માતુ શ્રી કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના રાઉંલેંકમાં 256મા સરસ્વતીધામ માતુ શ્રી સંતોકબા લાલજીદાદા ધોળકિયાનું લોકાર્પણ કરાયું

માતુ શ્રી કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના રાઉંલેંકમાં 256મા સરસ્વતીધામ માતુ શ્રી સંતોકબા લાલજીદાદા ધોળકિયાનું લોકાર્પણ કરાયું
શિક્ષણ દ્વારા રાષ્ટ્રનિર્માણ માટે શ્રી કેશુભાઈ ગોટી અંતરિયાળ, પહાડી, દુર્ગમ વિસ્તારોમાં કાર્ય કરી રહ્યા છે; તમામ લોકોએ યથાશક્તિ તેમાં સહયોગ આપવો જોઈએ. – શ્રી જયંતીભાઈ નારોલા
માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતભરમાં અંતરિયાળ, પહાડી, દુર્ગમ વિસ્તારોમાં શાળાભવનો અને છાત્રાલયોનું નિર્માણ કરવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત ઉત્તરાખંડના રાઉંલેંક ગામમાં 256મા સરસ્વતીધામ – માતુ શ્રી સંતોકબા લાલજીદાદા ધોળકિયાનું લોકાર્પણ તા. 5-4-2026 ને રવિવારના રોજ કરવામાં આવ્યું હતું.
આ લોકાર્પણ સમારોહનો શુભારંભ માનવંતા મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો. શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત નૃત્ય, સરસ્વતી વંદના, પાંડવ નૃત્ય, નંદા વગેરે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌને આનંદમગ્ન કર્યા હતા. સંસ્થાના પ્રધાનાચાર્ય શ્રી રાકેશ નેગીએ શબ્દપુષ્પથી અને આસપાસના ગામોથી પધારેલા અગ્રણીઓએ સ્મૃતિચિહ્નથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
આ ભવનના સહયોગી દાતા શ્રી જયંતીભાઈ વી. નારોલા અને ટ્રસ્ટના શુભચિંતક શ્રીમતી જીવંતી દેવી ખોયાલનું સન્માનપત્ર અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, શ્રી કેશુભાઈ ગોટી દ્વારા શરૂ કરવામાં આવેલ શિક્ષણયજ્ઞ અજોડ છે. છેવાડાના બાળકોને સારી શૈક્ષણિક સુવિધાઓ મળે તે માટે શ્રી કેશુભાઈ ગોટી અને એમની કર્મયોગી ટીમ રાતદિવસ જોયા વિના કાર્ય કરે છે.
આ પ્રસંગે શ્રી સુનીલ ભગતજી (અધ્યક્ષ, શ્રી સ્વામિનારાયણ આશ્રમ – હૃષીકેશ), શ્રી ભદ્રાયુભાઈ વછરાજાની, શ્રી રાજેશકુમાર ધામેલિયા, શ્રી ચંડીપ્રસાદ ભટ્ટજી વગેરેએ શિક્ષણનું મહત્ત્વ અને ટ્રસ્ટનાં ઉમદા કાર્યો વિશે પ્રાસંગિક વાત કરી હતી. આ પ્રસંગે શ્રી છગનભાઈ સિમેડિયા અને કર્મયોગી શ્રી રોહિતભાઈ સાવલિયા, શ્રી ધીરુભાઈ ગોટી તેમજ શાળાના કર્મચારીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રી રાજેશકુમાર ધામેલિયાએ કર્યું હતું.
શિક્ષણ દ્વારા રાષ્ટ્રનિર્માણ અને ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ તેમજ સંવર્ધન થાય તે માટે ટ્રસ્ટના પ્રમુખ શ્રી કેશુભાઈ ગોટીએ ભારતભરમાં 351 સરસ્વતીધામ નિર્માણ કરવાનો શુભ સંકલ્પ કર્યો છે, તેમાં 50% રકમ શ્રી કેશુભાઈ આપે છે અને 50% રકમ સહયોગી દાતાશ્રી આપે છે. કર્મયોગીઓ સરસ્વતીધામનાં નિર્માણમાં નિ:સ્વાર્થ ભાવે તનથી સેવા આપે છે. આ ભવનોમાં સહયોગી દાતાશ્રીઓનાં નામ લખવામાં આવે છે, મુખ્ય દાતા શ્રી કેશુભાઈનું નામ ક્યાંય લખવામાં આવતું નથી. આ રીતે ભારતના અઢાર રાજ્યોમાં 256 સરસ્વતીધામ નિર્માણ પામ્યાં છે અને 44 સરસ્વતીધામનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે; તેની યાદી આ પ્રમાણે છે : ગુજરાત-192, ઓરિસ્સા-8, નાગાલેન્ડ-4, મધ્યપ્રદેશ-12, છત્તીસગઢ-3, રાજસ્થાન-4, અરુણાચલપ્રદેશ-5, ઉત્તરાખંડ-9, આસામ-20, મહારાષ્ટ્ર-3, પશ્ચિમ બંગાળ-4, બિહાર-7, ઉત્તરપ્રદેશ-5, ત્રિપુરા-5, ઝારખંડ-13, મણિપુર-3, મિઝોરમ-1, મેઘાલય-2.
માતુ શ્રી કાશીબા ટ્રસ્ટ દ્વારા સરસ્વતીધામ નિર્માણ અભિયાન, વૈચારિક ક્રાંતિ અભિયાન, શિક્ષા સાથી અભિયાન, કુપોષણ મુક્તિ અભિયાન; એમ ચાર પ્રકલ્પો દ્વારા રાષ્ટ્રનિર્માણનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. આ અભિયાન દ્વારા માત્ર ઓરડાઓનું નિર્માણ થતું નથી, પણ ભારતના ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું છે. વૈચારિક ક્રાંતિ અભિયાન અંતર્ગત 110 જેટલા કાર્યક્રમો યોજાયા છે, તેના દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં સકારાત્મક બદલાવ જોવા મળ્યો છે.



