વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ માથામહુડી ચોકીની મુલાકાત લઈ વન વિભાગના કર્મચારીઓ સાથે કર્યો સંવાદ

વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ માથામહુડી ચોકીની મુલાકાત લઈ વન વિભાગના કર્મચારીઓ સાથે કર્યો સંવાદ
વનકર્મીઓની રજૂઆતો સાંભળી પ્રશ્નોના નિરાકરણ માટે મંત્રીશ્રીએ આપી ખાતરી
વન સંરક્ષણમાં વનકર્મીઓની ભૂમિકા મહત્વપૂર્ણ:મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા
સુરતઃ વન, પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સુરત જિલ્લાના માંડવી તાલુકાના માથામહુડી વન ચોકીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા કરી તેમની કામગીરી, પડકારો અને જરૂરિયાતો અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ અવસરે બારડોલીના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિત રહી હતી.
મંત્રીશ્રીએ વન વિભાગના કર્મચારીઓ સાથે સીધો સંવાદ સાધી તેમની રજૂઆતો અને પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. કર્મચારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નો અને સૂચનો અંગે યોગ્ય નિરાકરણ લાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ વન સંરક્ષણ, જૈવ વૈવિધ્યના જતન તેમજ પર્યાવરણ સુરક્ષામાં વનકર્મીઓના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વન વિભાગના કર્મચારીઓ પ્રકૃતિના સંરક્ષણ અને વન સંપત્તિના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. રાજ્ય સરકાર વનકર્મીઓની સુવિધાઓ, કાર્યક્ષમતા અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.
મંત્રીશ્રીએ કર્મચારીઓની કામગીરી અંગે જાણકારી મેળવી તેમની ફરજનિષ્ઠા અને સમર્પણની સરાહના કરી હતી. તેમણે વન વિસ્તારના વિકાસ અને સંરક્ષણ માટે ટીમ ભાવનાથી કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



