ગુજરાત

દર્દીનારાયણની સેવામાં અનોખી પહેલ: નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ દર્દીઓ અને સ્પેશિયલ બાળકો સાથે ઉજવ્યો જન્મદિવસ

દર્દીનારાયણની સેવામાં અનોખી પહેલ: નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ દર્દીઓ અને સ્પેશિયલ બાળકો સાથે ઉજવ્યો જન્મદિવસ
ડી.ઇ.આઈ.સી.ના સ્પેશિયલ બાળકોને ડિજિટલ સ્લેટ, એજ્યુકેશન કીટ તેમજ ફ્રૂટ વિતરણ કરાયું
વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે ટી. એન્ડ ટી. વી. નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ માટે પ્રદર્શન ખુલ્લું મુકાયું
સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી પાર્ટી પ્લોટ કે હોટલોમાં કેક કાપીને કરવામાં આવતી હોય છે, પરંતુ આજના આધુનિક યુગમાં ગુજરાત રાજ્ય નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ પોતાના જન્મદિવસની ઉજવણી ‘દર્દીનારાયણ’ની સેવા સાથે કરીને સમાજમાં ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ, વૃદ્ધાશ્રમ અને ગૌશાળાની મુલાકાત લઈ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જન્મદિવસની સાચી સાર્થકતા સિદ્ધ કરી હતી.
આ વિશેષ અવસર પર સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર (DEIC) ના સ્પેશિયલ બાળકો સાથે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ બાળકોમાં કાર્ડ રીડર દ્વારા બૌદ્ધિક ક્ષમતા વધારવા, તેમજ શ્રાવ્ય અને દ્રશ્ય વિકાસ (Audio-Visual Development) સુધારવાના હેતુસર વિશેષ પ્રવૃત્તિઓ કરાઈ હતી. બાળકોને મોબાઈલથી અળગા રાખીને માનસિક પ્રવૃત્તિઓમાં વધારો કરી શકાય તે માટે તેમને ડિજિટલ સ્લેટ, એજ્યુકેશનલ કીટ તેમજ ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઈકબાલ કડીવાલાએ ઉપસ્થિત સૌને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, બધી જ બીમારી માનસિક નથી હોતી, અને જીવનમાં ગમે તેવી મુશ્કેલી કે કઠિન સમય આવે પરંતુ ક્યારેય આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવું જોઈએ નહીં. તેમણે ઉમેર્યું હતું કે ડિપ્રેશન કે માનસિક તણાવના સમયે ડર્યા વગર યોગ્ય કાઉન્સિલિંગ કરાવીને તેનું નિરાકરણ લાવી શકાય છે.
આ સાથે જ, વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે ટી. એન્ડ ટી. વી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ, સુરત દ્વારા સિંગણપોર અર્બન હેલ્થ સેન્ટર ખાતે એક જાગૃતિલક્ષી કાર્યક્રમ અને પ્રદર્શનનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના દ્વિતીય વર્ષના GNM ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૬ની વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની થીમ “Lived Experiences Heard: Real Voices, Real Change” (અનુભવોને સાંભળો, વાસ્તવિક અવાજો, વાસ્તવિક પરિવર્તન) રાખવામાં આવી હતી. આ થીમનો મુખ્ય હેતુ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત વ્યક્તિઓના અનુભવોને સાંભળવા, તેમની લાગણીઓ અને મુશ્કેલીઓને સમજીને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો છે.
આ સેવાકીય અને જાગૃતિ કાર્યક્રમમાં નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. પારૂલબેન વડગામા, આર.એમ.ઓ. ડૉ. લક્ષ્મણ ટહેલાણી, ડી.ઇ.આઈ.સી.ના ડૉ. હર્ષિતા પટેલ, ડૉ. જિગ્નેશ પટેલ, નર્સિંગ એસોસિએશનના નિલેશ લાઠીયા, જગદીશ બુહા, વિરેન પટેલ, સંજય પરમાર,બિપિન મેકવાન, ચેતન આહીર, આસિસ્ટન્ટ પ્રોફેસર મિસ ચિત્રા કંથારીયા તથા લેક્ચરર મિસ અંજલિ ભડકીવાલા સહિતના તબીબો, મેડિકલ ઓફિસર્સ અને નર્સિંગ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બાળકો સાથે આ અનોખી ઉજવણીમાં સહભાગી બન્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button