દેશ

તહેવારોની મોસમમાં કેરળ ટૂરિઝમને પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની આશા

વિવિધ પ્રવાસન અનુભવો, હરિયાળા પ્રાકૃતિક નજારા અને મનમોહક કુદરતી સૌંદર્ય સાથે આ તહેવારોની મોસમમાં ગુજરાતના પ્રવાસીઓ માટે કેરળમ એક આદર્શ પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે.

સુરત : દશેરા અને દિવાળીની રજાઓ સાથે દેશના મુખ્ય પ્રવાસન સમયગાળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે કેરળ ટૂરિઝમે પશ્ચિમ અને ઉત્તર ભારતનાં રાજ્યોમાં પાર્ટનરશિપ મીટ્સ અને રોડ શો સહિતનું વ્યાપક તહેવારલક્ષી પ્રવાસન અભિયાન શરૂ કર્યું છે. આ પાર્ટનરશિપ મીટ્સના માધ્યમથી કેરળમને એક અગ્રણી અનુભવલક્ષી પ્રવાસન સ્થળ તરીકે રજૂ કરવામાં આવશે. આ સાથે પ્રવાસીઓ માટે આકર્ષક ટૂર પેકેજ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રવાસન ક્ષેત્રે પહોંચ વધારવાના પ્રયાસોના ભાગરૂપે કેરળ ટૂરિઝમે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાનમાં પ્રી-સીઝન ટૂરિઝમ B2B પાર્ટનરશિપ મીટ્સનું આયોજન કર્યું હતું. આ બેઠકોમાં કેરળમની વિશિષ્ટતાઓ અને તેને એક આકર્ષક હોલિડે ડેસ્ટિનેશન બનાવતા વિવિધ પ્રવાસન અનુભવોની માહિતી રજૂ કરવામાં આવી હતી. સુરતમાં યોજાયેલી B2B મીટમાં કેરળના આશરે 45 પ્રવાસન ક્ષેત્રના હિતધારકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ટ્રાવેલ ટ્રેડ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ કરીને આકર્ષક ઓફર્સ અને હોલિડે પેકેજ રજૂ કર્યાં હતાં.
આ પેકેજમાં છ રાત્રિ અને સાત દિવસના પ્રવાસ દરમિયાન કેરળમના વિવિધ પ્રવાસન સ્થળોનો અનુભવ કરાવવાની વિશેષતા છે. જેમાં રમણીય દરિયાકિનારા, શાંત બેકવોટર્સ, મનમોહક હિલ સ્ટેશન્સ અને આકર્ષક જંગલો ઉપરાંત સમગ્ર રાજ્યમાં પથરાયેલાં કુદરતી સૌંદર્યનો સમાવેશ થાય છે. તાજેતરના પ્રવાસન આંકડા અને વલણો અનુસાર, કેરળમાં સમગ્ર વર્ષ દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (Q1) રાજ્યમાં સ્થાનિક પ્રવાસીઓના આગમનમાં વર્ષ 2025ના સમાન ગાળાની સરખામણીએ 10.98 ટકાનો વધારો નોંધાયો છે.
કેરળના પ્રવાસન મંત્રી પી.સી. વિષ્ણુનાથએ જણાવ્યું હતું કે, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કેરળને એક અગ્રણી અનુભવલક્ષી પ્રવાસન કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની રાજ્યની વ્યૂહાત્મક પહેલને વધુ મજબૂત બનાવવાનો છે. તેના દ્વારા સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના વેકેશનના અનુભવને વધુ સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં પ્રવાસન ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપવાનો નિર્ણય પણ આ દિશામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. તેનાથી પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા હિતધારકોને તેમના ટૂર પેકેજમાં નવા પ્રયોગો અને ફેરફારો કરવાની વધુ તકો મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવાનો છે. આ સમયગાળામાં દશેરા અને દિવાળીની રજાઓ આવતી હોવાથી પ્રવાસન માટે વિશેષ સંભાવનાઓ રહેલી છે. સંસ્કૃતિ, વારસો, ધાર્મિક સ્થળો અને શાંત દરિયાકિનારાથી લઈને વન્યજીવનનાં સ્થળો તથા વિવિધ વાનગીઓના સ્વાદિષ્ટ અનુભવ સુધી કેરળમ પ્રવાસીઓને એક અનોખો, સંપૂર્ણ અને યાદગાર પ્રવાસન અનુભવ પ્રદાન કરે છે.”
કેરળ ટૂરિઝમે 6 ઓક્ટોબર, 2026ના રોજ કેરળના વાયનાડ જિલ્લાના વિથિરી ખાતે ‘બ્રાન્ડ વાયનાડ’ પહેલનો પ્રારંભ કર્યો હતો. આ પહેલનો ઉદ્દેશ્ય વાયનાડની કુદરતી સુંદરતા, કૃષિ અને ઐતિહાસિક વારસા સાથે સંકળાયેલાં આકર્ષણો તથા સાંસ્કૃતિક પરંપરાઓને દેશ-વિદેશના પ્રવાસીઓ સમક્ષ રજૂ કરવાનો છે. આ પ્રસંગે પ્રવાસન મંત્રીએ રિસ્પોન્સિબલ ટૂરિઝમ મિશનના નવા ‘લાઇફ એક્સપિરિયન્સ ટ્રેલ્સ’ તેમજ થિરુનેલ્લી સર્કિટને આવરી લેતા ગાઇડેડ ટ્રાવેલ પ્રોગ્રામનો પણ પ્રારંભ કર્યો હતો. આ કાર્યક્રમમાં ચેકાડી ફાર્મની મુલાકાત અને કોફીનો વિશેષ અનુભવ પણ સામેલ છે. આ પહેલ હેઠળ જવાબદાર પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલાં લેવામાં આવશે. સાથે જ હોમસ્ટેના નવીનીકરણ દ્વારા વાયનાડને સુરક્ષિત અને ટકાઉ વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું લક્ષ્ય છે. વાયનાડની કોફી, મસાલા, પરંપરાગત ચોખાની જાતો અને મધ ઉપરાંત સ્થાનિક ભોજન, કૃષિજીવન, આદિવાસી વારસો અને ગ્રામીણ જીવનના અનુભવોને પ્રવાસન સાથે જોડવામાં આવશે, તેમ મંત્રી વિષ્ણુનાથએ ઉમેર્યું હતું. આદિવાસી વારસાના સંરક્ષણના પ્રયાસોના ભાગરૂપે વાયનાડ સ્થિત ‘એન ઊરુ’ હેરિટેજ વિલેજનો વિસ્તાર કરવામાં આવશે. આ ઉપરાંત ટ્રાઇબલ યુનિવર્સિટી અને હેરિટેજ નોલેજ ઝોનની પણ સ્થાપના કરવામાં આવશે.
સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદ અને વડોદરામાં તેમજ ગયા મહિને મુંબઈ, પુણે, દિલ્હી અને જયપુરમાં યોજાયેલી B2B મીટ્સને મળેલા પ્રતિસાદ બાદ હવે ટ્રાવેલ ટ્રેડ નેટવર્કિંગની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આ અંતર્ગત ટ્રાવેલ ટ્રેડ ફેરમાં ભાગ લેવા ઉપરાંત B2B રોડ શોનું આયોજન કરવામાં આવશે, જેથી કેરળમના નવા પ્રવાસન ઉત્પાદનો અને અનુભવોને વધુ વ્યાપક પ્રેક્ષકવર્ગ સુધી પહોંચાડી શકાય. આ અભિયાનના પ્રચાર-પ્રસાર માટે ટેલિવિઝન, સોશિયલ મીડિયા, પ્રિન્ટ અને રેડિયો જેવા માધ્યમોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, મુંબઈ, પુણે, દિલ્હી, જયપુર અને સુરત ઉપરાંત નવેમ્બર મહિનામાં નાગપુરમાં પણ B2B મીટનું આયોજન કરવામાં આવશે. કેરળમને વૈશ્વિક સ્તરે એક અચૂક મુલાકાત લેવા જેવું પ્રવાસન સ્થળ તરીકે મળી રહેલી માન્યતાની પૃષ્ઠભૂમિમાં આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. લંડન સ્થિત પ્રતિષ્ઠિત પ્રવાસન માર્ગદર્શિકા ‘રફ ગાઇડ્સ’ના તાજેતરના અહેવાલમાં કેરળમને વર્ષ 2026માં મુલાકાત લેવા માટેનાં વિશ્વનાં ટોચનાં 26 પ્રવાસન સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે. અહેવાલમાં ‘ગોડ્સ ઓન કન્ટ્રી’ તરીકે ઓળખાતા કેરળને વર્ષ 2026નાં સૌથી વધુ પસંદગી પામતાં પ્રવાસન સ્થળોમાંનું એક ગણાવાયું છે.
તેવી જ રીતે, વિશ્વવિખ્યાત ટ્રાવેલ ગાઇડ ‘લોન્લી પ્લેનેટ’ના ‘2026ના 25 શ્રેષ્ઠ અનુભવો’ (25 Best Experiences in 2026) અહેવાલમાં કેરળમની વાનગીઓ અને ભોજન સંસ્કૃતિને વર્ષ 2026ના શ્રેષ્ઠ 25 પ્રવાસન અનુભવોમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મેળવનાર કેરળ ભારતનું એકમાત્ર રાજ્ય છે.
ગુજરાતમાં યોજાયેલી B2B મીટનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે ગુજરાત અને કેરળ વચ્ચે રેલવે તથા હવાઈ કનેક્ટિવિટી સારી છે. કેરળનાં કોચી, તિરુવનંતપુરમ, કોઝિકોડ અને કન્નુર સહિતનાં મુખ્ય એરપોર્ટ પરથી બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હી થઈને વન-સ્ટોપ ફ્લાઇટ્સની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત રેલવે દ્વારા પણ બંને રાજ્યો વચ્ચે સરળ અને સુગમ જોડાણ છે. આ પરિવહન સુવિધાઓને કારણે પ્રવાસીઓ, બિઝનેસ ટ્રાવેલર્સ અને અન્ય મુલાકાતીઓની અવરજવર વધુ સરળ બની રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button