શિક્ષા

માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતના અઢાર રાજ્યોમાં ચાલતો અનોખો શિક્ષણયજ્ઞ

માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતના અઢાર રાજ્યોમાં ચાલતો અનોખો શિક્ષણયજ્ઞ

351 સરસ્વતીધામ નિર્માણનો શુભ સંકલ્પ, 48 નિર્માણાધીન, 246નું લોકાર્પણ કરાયું

ભારત રાષ્ટ્રના નિર્માણ માટે શિક્ષણને સૌથી વધારે મહત્ત્વ આપવાની જરૂર છે. વિદ્યાર્થીઓમાં આત્મગૌરવ અને ખુમારી જગાવે તેવા શિક્ષણની ખૂબ જરૂર છે. – કેશુભાઈ ગોટી

 

માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતભરમાં સરસ્વતીધામ – શાળાભવનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ દ્વારા રાષ્ટ્રનિર્માણ અને ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ તેમજ સંવર્ધન થાય તે માટે દેશના અંતરિયાળ, પહાડી, દુર્ગમ વિસ્તારોમાં શાળાભવનો અને છાત્રાલયોનું નિર્માણ કરવામાં આવે છે. ટ્રસ્ટના પ્રમુખ શ્રી કેશુભાઈ ગોટીએ ભારતભરમાં 351 સરસ્વતીધામ નિર્માણ કરવાનો શુભ સંકલ્પ કર્યો છે, તેમાં 50% રકમ શ્રી કેશુભાઈ આપે છે અને 50% રકમ સહયોગી દાતાશ્રી આપે છે. કર્મયોગીઓ સરસ્વતીધામનાં નિર્માણમાં નિ:સ્વાર્થ ભાવે તનથી સેવા આપે છે. આ ભવનોમાં સહયોગી દાતાશ્રીઓનાં નામ લખવામાં આવે છે, મુખ્ય દાતા શ્રી કેશુભાઈનું નામ ક્યાંય લખવામાં આવતું નથી. આ રીતે ભારતના અઢાર રાજ્યોમાં 246 સરસ્વતીધામ નિર્માણ પામ્યા છે અને 48 સરસ્વતીધામનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે; તેની યાદી આ પ્રમાણે છે : ગુજરાત-190, ઓરિસ્સા-7, નાગાલેન્ડ-4, મધ્યપ્રદેશ-12, છત્તીસગઢ-3, રાજસ્થાન-3, અરુણાચલપ્રદેશ-4, ઉત્તરાખંડ-6, આસામ-20, મહારાષ્ટ્ર-3, પશ્ચિમ બંગાળ-4, બિહાર-7, ઉત્તરપ્રદેશ-4, ત્રિપુરા-5, ઝારખંડ-16, મણિપુર-3, મિઝોરમ-1, મેઘાલય-2. તાજેતરમાં ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા, આસામ વગેરે રાજ્યોમાં સરસ્વતીધામનું લોકાર્પણ કરવામાં આવ્યું.

ઉત્તરપ્રદેશ રાજ્યના રુદ્રપુરમાં નિર્માણ પામેલ સરસ્વતીધામમાં સહયોગી દાતા શ્રી વિક્રમ લાલચંદ બજાજ – અમદાવાદ; ઓરિસ્સાના સોનારેરબાશામાં શ્રી માવજીભાઈ પ્રેમજીભાઈ સવાણી (એલ.પી. સવાણી ગ્રૂપ); ઉત્તરાખંડના દેવર ખાતે શ્રી રાજુભાઈ ભટ્ટ (ઇલોરા કેપિટલ); આસામમાં શ્રી અજયભાઈ અને શ્રી નરેશભાઈ (પવન જેમ્સ – સુરત) અને ત્રિપુરામાં શ્રી વલ્લભભાઈ વશરામભાઈ મિયાણી (વી.આર. ઇમ્પેક્ષ-સુરત) વગેરે ઉદાર દિલે સહયોગી દાતા તરીકે જોડાયા હતા. ગુજરાતમાં રહીને ભારતના સરહદી રાજ્યોમાં જઈને નિ:સ્વાર્થ ભાવે સેવા કાર્ય કરવું ખૂબ અઘરું કાર્ય છે; પરંતુ ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને રાષ્ટ્રના નિર્માણ માટે આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ ભવનોનાં લોકાર્પણ પ્રસંગે સહયોગી દાતાશ્રીઓનું અને શુભ ચિંતકશ્રીઓનું સન્માનપત્ર અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનો આદર સત્કાર આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કેશુભાઈ ગોટીએ જણાવ્યું હતું કે, “ભારત રાષ્ટ્રના નિર્માણ માટે સૌથી વધારે મહત્ત્વ શિક્ષણને આપવાની જરૂર છે. આજના વિદ્યાર્થીઓને ઉત્તમ સુવિધાઓ સાથે શ્રેષ્ઠ શિક્ષણ મળે તે ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓમાં આત્મગૌરવ અને ખુમારી જગાવે તેવા શિક્ષણની ખાસ જરૂર છે. ભારતભરમાં આ શિક્ષણયજ્ઞ ચાલી રહ્યો છે, તેમાં સહયોગ આપનાર સૌ દાતાશ્રીઓ અને કર્મયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સૌના સાથ-સહકારથી જ આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે.”

સહયોગી દાતાશ્રીઓએ શ્રી કેશુભાઈનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં અમને સહયોગી બનાવવા બદલ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. સ્થાનિક કક્ષાએથી પધારેલા સૌ મહાનુભાવોએ શ્રી કેશુભાઈ અને સહયોગી દાતાશ્રીઓની ઉદાર ભાવનાની ખૂબ સરાહના કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button