ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક બોર્ડના સચિવશ્રી રાકેશ વ્યાસની અધ્યક્ષતામાં ધો.૧૦ અને ૧૨ની પુન:પૂરક પરીક્ષાના આયોજન અર્થે બેઠક યોજાઇ

ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક બોર્ડના સચિવ રાકેશ વ્યાસની અધ્યક્ષતામાં ધો.૧૦ અને ૧૨ની પુન:પૂરક પરીક્ષાના આયોજન અર્થે બેઠક યોજાઇ
સુરત જિલ્લામાં પ્રથમ વખત ધો.૧૦ અને ૧૨ની ‘પુન: પૂરક પરીક્ષા’નું વિશિષ્ટ આયોજન: ૫૦૭૨ વિદ્યાર્થીઓને સેકન્ડ ચાન્સ
ગત મહિને જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે બોર્ડની પરીક્ષા ચૂકી ગયેલા વિદ્યાર્થીઓના હિતાર્થે વિશેષ તક
ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક બોર્ડના સચિવશ્રી રાકેશભાઈ વ્યાસની અધ્યક્ષતામાં સુરત જિલ્લામાં યોજાનારી ધો.૧૦ અને ૧૨ની પુન:પૂરક પરીક્ષાના આયોજન અર્થે બેઠક યોજાઇ હતી. જેમાં ગુ.મા.અને ઉ.મા.શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવશ્રી નિતીનભાઈ પટેલ પણ બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
તા.૯ અને ૧૦ જુલાઈએ સમગ્ર સુરત જિલ્લાના ધો.૧૦ના ૨૬૫૨, ધો.૧૨ સા.પ્રવાહના ૧૧૫૭ અને વિ.પ્રવાહના ૧૨૬૩ મળી કુલ ૫૦૭૨ વિદ્યાર્થીઓ પુન:પૂરક પરીક્ષામાં ભાગ લેશે. ગત મહિને જૂન મહિનામાં દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર સુરત જિલ્લામાં પડેલા અતિ વરસાદને પરિણામે પૂરક પરીક્ષા ચૂકી ગયેલા વિદ્યાર્થીઓના હિતાર્થે રાજ્ય સરકાર દ્વારા પુન:પૂરક પરીક્ષાનું વિશિષ્ટ આયોજન કરાયું છે. જેમાં સુરત જિલ્લામાં પ્રથમ વખત આયોજિત થનાર પુન:પૂરક પરીક્ષા દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાની બીજી તક આપવામાં આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં આયોજિત બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગીરથસિંહ પરમારે જણાવ્યું કે, વિશિષ્ટ વ્યવસ્થાના ભાગરૂપે શહેરના ૬ કેન્દ્રો પર ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ પુન:પરીક્ષા આપશે. જેમાં ધો.૧૦માં પ્રથમ ભાષા તરીકે ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દૂ, અંગ્રેજી અને ઉડિયા તેમજ દ્વિતીય ભાષા તરીકે ગુજરાતી અને અંગ્રેજી મળી ૮ વિષયો, ધો.૧૨ સા.પ્રવાહમાં આંકડાશાસ્ત્ર, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સંસ્કૃત અને ફારસી તેમજ વિ.પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન અને અંગ્રેજી સહિતના ૭ વિષયોની પરીક્ષા લેવાશે.
વધુમાં શિક્ષણાધિકારીશ્રીએ દરેક શાળાના સંચાલકોને વિદ્યાર્થીઓ નિશ્ચિંત થઈ પરીક્ષા આપી શકે એ માટે અનુકૂળ વાતાવરણ સુનિશ્ચિત કરવા અને પરીક્ષા ચાલુ થયે અડધો કલાક સુધી પરિક્ષાર્થીને પ્રવેશ આપવાના આયોજન અંગે વિગતો આપી ટ્રાફિક, પોલીસ, વીજળી, એસ.ટી સહિતના વિભાગોને જરૂર મુજબ ગોઠવણ કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે વિવિધ વિભાગોના અધિકારી/કર્મચારીઓ તેમજ શાળા સંચાલકો હાજર રહ્યા હતા.