નવચેતન અદાણી વિદ્યાલયે ‘વિશ્વ ટપાલ દિવસ’ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે પત્રલેખન પ્રવૃત્તિનું આયોજન કર્યું

નવચેતન અદાણી વિદ્યાલયે ‘વિશ્વ ટપાલ દિવસ’ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે પત્રલેખન પ્રવૃત્તિનું આયોજન કર્યું

હજીરા, સુરત: વિદ્યાર્થીઓમાં પરંપરાગત પત્રલેખન પ્રત્યે રુચિ કેળવવા અને ડિજિટલ યુગમાં ટપાલ સેવાની ઉપયોગિતા સમજાવવાના આશયથી જુનાગામ સ્થિત નવચેતન અદાણી વિદ્યાલય ખાતે ‘વિશ્વ ટપાલ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ શૈક્ષણિક પ્રવૃત્તિમાં શાળાના ધોરણ ૩ અને ૪ ના વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા સુંવાલી પોસ્ટ ઓફિસના બ્રાન્ચ પોસ્ટ માસ્ટર શ્રીમતી જીનલબેન પટેલે ભારતીય ટપાલ વિભાગના ઇતિહાસ અને આધુનિક ગ્રાહકલક્ષી સેવાઓ વિશે વિદ્યાર્થીઓને સરળ શૈલીમાં માર્ગદર્શન આપ્યું હતું. પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ પોસ્ટલ ટિકિટો, સરનામું લખવાની રીત અને બચત યોજનાઓ સહિત પોસ્ટ ઓફિસની પ્રવૃતિની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી.
ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓએ પોસ્ટકાર્ડ મેળવી પોતાના માતા-પિતાને સંબોધીને સ્નેહપત્ર લખ્યા હતા અને શાળા પરિસરમાં રાખેલી ટપાલપેટીમાં સ્વહસ્તે પોસ્ટ કર્યા હતા. આ કાર્યક્રમનો હેતુ નવી પેઢીને ડિજિટલ સંચાર ઉપરાંત લાગણીઓ વ્યક્ત કરવાના આ પરંપરાગત અને સચોટ માધ્યમથી પરિચિત કરાવવાનો છે, જેથી તેમનામાં વ્યવહારુ કૌશલ્યોનો વિકાસ થાય.



