મુખ્યમંત્રીશ્રીએ સુરતવાસીઓને રૂ.૪૧૦ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી

મુખ્યમંત્રીશ્રીએ સુરતવાસીઓને રૂ.૪૧૦ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી
સુરત મહાનગરપાલિકા, સુડા અને જિલ્લા વહીવટીતંત્રના રૂ.૨૧૧.૬૫ કરોડના ૩૭ કામોનું લોકાર્પણ અને રૂ. ૧૯૮.૭૨ કરોડના ૧૩ કામોનું ખાતમુહૂર્ત:
સુરત શહેરી વિકાસનું રોલ મોડેલ: વર્ષ ૨૦૪૭ સુધીમાં ગુજરાતને ૩.૫ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવામાં સુરતનું સૌથી મોટું યોગદાન હશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીશ્રી
વડાપ્રધાનશ્રીએ શહેરીકરણને પડકાર નહીં, પણ તકના રૂપમાં સ્વીકાર્યું, પરિણામે આજે શહેરો વિકાસના એન્જિન બન્યા
સુરતમાં દેશનો સૌથી લાંબો ૧૧૫ કિલોમીટરનો BRTS કોરિડોર ૧૦૦ ટકા ઇલેક્ટ્રિક બસો સાથે ગ્રીન કોરિડોર બન્યો છે
સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના દેશમાં પ્લાન્ડ સિટી ડેવલપમેન્ટની દિશાદર્શક યોજના બની: આ યોજના હેઠળ છેલ્લા ચાર વર્ષમાં સુરતને રૂ. ૪,૩૬૩ કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવાઈ
વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ટકા રિન્યુએબલ એનર્જી માટે રૂ.૮૦૦ કરોડના રોડમેપ તૈયાર કરવા બદલ સુરત મહાનગરપાલિકાને બિરદાવતા મુખ્યમંત્રીશ્રી
સુરતમાં ગંદા પાણીના શુધ્ધિકરણનું સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું મોડેલ સમગ્ર દેશમાં બેન્ચમાર્ક સાબિત થયું છે: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલ
સુરત:રવિવાર: શરદ પૂર્ણિમાના પાવન અવસરે સુરત મહાનગરપાલિકા, સુડા અને જિલ્લા વહીવટીતંત્રના રૂ.૨૧૧.૬૫ કરોડના ૩૭ કામોનું લોકાર્પણ અને રૂ. ૧૯૮.૭૨ કરોડના ૧૩ કામોનું ખાતમુહૂર્ત કરી સુરતવાસીઓને કુલ રૂ.૪૧૦ કરોડના વિકાસકામોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ માટે સુરત શહેરી વિકાસનું રોલ મોડેલ બન્યું છે. સુરતને વધુ સુવિધાસભર, સ્વચ્છ, હરિયાળું અને ફ્યુચર રેડી સિટી બનાવવાનો અમારા સામૂહિક પ્રયાસો છે. ૨૦૪૭ સુધીમાં ગુજરાતને ૩.૫ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવામાં સુરતનું સૌથી મોટું યોગદાન હશે.
કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં સંજીવકુમાર ઓડિટોરિયમ-પાલ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, સુરત જેવા શહેરો દેશની આર્થિક ગતિશીલતાના કેન્દ્રો છે, જે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ તરફની યાત્રામાં નેતૃત્વ આપતા રહેશે. આજે સુરતને મળેલા રૂ.૪૧૦ કરોડના વિકાસ કામો શહેરીજનોના ‘ઈઝ ઓફ લિવિંગ’માં વધારો કરશે. આ કામોથી સુરત શહેર અને જિલ્લાને આરોગ્ય, શિક્ષણ, આવાસ તથા માળખાકીય સુવિધાઓનો લાભ મળશે.
વડાપ્રધાનશ્રીએ સુરતને ‘મિની ભારત’ની ઉપમા આપી છે એનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરત દેશમાં સૌથી ઝડપથી વિકસતા શહેર તરીકે ખ્યાતિ પામ્યું છે અને ઔદ્યોગિક વિકાસને કારણે દેશના મોટાભાગના રાજ્યોના લોકો માટે સુરત રોજગાર-વ્યવસાય માટેની પ્રથમ પસંદગીનું શહેર છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ શહેરીકરણને પડકાર નહીં, પણ તકના રૂપમાં સ્વીકારી હોલિસ્ટિક સિટી ડેવલપમેન્ટનું મોડેલ અપનાવ્યું છે, જેના પરિણામે શહેરો વિકાસના એન્જિન બન્યા છે. વડાપ્રધાનશ્રીના જનસેવા અને રાષ્ટ્ર માટેના સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થયા છે, આ દરમિયાન તેમણે વિકાસની રાજનીતિ અને સામાન્ય માનવીને કેન્દ્રમાં રાખી દેશને ‘ગુડ ગવર્નન્સ’ની નવી દિશા આપી છે.
તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૧০માં ગુજરાતની સ્થાપનાના ૫૦ વર્ષ નિમિત્તે જાહેર કરાયેલી મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના દેશમાં પ્લાન્ડ સિટી ડેવલપમેન્ટની દિશાદર્શક યોજના બની છે. આ યોજના હેઠળ છેલ્લા ચાર વર્ષમાં સુરત શહેરને રૂ. ૪,૩૬૩ કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવાઈ છે. ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ના મંત્ર સાથે ૨૦૨૫માં શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી બજેટમાં ૪૦ ટકાનો વધારો કરીને બજેટમાં રૂ. ૩૦,૦૦૦ કરોડ માત્ર શહેરી વિકાસ માટે રાજ્ય સરકારે ફાળવ્યા છે.
સુરતમાં ચંદની પડવાનું પર્વ સૌની પ્રિય એવી ઘારીની મીઠાશ સાથે ઉજવાશે, ત્યારે આજે સુરત આવી જ મીઠાશ અને ઉમંગ સાથે વિકાસ પર્વ ઉજવી રહ્યું છે એમ જણાવી તેમણે વધુમાં કહ્યું કે, ‘ક્લીન અને ગ્રીન સુરત’ની નેમ સાથે સુરતમાં દેશનો સૌથી લાંબો ૧૧૫ કિલોમીટરનો BRTS કોરિડોર ૧૦૦ ટકા ઇલેક્ટ્રિક બસો સાથે ગ્રીન કોરિડોર બન્યો છે. સુરતમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યાં BRTS, મેટ્રો ટ્રેન અને સિટી બસની કનેક્ટિવિટી એક જ સ્થળેથી મળશે અને સ્થાનિક પરિવહન સુવિધાને સરળ અને સુગમ બનાવશે.
વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ટકા રિન્યુએબલ એનર્જી માટે સુરત મહાનગરપાલિકાએ અંદાજે રૂ. ૮૦૦ કરોડનો રોડમેપ તૈયાર કર્યો છે, ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના પ્રયાસોથી “કેચ ધ રેઇન” અભિયાન અંતર્ગત વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે સુરતે ઉમદા કાર્ય કરી જળ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ દેશને પૂરું પાડ્યું છે એમ જણાવી શહેરીજનો અને મનપાને અભિનંદન પાઠવ્યા હતા.
સુરત જેવા આર્થિક ગતિવિધિના કેન્દ્રો ૨૦૪૭ સુધીમાં કેવા હશે તેનું અત્યારથી આયોજન કરી નીતિ આયોગે સુરત અને આસપાસના જિલ્લાઓને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન બનાવી ‘સુરત ઇકોનોમિક રિજીયન’ના રૂપમાં સ્થાનિક વિકાસ માટેની આગવી પહેલ કરી છે. ગુજરાતને ૨૦૪૭ સુધીમાં ૩.૫ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી સાથે ૩૪ લાખ નવી રોજગારીનું સર્જન કરવાનો લક્ષ્યાંક છે એમ મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવા ‘વિકસિત સુરતથી વિકસિત ગુજરાત અને વિકસિત ભારત’ના નિર્માણ માટે સૌને સાથે મળી કામ કરવા આહ્વાન કર્યું હતું.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલે જણાવ્યું કે, વિકાસની હરણફાળ ભરી રહેલું સુરત શહેર અને સુરત મહાનગરપાલિકા સમગ્ર દેશ માટે પથદર્શક બન્યા છે. સુરતમાં ગંદા પાણીના શુદ્ધિકરણનું સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ- STP મોડેલ આજે સમગ્ર દેશમાં એક બેન્ચમાર્ક સાબિત થયું છે. ‘વેસ્ટમાંથી બેસ્ટ’ અને ‘ટ્રિપલ R: રિડયુસ, રિસાયકલ અને રિયુઝ’ આધારિત આ પ્લાન્ટ દ્વારા કોસ્ટ કટિંગની સાથે સુરત મનપાએ આવકનો નવો સ્ત્રોત ઉભો કર્યો છે. સુરતના આ જ સફળ મોડેલથી પ્રેરણા મેળવીને હવે ‘નમામિ ગંગે’ પ્રોજેક્ટ હેઠળ ૪ થી ૫ કરોડના બદલે માત્ર ૧.૫ કરોડની લાગતના STP સ્થપાયા છે. સુરતના આ મોડેલને અપનાવીને નવા એસ.ટી.પી પ્લાન્ટ્સ દ્વારા અંદાજે રૂ.૧૧ હજાર કરોડની માતબર રકમની બચત કરવામાં આવી છે. જેને ધ્યાને લેતા વડાપ્રધાનશ્રીએ ની દિલ્હી જળશક્તિ બોર્ડ સહિત સમગ્ર દેશમાં આ મોડેલ લાગુ કરવાની હાકલ કરી છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીના દૂરંદેશી નેતૃત્વને કારણે દેશભરમાં લોકભાગીદારીથી ૧.૫૫ કરોડ રેઈન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બન્યા છે. અને આખા દેશમાં ૧૨ બિલિયન ક્યુબિક મીટરથી વધુ પાણી બચાવી શકાયું છે. ગુજરાતમાં પાણીની સ્થિતિ અન્ય રાજ્યો કરતા સારી છે અને મુખ્યમંત્રીશ્રી તથા વહીવટી તંત્રના સઘન પ્રયાસોથી પાણીની કટોકટી વચ્ચે પણ પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
આગામી દિવસોમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરીને ગુજરાતને પૂરતું પાણી મળે અને ખાસ કરીને ખેડૂતોને રવી પાક માટે પણ પાણીની કોઈ ચિંતા ન રહે તેવું નક્કર આયોજન કરવામાં આવી રહ્યું છે એમ મંત્રીશ્રીએ કહ્યું હતું.
મેયરશ્રી માયાબેન માવાણીએ પ્રારંભે સ્વાગત પ્રવચન કરી સુરતના વિકાસની રૂપરેખા અને આગામી વિકાસના આયોજન વિષે ચિતાર આપ્યો હતો.
આ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશભાઈ મોદી, ધારાસભ્ય સર્વશ્રી વિનોદભાઈ મોરડીયા, પ્રવિણભાઈ ઘોઘારી, કિશોરભાઈ કાનાણી, ઈશ્વરભાઈ પરમાર, સંગીતાબેન પાટીલ, અરવિંદભાઈ રાણા, મુકેશભાઈ પટેલ, કાંતિભાઈ બલર, સંદિપ દેસાઈ, જિ. પંચાયત પ્રમુખશ્રી સમીર મોદી, ડે. મેયર ડો.સુધાકર ચૌધરી, સ્થાયી ચેરમેન શ્રીરાજન પટેલ, શાસક પક્ષના નેતાશ્રી અલ્પાબેન મહેતા, દંડક ઉર્મિલાબેન ત્રિપાઠી, જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમાર, મ્યુ. કમિશનર શ્રી રાજકુમાર બેનિવાલ, પો.કમિશનર વાબાંગ જમીર, જિ.વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીના સહિત કોર્પોરેટરો, મનપાની વિવિધ સમિતિના ચેરમેનો, પદાધિકારી-અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.



