નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થી શીખ્યા વારલી ચિત્રકળાના પાઠ

નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થી શીખ્યા વારલી ચિત્રકળાના પાઠ
સુરત : અદાણી નવચેતન વિદ્યાલયના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે પાર્ટિસિપેટિંગ ઇન્સ્ટિટ્યૂટ અને ઉન્નત ભારત અભિયાન (PI -UBA)SVNIT સુરતના સહયોગથી ચિત્રકાર અને કલા શિક્ષક તુલસીદાસ પટેલના માર્ગદર્શન હેઠળ વારલી ચિત્રકળાનું બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી વારલી ચિત્રકળાએ સાંસ્કૃતિક વારસાનું અભિન્ન અંગ છે. આ વારલી કલાને જાળવી રાખવા માટે, પ્રોત્સાહન આપવા, પરંપરાગત કળાની જાળવણી કરી ભવિષ્યની પેઢીને ભેટ આપી સાંસ્કૃતિક વારસાનું જતન અને સંવર્ધન થઈ શકે તે હેતુસર આ વર્કશોપ યોજાયો હતો જેમાં દોઢસોથી વધુ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા.
આદિવાસી પ્રજાની આ વારલી ચિત્રકલા જે છાણ અને ઘાસથી લિપેલી ઝૂંપડાની ભીંતો પર જોવા મળતી હોય છે. આ ચિત્ર શૈલી અંગે ઊંડાણપૂર્વકની સમજ આપવામાં આવી હતી. વારલી ચિત્રકલામાં ત્રિકોણ, ચોરસ ,વર્તુળ જેવા પાયાના આકારોનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થીઓને આ ચિત્રકળા અને એનો ઉપયોગ કરતાં આદિવાસી સમાજની જીવનશૈલી વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. અંતરિયાળ પરદેશમાં વસતા લોકોની નૈસર્ગિક વસ્તુઓનો ઉપયોગ કરીને જુદા જુદા રંગો તૈયાર કરવાની રીતો અને વાજિંત્રો બનાવવાની રીતો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. વારલી ચિત્રકળા વર્કશોપમાં ઘરની દીવાલ અને દરવાજા ઉપર દોરતા ચિત્રોને વિધ્યાર્થીઓએ પોતાના ડ્રોઈંગ પેપર ઉપર દોર્યા હતા.