બિહાર વિકાસ પરિષદના દુર્ગા પૂજા મહોત્સવમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી સહિત મહાનુભાવોએ કર્યાં મા દુર્ગાનાં દર્શન

બિહાર વિકાસ પરિષદના દુર્ગા પૂજા મહોત્સવમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી સહિત મહાનુભાવોએ કર્યાં મા દુર્ગાનાં દર્શન
સુરતના રાંદેર વિસ્તારમાં યોજાઈ રહ્યો છે નવરાત્રિ મહોત્સવ; મહાનુભાવોએ આરતી અને પૂજા-અર્ચનામાં ભાગ લઈ માતાજીનાં આશીર્વાદ મેળવ્યા
સુરત: બિહાર વિકાસ પરિષદ, સુરત દ્વારા આયોજિત મા દુર્ગા પૂજા મહોત્સવનો 11 ઓક્ટોબર, 2026ના રોજ અભિજિત મુહૂર્તમાં કળશ પૂજન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત્ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક મહોત્સવનું આયોજન 20 ઓક્ટોબર, 2026 સુધી સિંધિ સમાજ વાડી, વિજય ગારમેન્ટની પાછળ, રામનગર, રાંદેર, સુરત ખાતે કરવામાં આવી રહ્યું છે.
મહોત્સવ અંતર્ગત દરરોજ સવારે 10 વાગ્યે અને સાંજે 8:30 વાગ્યે મા દુર્ગાની આરતી, પૂજા-અર્ચના તથા પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. સાંજની આરતીમાં શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહી માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવે છે.
12 ઓક્ટોબર, 2026ના રોજ યોજાયેલી સાંજની આરતી અને પૂજા-અર્ચનામાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશ મોદી, સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષનાં નેતા શ્રીમતી અલ્પાબેન જિતેશભાઈ મહેતા, શ્રી દિગ્વિજયસિંહ બરાડા સહિત અન્ય નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના આગમનથી મહોત્સવમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે મહાનુભાવોએ મા દુર્ગાનાં દર્શન કરી આરતી અને પૂજા-અર્ચનામાં ભાગ લીધો હતો. ભક્તિભાવથી ભરપૂર વાતાવરણમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ પણ માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
મહોત્સવ દરમિયાન ભક્તિમય ભજન સંધ્યા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમો દ્વારા શ્રદ્ધાળુઓને ધાર્મિક આસ્થા, ભક્તિ અને ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓ સાથે જોડાવાની તક મળી રહી છે.
બિહાર વિકાસ પરિષદ, સુરત દ્વારા શહેરના તમામ નાગરિકો, શ્રદ્ધાળુઓ અને ધર્મપ્રેમી લોકોને મોટી સંખ્યામાં મહોત્સવમાં ઉપસ્થિત રહેવા અને મા દુર્ગાનાં આશીર્વાદ મેળવવા અપીલ કરવામાં આવી છે.



