
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે પોર્ટુગલ અને સ્લોવેકિયા જનાર પ્રતિનિધિમંડળમાં લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો સમાવેશ
ભારતના પ્રતિનિધિત્વ માટે અન્ય સાંસદો સાથે સાંસદ ધવલ પટેલની પસંદગી
વલસાડ,ડાંગ,નવસારી જિલ્લા માટે ગૌરવાન્વિત કરનાર સમાચાર
*દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે આગામી તા.૬ઠ્ઠી એપ્રિલથી ૧૧મી એપ્રિલ સુધી દેશનું પ્રતિનિધિમંડળ પોર્ટુગલ અને સ્લોવેકીયા જશે, જેમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલ પટેલ અને શ્રીમતી સંધ્યા રાય દેશનું પ્રતિનિધિત્વ કરશે. આ પ્રવાસમાં બંને દેશો સાથે ભારતના રાજકીય સંબંધો તેમજ પારસ્પરિક વ્યાપારિક સંબંધો વિકસાવવાની ચર્ચા વિચારણા કરાશે. રાષ્ટ્રપતિ અને પ્રતિનિધિ મંડળને રાષ્ટ્રીય સન્માન પણ અપાશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યુવા અને શિક્ષિત સાંસદોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે પોર્ટુગલ અને સ્લોવેકીયા પ્રવાસમાં વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો સમાવેશ ગૌરવાન્વિત કરનાર સમાચાર છે. થોડા દિવસ અગાઉ સાંસદ ધવલ પટેલે વડાપ્રધાનશ્રીની મુલાકાત લઈ સાંસદ તરીકે એક વર્ષના કાર્યકાળનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો.