડાબી તરફ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કન્ટેનર રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાયું હતું. અથડામણમાં કન્ટેનરની ડાબી બાજુ બેઠેલા ગોવિંદસિંહ તુફાનસિંહ મકવાણા (29) કન્ટેનર અને ઝાડ વચ્ચે દબાઈ ગયા હતા. ગંભીર ઇજાઓના પગલે તેમનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે શિવરાજસિંહ રાજેન્દ્રસિંહ ચાવડા (24)ને માથા અને કપાળના ભાગે ઇજાઓ થઈ હતી. મૃતકના સંબંધી જોજનસિંહ લાખનસિંહ પવારે ઉચ્છલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે BNSની કલમ 281, 125(એ), 125(બી), 106(1) તેમજ એમ.વી. એક્ટની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધ્યો છે. WHC આશાબેન ખિમજીભાઈએ ગુનો દાખલ કર્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર વી.યુ. પાડવી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતની તપાસ માટે FSL વાન અને ક્રાઇમ સીન મેનેજરને પણ જાણ કરવામાં આવી છે.



