ઉફફ પરીક્ષા… તોબા તોબા

ઉફફ પરીક્ષા… તોબા તોબા
દાદા,મને વાંચવાનું કહેશો નહિ…..
” રૂડી રૂપાળી ચોપડીને પૂંઠું ચડાવી દઉં,
તમને ગમે તો સરસ મજાનું સ્ટીકર લગાવી દઉં,
પણ દાદા મને વાંચવાનું કહેશો નહિ…..
આ પંકિત આજના મોટાભાગના વિધાર્થીઓની માનસિકતા વ્યક્ત કરી રહી છે…આપ સૌ શિક્ષકો અને વાલીઓ મારી સાથે સહમત થશો કે આજના વિધાર્થીઓને વાંચવું ગમતું નથી, ભણવું ગમતું નથી અને કદાચ કેટલાકને તો શાળા એ જવાનું પણ ગમતું નથી…આ બધા ની વચ્ચે શિક્ષકો અને વાલીઓએ પરાણે એમને વાંચતા કરવા છે,વાલીઓ એમને પરાણે શાળા સુધી લઈ આવતા હોય છે અને ત્યાં જ વાલી અને વિધાર્થી વચ્ચેનો મનોસંઘર્ષ શરૂ થાય છે..હમણાં બોર્ડ ની પરીક્ષા નજીક છે .ઘણા ઘરો નું વાતાવરણ ભારેલા અગ્નિ જેવો જ છે…વાલીઓ ના મતે બોર્ડની પરીક્ષા જાણે યુદ્ધ જેવી છે. જ્યારે વિધાર્થીઓના મતે વાલી 007 જેમ્સ બોન્ડ જેવા…જેના કારણે બન્ને પક્ષો પરીક્ષા ના માહોલ ને હળવો ફુલ બનાવવાને બદલે તણાવયુક્ત ચિંતાયુક્ત બનાવી રહ્યા છે અને તેથી જ આજે EYE Enjoy your exams session ની બોલબાલા વધી છે…હું EYE ની વિરોધી નથી..આજ સુધી મેં પણ ઘણા EYE ના session કર્યા છે અને એના અંતે જે વાલીઓના પ્રશ્નો આવ્યા છે તેનો જ ભાગ આજ નો લેખ છે…
માટે વાલીઓ ને કહું છું કે બાળકો ને એમની ક્ષમતા પ્રમાણે એમને ઉડવા દો…વાલીઓ પોતાનું વિધાર્થીજીવન યાદ કરશે તો એમને આપોઆપ ખ્યાલ આવશે કે આપણું ક્યારેય ઓવર પેમ્પરિંગ થયું નથી.આપણને આપણા વાલીઓ એ ઉડવા માટે ખુલ્લું આકાશ અને દોડવા માટે મેદાન આપી જ દીધું હતું ત્યાં કોઈ જગ્યાએ પ્રેમરૂપી ઝંઝીર ન હતી..
બોર્ડ ના વાલીઓ એ ખાસ બાબત સમજે કે વિધાર્થીઓને પોતાની ક્ષમતાનો પૂરેપૂરો ખ્યાલ છે એ એની ક્ષમતા ને આધારે જ પોતાનું પરિણામ મેળવશે જ.વિધાર્થી ખુદ આત્મવિશ્વાસ થી ભરપૂર જ હોય છે પરંતુ વાલીઓ સ્વભાવે પઝેશિવનેસ , ચિંતાતુર હોય છે.બહાર ના ઉદ્દીપકોની અસર વાલીઓ પર વધુ થતી હોય છે, અન્ય વિદ્યાર્થીઓને જોઈને પોતાના બાળકને સરખામણી, સોશિયલ મીડિયાનું વળગણ,તરુણો ના વર્તનને સમજવામાં થતી તકલીફો વગેરે બાહ્ય કારણોને લીધે વાલીઓ હેલિકોપ્ટરની જેમ વિદ્યાર્થીઓ પર મંડરાયા કરતા હોય છે જેના કારણે વિદ્યાર્થીઓને લઘુતા ભાવ, લેખન અને વાંચન પ્રત્યે અણગમો, આત્મવિશ્વાસનો અભાવ, ડર, ગભરાટ, ચિંતા જેવા નકારાત્મક આવેગોનો અનુભવ થતો હોય છે.
વિદ્યાર્થીઓએ મુક્ત મને, પોતાની ક્ષમતા પર વિશ્વાસ કેળવી, પરીક્ષાના માહોલને આત્મસાત કરે તેવો પ્રયત્ન વાલીઓએ કરવો જરૂરી છે. જે માટેના કેટલાક મનોવૈજ્ઞાનિક સૂચનો
1) પોતાના બાળકને બિન શરતી પ્રેમ આપો
2) ઘરનો માહોલ હળવો બનાવો.
3) સૌપ્રથમ તમે ચિંતા મુક્ત બનો.
4) તમારા બાળકની ક્ષમતાને ઓળખો.
5) બાળકની હાજરીમાં એમના મિત્રો, શાળા અને શિક્ષકોની પ્રશંસા કરો.
6) બાળક સાથે મળીને અભ્યાસનું સમયપત્રક તૈયાર કરો અને તેના અમલ અંગેની મુક્ત મને ચર્ચા કરો.
7). નકારાત્મક શબ્દનો ઉપયોગ ટાળો.
8) જમતી વખતે સાથે બેસીને આખા દિવસની ચર્ચા કરો.
9) પતિ પત્નીનો એટલે કે માતા-પિતાનો હસતો ચહેરો પણ જરૂરી.
10) દિવસમાં બે ત્રણ વાર બાળકને ભેટો.
11) બાળકના માર્કસ નહીં, પણ બાળક મહત્વનું છે એ સ્પષ્ટ સમજાવો.
12) બાળક જ્યારે વાંચન પ્રવૃત્તિ કરી રહ્યો છે ત્યારે તમારે પણ ઈતરવાંચન કરવું જરૂરી છે.
13) બાળકના વાંચન સમયે તમે પણ મોબાઈલથી દૂર રહો.
14) તમારી હાજરી બાળક માટે ખૂબ મહત્વની છે માટે ઘરમાં રહો ત્યારે 100% બાળકને
આપો.
15) તમારા બાળકની સરખામણી અન્ય બાળક સાથે ક્યારેય ન કરો.
16) તમે પરીક્ષાલક્ષી અફવાઓથી દૂર રહો અને બાળકને પણ દૂર રાખો.
17) શિક્ષકો સાથે સંવાદ કરો.
18) તમારી અધુરી ઈચ્છાઓ કે સ્વપ્નાઓ બાળક પર સંક્રમિત ના કરો.
19) તમારી નિષ્ફળતાની ચર્ચા પણ બાળકને કરો.
20) બાળકને તમારી સલાહની નહીં, સાથ ની જરૂર છે એ જ સમજો..
અંતે
આપણું બાળક જેવું છે તેવું જ એને સ્વીકારો અને આજના આ પ્રેમ ભર્યા દિવસે બાળકને આપણે દિલથી કહીએ હેપ્પી વેલેન્ટાઇન ડે.❤️💐💐
બોર્ડની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓને સકારાત્મક અભિગમ થી નચિંત બની પરીક્ષા આપી હળવા બનો એ જ શુભકામના 🌹🌹
તૃપ્તિ વ્યાસ.( સાયકોલોજિસ્ટ)
ગંગાધરા