લોક સમસ્યા

12 મે, “મધર્સ ડે”

 12 મે, “મધર્સ ડે”

મા તે મા બીજા બધા વગડાના વા

 દવા કામ ન આવે તો નજર ઉતારે, મા છે હાર ક્યાં માને છે !

  સમાજમાં વૃદ્ધાશ્રમ વિહીન વ્યવસ્થાનું નિર્માણ કરીએ તે જ મધર્સ ડેની સાચી ઉજવણી

માનવીય જીવનમાં બાળકનાં જન્‍મ પછી એની આસપાસ અનેક સબંધો આપમેળે બંધાય છે પણ મા સાથેનો સંબંધ તો જન્મ પહેલા જ બંધાય જાય છે. માતાજીની મૂર્તિ સમી ‘માતા’નાં વાત્‍સલ્‍ય પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યકત કરવા તેમજ તેનું ઋણ અદા કરવા માટે જગતભરમાં મધર્સ-ડે (માતૃદિન)ની ઉજવણી પ્રતિ વર્ષ મે માસનાં બીજા રવિવારે કરવામાં આવે છે. એક માન્યતા અનુસાર આ માતૃદિનની ઉજવણી સર્વપ્રથમ ઇ.સ. 1908માં ફિલાડેલ્‍ફિયામાં કરવામાં આવી હતી તો કેટલાક લોકો એમ પણ માને છે કે માતૃદિનની ઉજવણી કરવાનો શ્રેય અમેરિકાન મહિલા અન્ના એમ. જાર્વિસને જાય છે. એવું કહેવામાં આવે છે કે અમેરિકન કાર્યકર અન્ના જાર્વિસ તેમની માતાને ખૂબ પ્રેમ કરતા હતા. જેના કારણે તેમણે ક્યારેય લગ્ન પણ કર્યા નહોતા અને તેમને કોઈ બાળકો પણ નથી. માતાના અવસાન પછી, તેમણે તેમના માતા પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવા માટે આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. જેના પછી અમેરિકન રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને 9 મે, 1914 નાં રોજ તેને એક કાયદા તરીકે પસાર કર્યો. આ કાયદામાં લખ્યું છે કે મેના બીજા રવિવારને “મધર્સ ડે” ઉજવવામાં આવશે ત્યારથી તે સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે ઉજવવામાં આવે છે.

‘તૈતરયોપનિષદ’માં એક સંસ્‍કૃત વાકય છે, ‘માતૃ દેવો ભવ’ એટલે કે ‘માતા’ દેવ તુલ્‍ય છે. ભગવાન કૃષ્ણની માતા જશોદા મા એ તો આ માતૃત્વની ઊંડાઈ સાબિત કરી છે. તે વિશ્વનાં સૌથી આદર્શ માતા મનાય છે. ભારતીય સંસ્કૃતિએ માતાને દેવ સમાન ગણી તેનું ગૌરવ વધાર્યું છે. માતાનાં વાત્સલ્યથી અને સંસ્કાર સિંચનથી બાળકનું જીવન ઘડાય છે. માતા હતાશની આશ છે, ભાંગ્યાની ભેરૂ છે, નાસીપાસની પ્રેરણા છે, વિશ્વનું સર્વોત્તમ તીર્થધામ છે, માતાના ચરણતળે જ સ્વર્ગ છે.  જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે છે. માતાનાં વાત્‍સલ્‍યનું નિર્મળ ઝરણું સતત ગતિમાન હોય છે. તેમની કદર કરવી જોઈએ અને તેનું સાચા અર્થમાં સન્માન કરવું જોઈએ. ઘરની મા ને રડાવી મંદિરને મા ને ચુંદડી ઓઢાડે તો મંદિરની મા ખુશ તો ન જ થાય પણ ખફા જરૂર થાય.  સમાજમાં વૃદ્ધાશ્રમ વિહીન વ્યવસ્થાનું નિર્માણ કરીએ તે જ મધર્સ ડેની સાચી ઉજવણી છે. સમાજમાં ઘણા વડીલો સંતાન વિહોણા કે પુત્ર વિહોણા હોય છે ત્યારે માતા પિતાને સાચવવાની જવાબદારી દીકરીઓએ, જમાઈએ પણ લેવી જોઈએ. ઘણા વડીલોને સંતાન નથી હોતા તો તેમની આજુબાજુના પાડોશીઓ, નજીકના સબંધીઓ, તેમના ગામના લોકો, તાલુકાના લોકોએ તેમની કાળજી લેવી જોઈએ તે જ ભારતીય સંસ્કૃતિની શીખ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button