હેલ્પિંગ હેન્ડ સંસ્થા દ્વારા શિનોરમાં શાળાના બાળકોને ગરમ કપડાં અને નવજાત શિશુઓને ગરમ કીટનું વિતરણ

હેલ્પિંગ હેન્ડ સંસ્થા દ્વારા શિનોરમાં શાળાના બાળકોને ગરમ કપડાં અને નવજાત શિશુઓને ગરમ કીટનું વિતરણ
શિનોર, તા. 23 ડિસેમ્બર 2025 – વડોદરાની હેલ્પિંગ હેન્ડ સંસ્થા દ્વારા આજરોજ શિનોર ખાતે સેવા કાર્યના ભાગરૂપે સરકારી કુમાર શાળા તથા કન્યાશાળાના બાળકોને ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે મોટા ફોફળિયા ખાતે આવેલી સી.એ. પટેલ હોસ્પિટલ તથા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નવજાત શિશુઓ માટે ગરમ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
વડોદરા જિલ્લાના એડવોકેટ નોટરી શાહનવાજ હુસેન પઠાણના માર્ગદર્શન હેઠળ હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ દ્વારા નિરાધાર તથા જરૂરિયાતમંદ લોકોની સતત મદદ કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે શિનોરની સરકારી કુમારશાળા અને કન્યાશાળાના તમામ વિદ્યાર્થીઓને ગરમ કપડાં આપવામાં આવતા શાળા પરિવાર અને બાળકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
ત્યારબાદ મોટા ફોફળિયા ખાતે આવેલી સી.એ. પટેલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મેનેજર અશોક પટેલ, હોસ્પિટલ સ્ટાફ તથા શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોની હાજરીમાં નવજાત શિશુઓ માટે ગરમ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થા દ્વારા જન્મ તારીખ, સ્થળ સહિતની માહિતી દર્શાવતી પગલી પત્રિકાનું પણ વિતરણ કરી નવજાત શિશુઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
હેલ્પિંગ હેન્ડ સંસ્થાના પ્રતિનિધિ તરીકે અમીનભાઈ મેમન, ઈસ્માઈલભાઈ તથા એડવોકેટ પ્રકાશભાઈ માસ્તરે ઉપસ્થિત રહી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. હેલ્પિંગ હેન્ડ સંસ્થાની આ માનવસેવી કામગીરીને સ્થાનિક લોકોએ ભારે બિરદાવેલી હતી.



