ગુજરાત પોલીસને મળ્યાં ‘અભિરક્ષક’: આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સ્પેશ્યલ પર્પઝ વિહિકલ

- ગુજરાત પોલીસને મળ્યાં ‘અભિરક્ષક’: આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સ્પેશ્યલ પર્પઝ વિહિકલ
ગંભીર માર્ગ અકસ્માતો સર્જાય ત્યારે ‘ગોલ્ડન અવર્સ’માં ઇજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી તેમના જીવ બચાવશે ગુજરાત પોલીસનું ‘અભિરક્ષક’ વિહિકલ
ખાસ અદ્યતન રેસ્ક્યુ ટૂલ્સ સાથે સુસજ્જ આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યૂ વિહિકલ ‘અભિરક્ષક’ને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય જિલ્લામાં તૈનાત કરાયા - આ આધુનિક વાહનમાં મેટલ કટર, ગ્લાસ કટર, બોલ્ટ કટર, ટેલિસ્કોપિક લેડર, સ્ટ્રેચર, જનરેટર, હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવી વીંચ અને ઓક્સિજન બોટલ સહિત ૩૨થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સનો સમાવેશ
- આ જ પ્રકારે એક પછી એક મહત્વના નિર્ણયો લઈને ટેકનોલોજીયુક્ત ઇક્વિપમેન્ટ્સમાં વધારો કરી રહ્યા છીએ: મંત્રી શ્રી હર્ષ સંઘવી
રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે અને વધુ જાનહાની અટકાવી શકાય એ મુખ્ય હેતુ સાથે ગુજરાત પોલીસે અદ્યતન “અભિરક્ષક” વિહિકલ ખરીદ્યાં છે. આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યૂ વિહિકલને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તૈનાત કરવામાં આવ્યું છે.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશ હેઠળ આ સ્પેશ્યલ પર્પઝ વિહિકલને ખરીદવા માટે બજેટમાં મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ રાજ્યના એક્સિડન્ટ ડેટા એનાલિસિસ કર્યા બાદ જ્યાં વધુ ગંભીર અકસ્માતો સર્જાય છે તેવા બે જિલ્લા પસંદ કરી આ વાહનોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે.
આ અભિરક્ષક વાહનો ખાસ કરીને માર્ગ અકસ્માતોના ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચીને તત્કાલિક રેસ્પોન્સ આપશે અને “ગોલ્ડન અવર્સ” દરમિયાન ઈજાગ્રસ્તોને બચાવી તેઓને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડશે. આ વાહન ત્યારે ખૂબ મદદરૂપ સાબિત થશે જ્યારે માર્ગ અકસ્માત બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિ વાહનના અંદર ફસાઈ ગઈ હોય અથવા એવા કોઈ સ્થળે ધડાકાભેર ટકરાયા હોય જ્યાંથી રેસ્ક્યુ કરવા પડે તેવી ગંભીર હાલતમાં ફસાયા હોય.
આ આધુનિક વાહનમાં ઓક્સિજન બોટલ ઉપરાંત 32 થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે. જેમાં મેટલ કટર, ગ્લાસ કટર, બોલ્ટ કટર, ટેલિસ્કોપિક લેડર, સ્ટ્રેચર, જનરેટર અને હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવી વીંચ જેવા ખાસ પ્રકારના અદ્યતન વ્યાવસાયિક સાધનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાત્રિના સમયમાં પણ અસરકારક રેસ્ક્યુ થઈ શકે તે માટે પાવરફુલ લાઈટિંગ સિસ્ટમ અને જનરેટર પણ આ વાહનમાં ઉપલબ્ધ છે.
આ ઉપરાંત, નાઈટ વિઝન ગોગલ્સ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ટ્રાફિક કંટ્રોલ લાઈટ બ્લિન્કર્સ અને ડ્રોન ઓપરેશન માટેના ચેમ્બર જેવી અન્ય સુવિધાઓ પણ અભિરક્ષકમાં ઉપલબ્ધ છે. આ વાહનની બોડી તેમજ એન્ટ્રી-એક્ઝિટ ડિઝાઈન પણ ફાયરપ્રૂફ અને હુમલારોધક છે, જે ખાસ કરીને ભીડવાળા કે સંવેદનશીલ પરિસ્થિતિઓમાં સુરક્ષિત કામગીરી માટે ઉપયોગી છે.
અભિરક્ષક એક એવી પહેલ છે જે અકસ્માતગ્રસ્ત વ્યક્તિના જીવ બચાવવાની દિશામાં ગુજરાત પોલીસની તત્પરતાને દર્શાવે છે. પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આવનારા સમયમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવા રેસ્ક્યુ વિહિકલ તૈનાત કરવાનું આયોજન છે.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, આ જ પ્રકારે એક પછી એક મહત્વના નિર્ણયો લઈને નાગરિકોના હિતમાં ઉપયોગી નીવડે તેવા ટેકનોલોજીયુક્ત ઇક્વિપમેન્ટ્સમાં વધારો કરી રહ્યા છીએ.