ગુજરાત
૧૦ ઓક્ટોબર-રાષ્ટ્રીય ટપાલ દિવસ

- ૧૦ ઓક્ટોબર-રાષ્ટ્રીય ટપાલ દિવસ
- આધુનિકતા, વિશ્વસનીયતા, પારદર્શિતા અને કાર્યક્ષમતાનું એક જ ‘સરનામું’ એટલે ‘સુરત ટપાલ વિભાગ’
- એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી ૨.૦ હેઠળ દેશભરની ટપાલ સેવામાં આવેલા ડિજીટલ બદલાવ સાથે તાલ મિલાવતું સુરત ટપાલ વિભાગ
- સુરતમાં પોસ્ટ ઓફિસ બચત યોજનાના કુલ ૧૩ હજારથી વધુ ગ્રાહકો ઈન્ટરનેટ અને મોબાઈલ બેંકના લાભાર્થી
- ૪૯૦ ગ્રાહકો બલ્ક તેમજ રિટેલમાં સેલ્ફ બુકિંગ સેવાનાં લાભાર્થી

વડાપ્રધાનશ્રીના ‘ડિજીટલ ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત ભારતીય ટપાલ સેવામાં આવેલો ઐતિહાસિક બદલાવ એટલે એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી ૨.૦(APT 2.0).
બદલાતા સમય સાથે ડિજીટલ યુગમાં ટપાલ સેવાઓને આધુનિક, ઝડપી, ચોક્કસ, પારદર્શી અને અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તેવી બનાવવા દેશભરમાં APT ૨.૦નો અમલ કરવામાં આવ્યો. દેશભરની પોસ્ટ ઓફિસો સ્માર્ટ અને ડિજિટલ બને તે હેતુથી પોસ્ટ વિભાગે ૨૨ જુલાઈ,૨૦૨૫ના રોજ ગુજરાત પરિમંડળની તમામ ૮,૮૮૪ પોસ્ટ ઓફિસોમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી એપીટી ૨.૦ લાગુ કર્યું.
- સુરત ટપાલ વિભાગે પણ શહેરીજનોને એ.પી.ટી ૨.૦ હેઠળની તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવી છે. જે હેઠળની વિવિધ સેવાઓ આ પ્રમાણેની છે.
UPI-આધારિત ડિજિટલ ચુકવણી: ગ્રાહકો હવે QR કોડ સ્કેન કરીને સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ, પાર્સલ, આંતરરાષ્ટ્રીય મેઇલ અને ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર જેવી સેવાઓ માટે ડિજિટલ રીતે ચૂકવણી કરી શકે છે.
સેલ્ફ બુકિંગ સર્વિસ: બલ્ક બુકિંગ માટે સેલ્ફ-બુકિંગ, પિક-અપ અને ડ્રોપ સુવિધા પણ ઓછી કિંમતે ઉપલબ્ધ છે.
GPS-સહાયિત ડિલિવરી: પોસ્ટમેન દ્વારા અસરકારક ડિલિવરી કાર્ય માટે GPS સુવિધા પ્રદાન કરવામાં આવે છે. જેમાં ગ્રાહકો પાર્સલ મોકલ્યાથી લઇ નિયત વ્યક્તિ સુધી પહોંચે તે આખી પ્રક્રિયા ટ્રેક કરી શકે છે.
OTP-આધારિત ડિલિવરી: OTP (વન-ટાઇમ પાસવર્ડ) આધારિત ડિલિવરી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેથી નિયત વ્યક્તિને જ પાર્સલ પહોંચવાની ખાતરી કરી શકાય. ઉપરાંત, વધુ વિશ્વસનીય ડિલિવરી માહિતી માટે પોસ્ટમેન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ સામે વાસ્તવિક સમયમાં ફોટો પ્રૂફ કેપ્ચર કરવામાં આવશે. - ડાક સેવા APP: રિટેલ અને કરાર ગ્રાહકો માટે કોઈપણ સુવિધા માટે એક જ વિન્ડો પ્લેટફોર્મ પ્રદાન કરવામાં આવે છે. ડાક સેવા, પોસ્ટલ ટેકનોલોજીમાં સેન્ટર ફોર એક્સેલન્સ દ્વારા વિકસિત પોસ્ટ વિભાગની નાગરિક કેન્દ્રિત એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લિકેશન છે. જેમાં ટ્રેકિંગ, પોસ્ટ ઓફીસ શોધ અને પોસ્ટેજ કેલ્ક્યુલેટર ની સુવિધા પણ ઉપલબ્ધ છે.
- ડીજીપીન(Digipin): ભવિષ્યમાં ડિજિટલ PIN કોડ સિસ્ટમ(Digipin)નો પણ સમાવેશ કરવામાં આવશે. જેનાથી ચોક્કસ જગ્યાએ પાર્સલ પહોંચાડવું વધુ સરળ અને ઝડપી બનશે.
વધુમાં સુરત પોસ્ટલ વિભાગના ડેપ્યુટી સુપ્રિ.શ્રી મિતેશભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર સુરતમાં ૬૨૨૫ ગ્રાહકો ઈન્ટરનેટ બેંકિંગ અને ૭૧૯૮ ગ્રાહકો મોબાઈલ બેંકિંગ એમ કુલ ૧૩,૪૨૩ લોકો પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ હેઠળ ઘર બેઠાં નાણાંનું રોકાણ અને પાકતી મુદતે તેને વટાવાનો લાભ લઇ રહ્યા છે. ત્યારે ૪૯૦ ગ્રાહકો સેલ્ફ બુકિંગ સેવા હેઠળ બલ્ક તેમજ રિટેલમાં ઘર બેઠાં પિક અપ અને ડ્રોપ અપની સુવિધાનો લાભ લઇ રહ્યા છે. - એ.પી.ટી ૨.૦ છે, સ્વદેશી
આઈટી આધુનિકીકરણ- ૨.૦ હેઠળ, પોસ્ટ વિભાગના સેન્ટર ફોર એક્સેલન્સ ઇન પોસ્ટલ ટેકનોલોજી, મૈસુર દ્વારા તૈયાર કરાયેલ ઓનલાઈન પોર્ટલ એપીટી ૨.૦ વિવિધ સોફ્ટવેરમાં થઈ રહેલા કાર્યને જોડીને સિંગલ વિન્ડો પ્લેટફોર્મ પૂરું પાડે છે, જે પોસ્ટલ કર્મચારીઓ માટે કામ કરવાનું ખૂબ જ સરળ બનાવશે અને ગ્રાહકોને ઝડપી સેવા પણ મળશે. - દિન વિશેષ:તા.૧૦ ઓક્ટોબર
ભારતીય ટપાલ વિભાગની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે ૧૦ ઓકટોબરે ‘રાષ્ટ્રીય ટપાલ દિવસ’ની ઉજવણી થાય છે. તેમજ લોકો અને વ્યવસાયોના રોજિંદા વ્યવહારમાં ટપાલની ભૂમિકા પ્રત્યે જાગૃતિ લાવવા દર વર્ષની જેમ આ વર્ષે તા.૬ થી ૧૦ ઓક્ટોબર દરમિયાન ‘રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ’ની ઉજવણી કરાઈ છે.



